"સાસુજીને ભાવે ભજીયા!

"તમે મારી વહુના હાથના ભજીયા ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો..! એવા મસ્ત ભજીયા બનાવે છે કે વાત જવા દો! હું તો કેટલીય વાર કહું કે તારા ભજીયા તો વિદેશમાં પણ વેચાય..! ઉર્મિલાબહેન પોતાની વહુ આરાધનાનાં વખાણ કરી રહ્યા હતા. પાડોશમાં નવા રહેવા આવેલા ગીતાબહેન તેમની જ ઉંમરના.. એટલે બેય જાણે બહેનપણી જ બની ગયેલી! સાંજ પડે ને બહાર ઓટલે તેમની બેઠક જામે..! આજે વાતો વહુઓની થતી હતી.
તમને નવાઈ લાગશે કે સાસુઓ તો વહુઓની કૂથલી કરે ને આ બંને ડોશી તો વળી પોતાની વહુઓની પ્રશંસા કરતી હતી પણ એ હકીકત હતી..! તે બંને ડોશીઓ જરાય ટિપિકલ સાસુ નહોતી..!
"અરે ઊર્મિબહેન! વાત જવા દ્યો..! આજકાલની છોકરીઓ તો આ ફોનમાં જોઈ જોઈને એવું સરસ જમવાનું બનાવે કે આહાહા..!
ઉર્મિલાબહેનની વાતમાં હોંકારો દેતા ગીતાબહેન પણ બોલ્યા..
સાડા સાત વાગી ગયા હતા.. તે બંનેના વાતોના વડા હજુ પણ ચાલુ જ હતા.. ત્યાં જ અંદરથી આરાધનાએ પોતાના સાસુને બોલાવતા કહ્યું,
"એ મમ્મી.. આવી જજો.. થાળી કરી દીધી છે. પપ્પાની પૂજા થઇ ગઈ છે. બેસી જાવ બંને સાથે જમવા..!
ને આરાધનાનો સાદ સાંભળતા જ ગીતાબહેનને આવજો કહી ઉર્મિલાબહેન અંદર ગયા.
"અરે રે વહુ... આજેય ભાખરી ને ગલકાનું શાક?? હવે તો કંટાળ્યા હો આ ભાખરાથી..!
ને આ શું? તમે ભજીયાંનું દોહ્યું છે?? તો મને ઉતારી દ્યો ને બે-ચાર પત્રીના ગરમગરમ..!
ડાઇનિંગ ટેબલ પર બેસતા જ ઉર્મિલાબહેન બોલ્યા.
"હું પણ એ જ કહું છું આરાધનાવહુને કે મનેય ગરમ ભજીયા ઉતારી દે. પણ જો ને ના કહી દીધી..!
ઉમેશભાઈ, આરાધનાના સસરા ઉર્મિલાબહેનને સંબોધીને બોલ્યા.. પ્રશ્ર્ન સૂચક નજરે ઉર્મિલાબહેને આરાધના સામે જોયું એટલે એણે જવાબ આપ્યો,
"મમ્મી.. ગયા અઠવાડિયે રિપોર્ટ કરાવ્યા છે. કોલેસ્ટ્રોલ વધી ગયું છે ખબર છે ને?? ને પપ્પા તમનેય ભજીયા નથી સદતા! પછી બીજા દિવસે આખો દિવસ ફરિયાદ કરો છો ખબર છે ને?
મને કઈ વાંધો નથી બનાવવામાં. પણ તકલીફ પછી તમને બંનેને જ પડે છે ને..! ને આ સાંભળતા જ ઉર્મિલાબહેન ને ઉમેશભાઈ ચુપચાપ ગલકાનું શાક ને ભાખરી ખાવા લાગ્યા..
જો કે આરાધનાને પણ આ કહીને સહેજ ખરાબ લાગ્યું હતું.. પણ તે શું કરે..! તેને ખબર હતી કે તેના સાસુ-સસરાને આવું તેલ વાળું કઈ જ નથી સદતું.. એટલે તે રોજ બન્ને માટે ભાખરી બનાવતી.. ને શાક પણ પાછું ગલકા, દૂધી ને તુરીયા આ ત્રણમાંથી એક જ હોય.. છેલ્લા સાતેક વર્ષથી તે બંનેનો રોજનો ખોરાક આ જ રહેતો. હવે તો ઉમેશભાઈ એશીના ને ઉર્મિલાબહેન અઠયોતેરના થયા હતા..!!
