બેંક લોન ભરી નહીં શકતા ખેડૂતના પત્નીનો આપઘાત

બાબરાના ચમારડીમાં ત્રણ લાખ ભરવાની નોટિસ મળતા જીવ દીધો
અમરેલી તા,12: અમરેલી જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે. આ જિલ્લામાં અન્ય કોઈ મોટા ઉદ્યોગો ન હોય, લોકો ખેતી ઉપર જીવન જીવતાં હોય છે. ત્યારે ખેતીમાં પણ પોતાનાં પરિવારનું ભરણપોષણ પુરૂં નહી થઈ શકતા આખરે ઉછીના-ઉધારી કરવા પડે અથવા તો બેન્કોમાંથી લોન લેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. ત્યારે બાબરાનાં ચમારડી ગામે ખેતી માટે લીધેલ લોન માર્ચનાં અંત સુધીમાં ભરી નહીં શકતાં આખરે વૃઘ્ધ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બાબરા તાલુકાનાં ચમારડી ગામે રહેતાં બીશુબેન જીવાભાઈ ધાધલ નામની 60 વર્ષિય વૃઘ્ધાએ 1પ વિઘા ખેતીની જમીન ઉપર બે વર્ષ પહેલાં ધીરાણ લીધેલ તેમજ ચાલુ વર્ષે બીજુ ધીરાણલીધેલ હતું. કુલ રૂા.3 લાખ ભરવાના થતાં હોય, અને માર્ચનાં અંતમાં ભરવા અંગે બેંકમાંથી નોટીસ મળતાં અને બેંકમાં ભરવાના પૈસાનો કોઈ મેળ ન પડતાં કંટાળી જઈ પોતાની મેળે વાડીએ જઈ ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં આ વૃઘ્ધાનું સારવાર દરમીયાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.