કદી મળતા સંધ્યા ટાણે નદી કિનારે હવે મળાય છે ફકત અતીતના ઓવારે

‘એક વિતેલો પ્રસંગ પાછો ઉજવવવો છે ખુદા?
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.’
- મરીઝ
અતીત સૌને વહાલો લાગે છે. ભૂતકાળ ભાગ્યે જ ભૂલી શકાતો હોય છે. સંસ્મરણોના તાણાવાણા વણવા લાગે છે. આપણા જીવનમાં પસાર થઇ ગયેલા સમયને પાછો બોલાવી શકાતો નથી પણ હા વીતી ગયેલ ક્ષણની અનુભૂતિની સ્મૃતિ દ્વારા બેશક આનંદ મેળવી શકાતો હોય છે. તેમાં પણ દુ:ખ વેળા ડીસ્કાઉન્ટ કરી, સુખદ સ્મૃતિઓમાં રાચતા રહેવાથી મન પ્રફુલ્લીત બની જતું હોય છે. જેમકે આપણે પ્રવાસ પર્યટનમાં ગયા હોઇએ, તે વારંવાર યાદ કરી મજા મેળવી લઇએ છીએ. કોઇના લગ્નપ્રસંગમાં અથવા તો ગમતી વ્યકિત સાથે હરવા ફરવા ગયા હોઇએ મિત્રો સાથે ફિલ્મ જોવા ગયા હોઇએ આ બધી વાત વારંવાર યાદ કરી લઇએ છીએ. કારણકે વર્તમાનમાં આપણે સૌ એટલા વ્યસ્ત હોઇએ છીએ કે બધી વાત યાદ નથી રહેતી તો ભવિષ્યની કોને કંઇ ખબર હોય? એટલે જ સૌને ભૂતકાળ વહાલો લાગે છે. કારણ કે ભૂતકાળની ઘટનાઓ આપણે વારંવાર યાદ કરી કરી જાણે કંઠસ્થ કરી લીધી હોય છે. તેથી માનસપટ ઉપર તે બરાબર અંકિત થઇ ગઇ હોય છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી ગમે તેટલા આગળ વધી ગયા હોવા છંતા સતત સરકતા સમયને રોકી શકવા અસમર્થ છે. બચપણનો બિંદાસ્ત વખત, જવાનીની એ બેફિકર વેળા કદી ફરી પાછી નથી આવવાની. પરંતુ તેને યાદ કરતા રહી ફકત મન મનાવવાનું હોય છે. આ શેરમાં મરીઝ ખુદાને એજ વાત કરે છે કે એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. જો કે તે શક્ય નથી. પરંતુ અતીતનુ અહી આગવું મહત્વ સ્પષ્ટ થઇ રહ્યું છે.
‘યાદ આવે છે અને વિસરાય છે,
એમ મારૂં મન હવે ભરમાય છે.’
- હનીફ સાહિલ
ખાલીપાની ખરેલમાં જ્યારે અતીતનું ઓસડિયું ઘુંટાવા લાગે ત્યારે કેટલીક સુખદ સ્મૃતિઓ હૃદયને ઠારે છે તો કોઇ દુ:ખદ ઘટના દિલને બાળે પણ ખરી! કેટલાક બનાવો એવા હોય છે કે યાદ આવે અને પાછા ભૂલાઇ જાય અથવા કહો કે, આપણે તેને પરાણે ભૂલાવી દેવા પડે છે. ને તેમાંજ આપણું શ્રેય હોય છે.
કોઇને યાદ કરવા અથવા ભૂલવા એ હરકોઇ વ્યકિતના જીવનમાં વણાઇ ગયેલી એક સહજ પ્રક્રિયા ગણાવી શકાય. પરંતુ કેટલીક વખત એ જીવનમાં ભ્રમણા ઉત્પન્ન કરે છે. પરિણામે પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે આપણે ખૂદ પણ ભરમાઇ જઇએ છીએ.
‘તમોને એ રીતે ખેચું છું મારા ખયાલોમાં,
ચિતારો જે રીતે સુંદર કોઇ તસ્વીર ખેંચે છે.’
- સ્વ. નાઝિર દેખૈયા
માણસ પાસે સ્મૃતિઓનો પટારો ભર્યો હોય છે. જેમ કોઇ લોભી વેપારી રાત પડતા વારંવાર પટારો ખોલી રૂપિયા ગણી રાજી થાય તેમ આપણે પણ એકાંત મળતા જ આપણી સુખદ સ્મૃતિની પેટી ખોલી બેસી જઇએ છીએ. અને વીતેલા વખતને નજર સામે ખડો કરી જાણે ગઇકાલની જ વાત હોય તેમ મમળાવી લઇએ છીએ.
તેમાં પણ પ્રથમ પ્રેમની વાત હોય તો? જેમ કોઇ તસ્વીરકાર એકચિત થઇ મજાની તસ્વીર બનાવે તેમ આપણે પણ પ્રિયાની સ્મૃતિમાં તલ્લીન બની તેની સાથે જાણે રૂબરૂ વાતચીત કરી રહ્યા હોઇએ તેવુ અનુભવી લઇએ છીએ.
કારણ કે જેમ ચિત્રકારને જે દૃશ્ય દોરવું હોય તેને મનમાં ઉતારવું પડે છે. તેમ આપણે પણ પ્રિયાને ખ્યાલોમાં ખેંચતા હોઇએ છીએ. કવિની કલ્પના દાદ માંગી લે તેવી છે.
(શિર્ષકપંકિત-ખૂદ લેખક) આસ્વાદ બાલેન્દુ શેખરજાની