કચ્છના આભૂષણસમા ખરાઇ ઉંટ લૂપ્તતાને આરે: સંવર્ધન માટે રાષ્ટ્રીય માન્યતાની ચળવળ

કચ્છનું મોટું રણ અને કચ્છના નાના રણ સહિત બન્ની વિસ્તારની ઘાસ ભૂમિ મળી આશરે 30,000ચો કિ.મીનું ક્ષેત્ર આવેલું છે. બન્ની વિસ્તાક માલધારીઓનો મોટો સમૂહ ધરાવતો પ્રદેશ છે. થોડા સમય પહેલા બન્નીની ભેંસ અને કચ્છના અશ્ર્વને રાષ્ટ્રીય માન્યતા મળી છે ત્યારે કચ્છનાં ઉંટ જેમાં ખરાઇ ઉંટ પ્રજાતિમાં એક આગવી વિશિષ્તા ધરાવે છે. કચ્છના સમુદ્ર નજીકના પ્રદેશમાં જોવા મળતા ખરાઇ પ્રજાતિના ઉંટને સમુદ્રી જહાજ કહેવાય છે. સમુદ્ર રેતમાં જોવા મળતી ચેર નામની વનસ્પતિ આ ખરાઇ ઉંટનો મુખ્ય ખોરાક છે. ખરાઇ ઉંટને મુખ્યત્વે લખપત, અબડાસા, ભચાઉ અને મુન્દ્રાના નજીક માલધારીઓ દ્વારા પાળવામાં આવે છે. કચ્છ માલધારી સંગઠન અને સહજીવન ટ્રસ્ટ દ્વારા ખરાઇ પ્રજાતિના ઉંટોને માન્યતા મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આજે કચ્છમાં 3000થી ઓછા ખરાઇ ઉંટ બચ્યા છે અને તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. સહજીવન ટ્રસ્ટના રમેશ ભાટી જણાવે છે કે ખરાઇ પ્રજાતિના ઉંટ જમીન અને દરિયાઇ એમ બન્ને જગ્યાએ પરિવહન કરી શકે છે. દુનિયાના કોઇ પણ ઉંટ જુઓ તો તે પાણીમાં પરિવહન નહિ કરી શકે જ્યારે ખરાઇ પ્રજાતિના ઉંટોમાં સમુદ્રના પરિવહન કરવાની ભારોભાર ક્ષમતા રહેલી છે. આ એક કુદરતી ભેટ છે અને તેની જાળવણી અને સલમાતી માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય માન્યતા મળે તે જરૂરી છે.