જ્હોન્સન બેબી પાઉડરથી કેન્સર? કોર્ટે ફટકાર્યો દંડ!

વોશિંગ્ટન તા.13
બેબી કેર માર્કેટમાં વિશ્ર્વની સૌથી મોટી કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનને ફરી ઝાટકો લાગ્યો છે. એક અમેરિકી કોર્ટે તેના ગ્રાહકને 760 કરોડનું વળતર આપવા જણાવ્યું છે. નીચલી કોર્ટે 240 કરોડનું વળતર નક્કી કર્યું હતું પણ આ કોર્ટે ત્રણગણું વધારી 760 કરોડ કરી દીધું. ન્યૂ જર્સીના 46 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીના બેબી પાઉડરથી મેસોથેલિયોમા થયું હોવાનું દાવો કરી વળતર માગ્યું હતું. આ એક કેન્સર છે.
તેનાથી ફેફસાં, પેટ, હૃદય અને અન્ય અંગોને અસર થાય છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાથી આ કેન્સર થયું હોવાનું કંપનીના 120 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લેન્જોએ કેસ કરતા એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ 30 વર્ષથી આ બેબી પાઉડર વાપરે છે. તેમાં એસ્બેસ્ટોસને કારણે તેમને કેન્સર થયું છે. કંપનીએ તેના ઉત્પાદનો પર બીમારી કે જોખમની કોઈ ચેતવણી પણ છાપી નહોતી. કંપનીને તેની જાણ હોવા છતાં આમ નહીં કરવું તે બેદરકારી છે. નોંધનીય છે કે જહોન્સન બેબી પાઉડરનું ભારતમાં 93000 કરોડનું તોતીંગ માર્કેટ છે જે બેબી કેર ક્ષેત્રનો 66 ટકા હિસ્સો છે. બીજી તરફ, કેન્સરવાળા કેસમાં કંપનીની દલીલ હતી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના ભોંયરામાં જે પાઈપ છે તે એસ્બેસ્ટોસની બનેલી છે પરંતુ કોર્ટે કંપનીની દલીલ માન્ય રાખી નહોતી. છેલ્લા બે વર્ષમાં કંપની 7 કેસ હારી ચૂકી છે. કુલ 5950 કરોડનો દંડ ફટકાર્યો છે. જોકે 2700 કરોડના એ કેસમાં ચુકાદો કંપનીની તરફેણમાં આવ્યો હતો. ગયા ઓગસ્ટમાં કંપનીને અલબામાની એક મહિલાને ઓવરીના કેન્સરમાં 475 કરોડનું વળતર આપવું પડ્યું હતું. ત્યાર બાદ મિસોરીના 5 કેસમાં કોર્ટે 1996 કરોડનો દંડ ફટકાર્યો હતો.