એ રાત્રે આરાધનાએ તેના પતિ અવકાશ માટે ભજીયા ઉતારતા તેને કહ્યું,
"અવકાશ.. આ મમ્મી-પપ્પાને આપણે એક દિવસ ભજીયા ના ખવડાવી શકીએ?? બિચારા સાત સાત વર્ષથી આ એકનું એક જમવાનું જમે છે.. હવે તો જાણે જમવા ખાતર જમે છે એવું જ છે..! તમને ને છોકરાઓ ને અઠવાડીયામાં બે વાર ભાખરી આપું ત્યારે ખબર છે ને કેવા મોઢા થઇ જાય છે?? તો મમ્મી-પપ્પાનો તો વિચાર કરો.. બિચારા અઠવાડિયામાં એક દિવસ કઈંક આવું ખાય તો એમને કઈ નહિ થાય..!!!
ગરમાગરમ કાંદાનું ભજિયું ખાતા ખાતા અવકાશ બોલ્યો,
"ચટણીમાં તીખાશ ઓછી છે ને નામ તીખી ચટણી આપ્યું છે??
અને હા મમ્મી-પપ્પાની તબિયતથી વધારે તને તારા હાથના ભજીયા ખવડાવવા ઈમ્પોર્ટન્ટ લાગે છે આરાધના?? તને ગમશે એમની તબિયત લથડશે એ?? પછી ચાકરી કરી શકીશ??
"પણ અવકાશ.. એકાદ વારમાં શું ફરક પડે??? પ્લીઝ..!
"ના આરાધના.. બહુ એવું લાગે તો એક રાત્રે સેવ ટામેટાનું શાક જારી આપજે.. પણ ભજીયા કે એવું કઈ તો નહિ જ..!!
ને આરાધના ચૂપ થઇ ગઈ..!!
થોડા દિવસો પસાર થઇ ગયા..
"મમ્મી.. આજે પ્લીઝ ભજીયા બનાવજે ને..! ને સાથે તારી સ્પેશિયલ લસણની ચટણી પણ બનાવજે..!
આરાધનાની મોટી દીકરી આદ્યાએ સાંજે આવતાવેંત કહ્યું.. ઉર્મિલાબહેન હોલમાં બેઠા બેઠા રસોઈ શો જોતા હતા આરાધનાની સાથે..!! આરાધનાથી તરત ઉર્મિલાબહેનની સામે જોવાઈ ગયું! એ નજરને પારખી ગયા હોય તેમ તેઓ બોલ્યા, "આરાધના વહુ.. મારા પિયરે હું મારા પાંચ ભાઈઓની એકની એક બહેન.. મારી બા હું દસ વર્ષની હતી ત્યારે ગુજરી ગયેલા. એ પછી રસોડું હું જ સંભાળતી.. બે વરસ પછી મોટા ભાભી આવ્યા ને ત્યાં સુધી..!
તમને ખબર છે મારા હાથના ભજીયા પણ બહુ સરસ બનતા.. મારા બાપુજી દર રવિવારે સાંજે પાંચેક કિલો બટેકા ને બેએક કિલો મોટા મરચાં, બે-ત્રણ કિલો કાંદા ને થોડા કેળા લઇ આવતા.. ને બસ પછી શરૂ થતી ઉજાણી! મારે ઘેર આજુબાજુના બધાય આવતા ને હું ગરમાગરમ ભજિયાં ઉતારીને બધાયને જમાડતી..! ત્યારના જમાનામાં તો ભજીયા ને દાળઢોકળી ને મુઠીયા જ નવીન જમવાનું કહેવાતું! અત્યારની જેમ આ પીઝા ને પાઉભાજી ને નુડલ્સ અમે ના બનાવતા! કઈંક નવું ખાવાનું મન થાય ત્યારે ભજીયા બનાવતા..!
