ઈજનેરી અભ્યાસક્રમમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરવા માંગ

એબીવીપીની જીટીયુમાં કુલપતિને આવેદન પત્ર આપી ડીગ્રી કોર્ષમાં વાર્ષિક પ્રથા દાખલ કરવા રજૂઆત
રાજકોટ તા.11
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવી ઈજનેરી અ્ભ્યાસ ક્રમમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરી વાર્ષિક પ્રથા દાખલ કરવા માંગ કરી છે. મંત્રી નિખિલ યાદવની આગેવાનીમાં અપાયેલ આવેદન પ્રમાણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સેમેસ્ટર પ્રથા હટાવો મુવમેન્ટ છેલ્લા કેટલાક વર્ષથી ચલાવવામાં આવી રહી છે. દિનાંક 9 એપ્રિલ 2018 ના રોજ અ.ભા.વિ.પ. દ્વારા જીટીયુના કુલપતિશ્રીને આવેદનપત્ર આપીને ઈજનેરી અભ્યાસક્રમના ડીગ્રી કોર્ષના પ્રથમ વર્ષમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરી વાર્ષિક પ્રથા દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. સેમેસ્ટર પ્રથા પર કરવામાં આવેલ સેમીનારમાં એવા અભિપ્રાય આવ્યા હતા કે ઈજનેરી કોર્ષના પ્રથમ વર્ષમાં સેમેસ્ટર પ્રથાના કારણે પ્રવેશ પરીક્ષા પરિણામ અને વિદ્યાર્થીના અભ્યાસમાં ખામી જોવા મળે છે માટે ઈજનેરી અભ્યાસક્રમના ડીગ્રી કોર્ષના પ્રથમ વર્ષમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરી વાર્ષિક પ્રથમ દાખલ કરવાની અ.ભા.વિ.પ. માંગ કરે છે.