વાર્તા રજુ કરવાનો કસબ!!!

કોઈ પણ કથા કયા આશય સાથે કહેવામાં આવી છે તે હોય છે ખુબ જ મહત્વનું. ટુંકમાં વાત કરીએ તો કથા તત્વ હોય છે ખુબ અગત્યનું અને જે હેતુ સાથે તેનું પ્રસ્તુતીકરણ થયું છે એની પણ હોય છે ખુબ જ માયના! કથા કે વાર્તા સાંભળીએ એટલે એક સાથે ઘણી બધી વાતો, વાર્તાઓ કે મુદ્દાઓ આપણને આવી જાય યાદ! ક્યારેક એ પણ કરાવે આપણને તાજગીનો પણ રોચક અનુભવ! ખુદની જાત સાથે ગોઠડી માંડવાનો મળે પછી અવસર! ઘણી વખત એ થકી થતો હોય છે આપણને ખુબ જ ફાયદો! દિવ્યેશ નામના મારા મિત્રનો સેશન વિશેનો, પુસ્તક પર મેં પ્રસ્તુત કરેલી વાતો પછીનો પ્રતિભાવ આ બધાં મુદ્દાઓને ખુબ જ સરસ રીતે સમજવામાં મદદ કરે એ પ્રકારનો! દિવ્યેશ હંમેશા એવું કહે કે બુક ટોકનો સૌથી મોટો ફાયદો એ કે એક મસ્ત મઝાના પુસ્તકમાંથી ખુબ જ ઓછા સમયમાં બધાને પસાર થવા મળે! ઉપરાંત બીજી અતિ અગત્યની બાબત એ પણ કે કથા, વાર્તા કે જે તે વિષય પરના પુસ્તકમાં જે પણ ખુબ મહત્વનું હોય તેનાં પર ખુબ જ સરસ મજાની છણાવટ થઇ હોય એટલે શ્રોતાઓને તો બધું સરસ ખુબ જ ઓછા સમયમાં પ્રાપ્ત થાય એટલે થતો રહે અહેસાસ આનંદસભર પરિતૃપ્તિનો! ત્રીજી વાત છે બેટરી ચાર્જ થયાની! સમયાન્તરે આપણને બધાને ખુબ જ જરૂર પડતી હોય છે મસ્ત મજાના મોટીવેશનની અને અનન્ય કહી શકાય એવા ઇન્સ્પીરેશનની! દરેક સેશનના અંતે થતો આ ફાયદો અમૂલ્ય તેમજ અતુલ્ય!
વાર્તા કથન હોય છે ખુબ મહત્વનું! તેની શૈલી, અંદાઝ, અભિવ્યક્તિ, કથાનું તત્વ ઉજાગર કરવાની આવડત, પ્રતિક, રસ, લય અને ભાવ! બધાથી જ કથાની રજૂઆત બને છે સબળ અને સફળ! દાદીમાની વાતો ને વાર્તાઓ બાળકોને ખુબ જ ગમવાના કારણો પૈકીનું એક કારણ તેઓનો લગાવ તેમજ બાળકો માટેનું વાત્સલ્ય અને હેત પણ હોય છે! એટલે જ તો તત્વથી ભરપુર ભરેલી વાતો કે વાર્તાઓ વારંવાર સાંભળવાની બાળકોને પડે છે ખુબ જ મજા! ક્યારેય તેઓ ધરાતા જ નથી વાર્તા સાંભળીને! આજના સમયમાં ફ બધું શક્ય છે કે કેમ એવો પણ એક સવાલ આ વાંચતાની સાથે જ ઉદભવતો હોય છે! દરેક પાસે હોય શકે તેનો પોતીકો જવાબ પણ!