ત્યારે આટલું બધું દોહ્યું હોય ને તોય મારા ભાગમાં છેલ્લે માંડ એકાદ-બે ભજીયા આવે..! મારા લગ્ન પછી પણ એવું જ થતું.. હું જ સૌથી નાની વહુ એટલે છેલ્લે જમવા બેસું.. ત્યારે માંડ બે-ચાર ભજીયા વધ્યા હોય!!!
જયારે તારા અવકાશ સાથે લગ્ન થયા ને ત્યારે વિચારેલું કે હવે તો ટેસથી મારી વહુના હાથના ભજીયા ખાઈશ..!!
પણ માંડ એકાદ વર્ષ એવો લહાવો મળ્યો કે આ કોલેસ્ટ્રોલે કબ્જો કર્યો!
ખરેખર મને ભજિયાનું સુખ તો ક્યારેય મળ્યું જ નહિ... ના લગ્ન પહેલા કે ના લગ્ન પછી..!!
આરાધનાને આ સાંભળી તેના સાસુ પર વહાલ ઉભરાઈ ગયું ને જઈને તેમને વળગી પડી...! કે અચાનક જ તેમને છાતીમાં દુખાવો શરૂ થયો..!
આરાધના ગભરાઈ ગઈ.. અવકાશને ફોન કરી તેણે તરત ડોક્ટરને ફોન કર્યો.. ને કલાકમાં તો તેઓ હોસ્પિટલમાં હતા..!
ડોક્ટરની કેબિનમાં અવકાશ અને આરાધના બેઠા હતા.. ઉર્મિલાબહેનને આઈસીયુમાં રખાયા હતા..!
"સાહેબ.. શું થઇ ગયું અચાનક મમ્મીને??
"મિસ્ટર અવકાશ.. તેમની બન્ને નળી બ્લોક છે.. એક 90% અને બીજી 85%..! બાયપાસ કરાવવું પડશે! અને છતાંય બચે એની ખાતરી નહિ..!
ને અવકાશ અને આરાધના સુન્ન થઇ ગયા..!
"પણ સાહેબ..મારા મમ્મીનો ખોરાક તો બહુ વ્યવસ્થિત છે.. તો પણ કેમ આવું??
"દરેક વખતે ખોરાક જ ભાગ ભજવે એવું નથી હોતું..!
અવકાશ અને આરાધનાને શું જવાબ આપવો તે ના સુજ્યુ..
આખરે બાયપાસ કરાવવાનું નક્કી કરી બંને બહાર નીકળ્યા.. ઉમેશભાઈ ઘરે છોકરાઓ પાસે જ રહેલા.. અવકાશ ઘરે જઈને તેમને જણાવી આવ્યો.. ને પછી શરૂ થયું ઓપરેશન!!
અવકાશ અને આરાધના સતત પ્રભુ સ્મરણ કરતા હતા.
અવકાશ ડોક્ટર સાહેબ સાથેની વાતચીત યાદ કરી રહ્યો હતો,
"જુઓ અવકાશભાઈ.. આમ તો બાયપાસની સર્જરી વખતે સ્ટ્રોક આવે એવું ભાગ્યે જ થાય છે. પરંતુ ઉર્મિલાબહેનની બાબતમાં કઈ કહી ના શકાય! તેમની બંને નળી ઓલમોસ્ટ ખલાસ થઇ ગયેલી..!!
તમારે રિસ્ક તો વિચારવું જ રહ્યુ..!
ને બસ આ જ વાત યાદ આવતા અવકાશ સહેજ ઢીલો પડી ગયો.. આરાધનાએ સતત તેનો હાથ પકડીને રાખ્યો હતો..!
ત્રણેક કલાક જેવો સમય વીતી ચુક્યો હતો. ઓપેરેશન થિયેટરની લાઈટ બંધ થઇ ને અવકાશ અને આરાધનાના જીવ ઊંચા થઇ ગયા. ડોક્ટર સાહેબ બહાર આવ્યા કે તરત જ તે બંનેએ આશાપૂર્વક એમની સામે જોયું..!
"આઈ એમ સોરી!
ને આ સાંભળતા જ બંને સહેમી ગયા.. આરાધનાને સહેજ ભાન આવતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી..!!
ઉર્મિલાબહેનના મૃત્યુને આજ સોળ દિવસ વીતી ગયા હતા..
સોળમાની વિધિ સાથે અવકાશે જમણવાર રાખેલો..
