રાજકોટમાં તા.8થી નિ:શુલ્ક થેલિસિમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરનો થશે પ્રારંભ

વિશ્ર્વ રેડક્રોસ દિન અને થેલિસિમિયા દિનથી ઉપલબ્ધ બનાવાશે સેવા સૂચક રોડ પર રેડક્રોસ બ્લડબેંકમાં થશે રજિસ્ટ્રેશન
બાળકદીઠ રૂા.3 હજાર ખર્ચ : દત્તક લેવા દાતાઓને અપીલ રાજકોટ તા.1
સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ વિનામુલ્યે થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફયુઝન અને રીસર્ચ સેન્ટર રાજકોટ ખાતે આગામી તા.8મીએ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જિલ્લા શાખા દ્વારા શરૂ થનારું છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ જિલ્લા શાખા સંચાલીત રેડ ક્રોસ બ્લડ બેંક વર્ષ 2008થી કાર્યરત છે. રેડક્રોસ બ્લડ બેંકમાં અનુભવી અને રકતના નિષ્ણાંત ડોકટર અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવે છે અને હજુ પણ કિફાયતી દેર, સાયન્ટીફિક ધોરણે રકત આપવાનો રેડક્રોસનો ધ્યેય છે.
રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આશિર્વાદ સમાન બ્લડ ટ્રાન્સફયુઝન સેન્ટર શરૂ થનાર છે. આ સેન્ટર તા.08-05 વિશ્ર્વ રેડ ક્રોસ દિવસ તેમજ વિશ્ર્વ થેલેસેમિયા દિવસના રોજ કાર્યરત થશે. અહીં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે રકત આપવામાં આવશે તેમજ બાળકોના નિષ્ણાંતોની દેખરેખ હેઠળ વિના મૂલ્યે રકત ચડાવી આપવામાં આવશે.
વારંવાર રકત ચડાવવાથી બાળકોમાં લોકતત્વની માત્રા વધે છે તેથી ચીલેશન થેરાપીની જરૂર પડે તો એ અંગે પણ મદદરૂણ થવાનું આયોજન છે. આ પ્રકારનું થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફયુઝન સેન્ટર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌ પ્રથમ હશે. આ એક ખર્ચાળ પ્રોજેકટ છે, અને એક બાળક દીઠ એક વખતનો અંદાજીત રૂા.3,000 જેટલો ખર્ચ થવા જાય છે. થેલેસેમિયા પીડીત બાળકને અર્ધ વાર્ષિક કે વાર્ષિક ધોરણે દત્તક લેવાનું શકય બને તો તે માટે સામાજીક સેવામાં સહભાગી થવા પ્રજા જોગ અપીલ કરવામાં આવી છે.
થેલેસેમિયા ગ્રસ્ત બાળકના માતા-પિતા બાળકના તમામ રીપોર્ટ લઈને તા.27-04-2018થી તા.06-05-2018 સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી શકશે. શરૂઆતમાં માત્ર 50 બાળકોનું રજીસ્ટ્રેશન કરવાનું છે. શું છે થેલિસિમિયા
થેલેસેમિયાએ રકતની વારસાગત ખામી છે. માતા-પિતાની અજ્ઞાનતાને કારણે થેલેસેમિયા માઈનર તેમના બાળકોને જન્મથી જ વારસામાં મળે છે અને આજીવન રહે છે. એ કોઈ રોગ નથી પરંતુ એ વિશે જાણવું જરૂરી છે. પતિ-પત્નિ બન્ને થેલેસેમિયા માઈનર હોય તો તેમને ત્યાં થેલેસેમિયા મેજર બાળક જન્મવાની પુરી શકયતા રહેલી છે. થેલેસેમિયાના મુખ્ય બે પ્રકાર હોય છે, જે લોહીમાં રહેલ ગ્લોબીનની ઉણપથી થાય છે, આલ્ફા ગ્લોબીન અને બીટા ગ્લોબીનની જીનમાં ખામીને લીધે વારસાગત રીતે ફેલાય છે.
આલ્ફા ગ્લોબીસન - થેલેસેમિયા માઈનર
બીટા ગ્લોબીન - થેલેસેમિયા મેજર અથવા થેલેસેમિયા ઈન્ટર મીડિયા થેલેસેમિયા માઈનર એ કોઈ રોગ ન હોવા છતાં પણ તેની તપાસ કરાવવી જરૂરી છે. રકત પરિક્ષણ વિનામાત્ર એનિમીઆ જોઈ ડોકટર લોહતત્વ લેવાનું કહે છે તેથી લાંબા ગાળે નુકસાન થવાનો ભય રહે છે.
(1) થેલેસેમિયા માઈનર + સામાન્ય વ્યક્તિ
(અ) 50% બાળકો સામાન્ય (બ) 50% બાળકો થેલેસેમિયા માઈનર
(2) થેલેસેમિયા માઈનર + થેલેસેમિયા માઈનર
(અ) 50% બાળકો થેલેસેમિયા માઈનર
(બ) 25% બાળકો થેલેસેમીયા મેજર
(ક) 25% બાળકો સામાન્ય કયાં કરાવશો રજિસ્ટ્રેશન
રજીસ્ટ્રેશનનો સમય:
સવારે 9:00થી 12:00 અને બપોરે 4:00થી 6:00
રજીસ્ટ્રેશન માટે માહિતી :
બાળકના બે સ્ટેમ્પ સાઈઝ ફોટોગ્રાફ, તમામ રીપોર્ટ સાથેની ફાઈલ (થેલેસેમીયા અને એ.આઈ.વી રીપોર્ટ સાથે), માતા-પિતાના થેલેસેમીયા રિપોર્ટ, આધારકાર્ડની નકલ, બી.પી.એલ. કાર્ડ (જો હોય તો)
વધુ વિગત માટે નીચે દર્શાવેલા સરનામા પર સંપર્ક કરવાનો રહેશે : થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફયુઝન અને રીસર્ચ સેન્ટર, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, રાજકોટ જિલ્લા શાખા, રેડક્રોસ બિલ્ડિંગ, કુંડલિયાની બાજુમાં, સુચક રોડ.