દરેક પાસે પોતાની કથા છે! દરેકને કશુક કહેવું પણ છે! દરેકને એમજ લાગે છે કે પોતાની વજુદવાળી વાત સાંભળવા માટે કોઈ દાખવતું નથી તત્પરતા! કોઈ કદાચ કાન માંડીને વાત સાંભળે પણ છે તો પણ તેને એ વાત બરાબર, એકદમ યોગ્ય રીતે સમજાતી નથી! સવાલ તો અનેક છે પણ હવે જરૂરત છે, જવાબની! આવી વાતનો કદાચ સર્વ સ્વિકાર્ય જવાબ જ હોતો નથી! અને જો હોય છે તો એ ક્યારેય સમયસર સૂઝતો કે સ્ફુરતો નથી! હવે ઉકેલ આનો એટલો જ કે સૌ પ્રથમ ખુદની કથા વિષે ખુદે નિરાંતે કરવું જોઈએ ચિંતન અને ઊંડાણપૂર્વકનું મનન પણ! આમ કરવાથી કથાની તીવ્રતા કેટલી છે અને મહત્તા શું છે એ ખુબ સારી રીતે સમજી શકવાની શક્યતા પ્રબળતા સાથે બને છે ઉજ્જવળ! પછી આ કથા કોની પાસે, કઈ રીતે મુકવી કે રજુ કરવી એનો આપોઆપ પ્રગટશે સુંદર સમજણ પણ!
હવે જયારે કથા વિષે સુસ્પષ્ટ બની ગયા હોઈએ આપણે અને કુશાગ્ર બુદ્ધિ તેમજ સવેદનાસભર હૃદય સમક્ષ એને મુકીએ ત્યારે બે વાત ખુબ જ મહત્વની હોય છે! પ્રથમ વાત તો એ કે કથા યોગ્ય રીતે, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં, યોગ્ય સમયે મૂકી શકીએ છીએ કે કેમ એ છે ખુબ જ અગત્યની બાબત! બીજી વાત એ છે કે સાંભળનારના મનોજગત પર એ કેટલી તીવ્રતાથી અસર ઉત્પન્ન કરવામાં સફળ થાય છે અને પછી કેવો પ્રતિસાદ અને પ્રતિભાવ મળે છે કથાનો! આપણને! એક વાત આ તકે ખુબ સારી રીતે સમજી લેવાની જરૂરત પણ છે! પ્રત્યાઘાત નહિ પણ આપણને જરૂરત હોય છે હંમેશા પ્રતિભાવની! મોટા ભાગે તો લોકો વાત સાંભળી, ના સાંભળી કે પ્રત્યાઘાત સાથે પોતાનો નિર્ણય, અભિપ્રાય કે ન્યાય પણ રજુ કરી જ દેતા હોય છે! જે મોટા ભાગે સચોટ કે યોગ્ય હોવાની સંભાવના જ હોય છે એકદમ ઓછી! ધૈર્યપૂર્ણ વિચારશીલતા પછી અને મનોમંથન બાદ જ આપી શકાય કોઈને કથાનો પ્રતિભાવ! એ જ તો હોય છે સાચે જ ખુબ જ અણમોલ! કથાનું એ તત્વ કે જે થકી થયો હોય ઝંકૃત થયાનો એહસાસ કે અનુભવ! તેનાં પર રજુ થતો કે અભિવ્યક્ત થતો પ્રતિભાવ જ છે જણસ! બધાને કરે એ માલામાલ!