"ઉર્મિલાબહેન મારી ખાસ બહેનપણી..! એના વગર હવે મને ગોઠતું નથી હો આરાધના વહુ.. બહુ સૂનું સૂનું લાગે છે..
મારી બહેનપણી તારા બહુ વખાણ કરતી! ને આ ભજીયા તો...
ને ગીતાબહેનનું ડૂસકું છુટ્ટી ગયું.. આરાધના પણ ઢીલી પડી ગઈ..!
"ખબર છે ગીતામાસી... એટલે જ જુઓને મારા હાથે આ ભજીયા બનાવ્યા છે. મારા સાસુની મનપસંદ વાનગી..!
માસી.. મને એક વાતનો જિંદગીભર વસવસો રહેશે.. છેલ્લે છેલ્લે પણ મારા સાસુની ભજીયા ખાવાની ઈચ્છા હું ના પુરી કરી શકી..!
ને આરાધનાની આંખમાંથી આંસુ નીકળી ગયા..
અવકાશ બધાને આગ્રહ કરીને ભજીયા પીરસતો હતો..!
"દીકરા! આમ તો છેલ્લા પંદર દિવસથી સવાર સાંજ દૂધ જ પીધું છે. પણ આજે ભર્યે ભાણે બેઠો છું ને તારી માઁની પસંદગીનું જમણ જમું છું.. મને હજુ એક ભજિયું આપીશ?
ભીની આંખે ઉમેશભાઈએ અવકાશને કહ્યું.. ને અવકાશે તેના પિતાજીની થાળીમાં એક નહિ બે ભજીયા મૂકી દીધા ને ત્યાંથી ચાલ્યો ગયો..
ઉર્મિલાબહેનની તસ્વીરને નિહાળતા ઉભેલા અવકાશને જોઈને આરાધના તેની પાસે આવી..
"આરાધના.. ખરેખર હું ક્યાંક ખોટો હતો.. મારા માઁ-બાપની ચિંતા કરવામાં તેમના જીવવા પર પણ પાબંદી લગાવી દીધેલી..!
આખી જિંદગી ભાખરી શાક ખાધા પછીય મારી માઁ મેં નહોતી કલ્પી એ જ બીમારીના લીધે મને છોડીને ચાલી જ ગઈ ને..!!
ખરેખર જેમ બાળકને ઉછેરવા પરફેકટ પેરેન્ટ બનવું પડે તેમ ઘરડા માઁ-બાપને સાચવવાની પણ યોગ્ય લાયકાત હોવી જોઈએ..! સેટીસફાઇંગ સન બનવું પડે..! હું ક્યાંકે ચુકી ગયેલો.. પણ હવે નહિ..!!! મારા પપ્પાને જયારે જે ખાવાની ઈચ્છા થાય તે એમને બનાવી આપજે..
ચોક્કસ તેમને તકલીફ થાય એવું તો નહિ જ.. પણ ક્યારેક અઠવાડિયામાં બેએક વાર એમને ભાવે તે ખવડાવજે..! હો ને..!
ને આરાધના અવકાશને વળગી પડી.. ઉર્મિલાબહેનની તસ્વીરમાંથી જાણે મૂક આશિષ વરસતા હતા ને તસ્વીરમાની એમની એ નિર્દોષ મુસ્કાનમાં અવકાશ-આરાધના ઝીલાતા હતા..! ઉર્મિલાબહેન
પોતાની વહુ આરાધનાના વખાણ કરી રહ્યા હતા. પાડોશમાં નવા રહેવા આવેલા ગીતાબહેન તેમની જ ઉંમરના.. એટલે બેય જાણે બહેનપણી જ બની ગયેલી! સાંજ પડે ને બહાર ઓટલે તેમની બેઠક જામે..! આજે વાતો વહુઓની
થતી હતી. તમને નવાઈ લાગશે કે સાસુઓ તો વહુઓની કૂથલી કરે ને આ બંને ડોશી તો વળી પોતાની વહુઓની પ્રશંસા કરતી હતી પણ એ હકીકત હતી..! તે બંને ડોશીઓ જરાય ટિપિકલ સાસુ નહોતી..!  વાર્તા આયુષી સેલાણી