ગરમીમાં શ્રેષ્ઠ ચંદ્ર નમસ્કાર

ગરમીમાં પણ શરીરની સ્વસ્થતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે ગરમીના કારણે એકદમ આરામદાયક કસરત કે યોગાસનો કરવા જોઈએ. જેનાથી ડીહાઈડ્રેશનનો સામનો કરવો ન પડે. હા, પાણી ભરપૂર માત્રામાં પીવું જોઈએ.
સામાન્ય રીતે તાડાસન, વૃક્ષાસન, કટીચક્રાસન, પવનમુક્તાસન, બટરફલાય, પર્વતાસન, વજ્રાસન જેવા આરામદાયક રીતે થઈ શકે તેવા યોગાસનો કરવા જોઈએ. જેનાથી પાચનતંત્ર વ્યવસ્થિત કાર્ય કરી શકે. ઊનાળામાં ગરમીના લીધે પાચનતંત્ર મંદ પડી જવાની સમસ્યા દુર
રહેશે. આ સાથે શરીરના દરેક અંગોમાં સ્ફૂર્તિ અને લવચીકતા જળવાય રહેશે.
ગરમીમાં ખાસ કરીને શીતકારી અને શીતલી પ્રાણાયામ કરવાં જોઈએ. જેનાથી એસીડીટી કે પિત્ત જેવી તકલીફમાં તો રાહત થાય જ છે અને ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થાય છે.
ઓબેસિટી કે વજન ઉતારવાની ઈચ્છા રાખતા હોય તેમણે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય નમસ્કાર કરવાં જોઈએ. ઘણી વખત હોટ યોગા પણ ઉત્તમ પરિણામ આપે છે.
યોગમાં શુદ્ધીક્રિયા નું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વમન ક્રિયા કરવાથી એસીડીટી અને પિત્તની સમસ્યામાં રાહત મળે છે.
આસનો સિવાય સુક્ષ્મ વ્યાયામ કે સુક્ષ્મ યોગ એટલે કે જોઈન્ટસ એકસરસાઈઝ કરવી પણ સારી.
સામાન્ય રીતે સૂર્ય નમસ્કાર બી.પી., હૃદયરોગ કે બીમારીમાં ન
કરવા જોઈએ.
ગરમીમાં ચંદ્ર નમસ્કાર પણ ખુબ લાભપ્રદ છે. ચંદ્રની સામે
ચંદ્ર નમસ્કાર કરવાથી શિતળતા પ્રદાન થાય છે અને શરીર
રોગમુક્ત રહે છે. ચંદ્ર મનનો કારક છે, આથી ગરમીના લીધે
મનને શાંત અને સ્થિર કરી શકાય છે.
ચંદ્ર નમસ્કાર ખાસ પૂનમે કરવા જોઈએ. જેનાથી શરીર રોગમુક્ત
અને મનને વધુ મજબુત બનાવી શકાય.
ગરમીમાં એ.સી. નો વધુ ઉપયોગ થતો હોવાથી કપાલભાતિનો
અભ્યાસ કરી ફેફસાને તંદુરસ્ત રાખી શકાય.
યોગ એટલે માત્ર આસન જ નહિ, સંપૂર્ણ સ્વસ્થ જીવનશૈલી. શરીરના અંગોની સ્વસ્થતા અને મનની પણ જાળવણી. ગરમીમાં પણ રહો કુલ, ફીટ એન્ડ ફાઈન, અને કરો શાઈન.
- વાગ્ભી પાઠક પરમાર