જે પુસ્તક વાંચીને ઉદભવેલા વિચારો મેં તમારી સમક્ષ મુક્યા એ મસ્ત મજાના પુસ્તકનું નામ પણ કહું જ દઉં! પુસ્તક છે ધ આર્ટ ઓફ સ્ટોરી ટેલીંગ અને આ અદભૂત પુસ્તક લખ્યું છે જ્હોન વોલ્શ નામના લેખકે! બે મિત્રો સમક્ષ પણ પોતાની વાત બખૂબીથી ઠીકઠાક રજુ ના કરી શકનાર જ્હોનને એક વખત વિચાર આવે છે કે પોતે કુશળ વક્તા બનવું જ જોઈએ! તેને ખુબ વિચાર કર્યો તો જણાયું કે શ્રોતાઓને ખુબ જ ગમતી હોય છે વાર્તા! મસ્ત મઝાની વાર્તા! એવી કથા કે જેમાં જીવનનું થતું હોય દર્શન! મળે કશુક શીખવા! વાર્તા કે જેમાં હોય ભરપુર માત્રામાં જીવન રસ! સારાંશ પણ સમાવિષ્ટ! ત્યારબાદ જ્હોન પોતાના થોડાં મિત્રો સામે એક વખત એક વાર્તા રજુ કરે છે! પોતાને ખુબ ગમેલી એ વાર્તા જ્હોનના મિત્રોને પણ ગમે છે! કરે છે તેઓને પણ એ ખુબ પ્રભાવિત!રસપૂર્વક અને ઉત્સાહથી વાર્તા રજુ કરવાથી જ્હોન હવે છે ખુબ જ ખુશ! પછી તો વાર્તા વાંચવાનો અને મિત્રો સામે રજુ કરવાનો એને લાગે છે ચસકો! જ્હોન હવે તો પ્રખ્યાત બની જાય છે એક કુશળ વક્તા તરીકે! ઉપદેશ આપવાને બદલે વાર્તાથી જ પોતાની વાત લોકો સુધી પહોંચતી કરવાનો કસબ હવે તો જ્હોન પાસે! જ્હોનને એક વખત વિચાર આવે છે કે પોતે જે રીતે વાર્તા કથનમાં નિપુણતા મેળવીને ઉત્તમ વક્તા બન્યો એ વાત જો રસપ્રદ રીતે આલેખિત થાય અને પુસ્તક સ્વરૂપે રજુ થાય તો કદાચ ઘણાને મળે તેનો ભરપુર ફાયદો! ને પછી સમય વેડફવાને બદલે જ્હોન ચલાવે છે કલમ! માંડી તેને કથા પોતે કઈ રીતે કથા કહેવામાં માહિર બન્યો એ વિશેની તેમજ કથા કઈ રીતે કરાય, વાર્તા કઈ રીતે રજુ કરાય તેની! ને આપણને મળ્યું એક મસ્ત મઝાનું પુસ્તક!
કોઈને કાન આપીને, ધ્યાનથી સાંભળવાની કલાને નિખારવામાં પ્રસ્તુત થતી, સાંભળવા મળતી વાર્તા જ ભજવે છે ખુબ જ મહત્ત્વનો અને અતિ અગત્યનો ભાગ! ટૂંકી વાર્તાને લંબાણપૂર્વક પણ રજુ કરી શકાય અને લાંબી વાર્તાને ખુબ જ સંક્ષિપ્તમાં કરી શકાય પ્રસ્તુત! જરૂરી છે એ માટે કસબ વાર્તા કહેવાનો! વાર્તાની શૈલી, કથન, ભાષા, પ્રવાહિતા, લવચિકતા, રસ અને બોધને મસ્ત રીતે અન્યો સુધી પહોંચતા કરવા હોય તો વાર્તા જ એ માટે અર્પે એક ઉત્તમ અવસર! એની જ તો મઝા! મારા એક સેશનમાં મેં રજુ કરેલી વાર્તાની વાર્તા પછી મળેલો મસ્ત પ્રતિભાવ કહીને વાત સમેટી લઈએ!
વાર્તા તો દરેક પાસે હોય જ! યોગ્ય સમયે એને યોગ્ય રીતે, યોગ્ય વ્યક્તિ સામે મુક્ત આવડવું જોઈએ! આમ થતાં બેઉ પક્ષ માલામાલ! સમયના પ્રચંડ પ્રવાહમાં વીસરાય જતી હોય છે ઘણી વાર્તાઓ! એને જાળવી રાખવાના વિકલ્પોનો કરાય સરસ ઉપયોગ!
વાંચજો તમે હવે પુસ્તક! ને હું અટકું! આ મુકામ પર! કથા કે વાર્તા સાંભળીએ એટલે એક સાથે ઘણી બધી વાતો, વાર્તાઓ કે મુદ્દાઓ આપણને આવી જાય યાદ! બુક ટોક સલીમ સોમાણી