બે કેબિનધારકો વચ્ચે કારીગર મુદ્દે ધમાસણ : હત્યાનો પ્રયાસ

ગુલાબનગર ઢાળિયા પાસે મારામારી : સામસામી ફરિયાદ
જામનગર તા,24
જામનગરમાં ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે બે કેબીન ધારકો વચ્ચે કારીગર બાબતે તકરાર થઇ હતી. જે તકરારમાં કેબીન ધારક અને તેના કારીગર પર સામા જુથના ચાર શખ્સોએ સોડા બોટલના કાચ અને ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ફરિયાદ સીટી બી ડીવી. પોલીસ મથકમાં નોંધાવાય છે. જયારે સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ થઇ છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં પહેલા ઢાળીયા પાસે રહેતા અને મેઇન ઢાળીયા પર જ ચા ની કેબીન ધરાવતા સરફરાજ અબ્દુલભાઇ હમીરાણી નામના 24 વર્ષના યુવાને પોતાના પર તેમજ પોતાની કેબીનમાં કામ કરતા કારીગર જાહીદ ઉર્ફે સલો ઉપર ધોકા તેમજ સોડા બાટલીઓના કાચ વડે માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે અન્ય કેબીન વાળા શબીરશા યુસુફશા અને તેના સાગરીતો મહમદ હનીફ, શબીરશા, મહમદશા શબીરશા અને અકબરશા ખોડુશા સામે ફરીયાદ નોંધાવી છે. આ હુમલામાં ફરીયાદી તેમજ જાહીડને ઇજા થઇ હોવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે. જયારે સામાપક્ષે પણ શબીરશા યુસુફશા દ્વારા હુમલા અંગેની વળતી ફરીયાદ નોંધાવાઇ છે. સીટી બી ડીવી. પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.