જામનગરમાં મિનરલ વોટરનાં એકમો પર ફૂડ શાખાનાં દરોડા: નમૂના લેવાયા

સતત બીજા દિવસે ફૂડ શાખાની ધોંસથી ફફડાટ: જામનગરની ફૂડ શાખા દ્વારા આજે વધુ છ પાણીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ
જામનગર તા.21
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજે સતત બીજા દિવસે પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વધુ છ વેપારીઓને ત્યાં દરોડાઓ પાડી દરોડાઓ પાડી મીનરલ વોટર તેમજ બોરના પાણીના નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.
જામનગર મહાનગરપાલિકાની આયોગ્ય શાખા દ્વારા ગઈ કાલે મિનરલ વોટરનું વેચાણ કરતા ચાર વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ હતું અને ઠંડુ પાણી કરવા માટે નાઈટ્રોજન લીકવીડના ટીપાં ભેળવવામાં આવે છે કે કેમ તે જાણવા માટે મીનરલ વોટરના નમુનાઓ એકત્ર કરાયા હતા કેટલાક વિક્રેતાઓ સમગ્ર દિવસ દરમીયાન પાણી ઠંડુ રહે તે માટે નાઈટ્રોજન લીકવીડના બે થી ત્રણ ટીપા નાખી રહ્યા છે જે જન આરોગ્ય માટે હાનિકારક છે તેવી ફરિયાદો ઉઠયા પછી આજે ફુડ શાખાની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં છ જેટલા સ્થળોએ દરોડાઓ પાડી મીનરલ વોટરના જગમાં સંગ્રહ કરાયેલા પાણીના નમુનાઓ ઉપરાંત જે બોરમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે બોરના પાણીના નમુનાઓ વગેરે એકત્ર કરીને લેબોરેટરીમાં પૃથ્થકરણમાં મોકલી આપ્યા છે. (તસવીર: સુનીલ ચુડાસમા)