ગીર જંગલમાંથી પી.આઈ. અનંત પટેલની કાર રેઢી મળી


બીટકોઈન કૌભાંડમાં ફરાર થઇ ગયેલા પી.આઈ.ની કાર જપ્ત કરતી સીઆઈડી
અમરેલી તા,11
બીટકોઇન મામલે કાળાધોળા કરનાર અમરેલીના પી.આઈ. સહિત પોલીસ કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમે શોધખોળ હાથ ધરી છે. દરમિયાન અમરેલીના પી.આઈ. અનંત પટેલની કાર ગીર જંગલમાંથી રેઢી મળી આવી છે.
બિટકોઇન મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુન્હો નોંધ્યા બાદ અમરેલીના પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલ અને તેના સાત પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયા છે. ભાગેડુ પોલીસવાળાને શોધવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સંભવીત સ્થળે તપાસ શરુ કરી છે ઘણા દિવસોથી પોતાની કાળી સફારી કારમાં ભાગી રહેલા ઈન્સ્પેકટર અનંત પટેલની સફારી કાર ગીરના જંગલમાંથી બીનવારસી મળી આવી હોવાની જાણકારી સુત્રોએ આપી છે.
ફરાર થયેલા અનંત પટેલ સહિત અન્ય પોલીસ કોન્સ્ટેબલોની તમામ હકીકત સીઆઈડી પાસે આવી ચુકી છે. જો કે તમામ આરોપીઓએ તેઓ રોજ ઉપયોગમાં લેતા હતા તેઓએ ફોન બંધ કરી દીધો છે.
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ-ગાંધીનગર અને સુરત તેમજ મુંબઇ સફારી કારમાં ફરતાં અનંત પટેલ પોલીસ અધિકારી હોવાને કારણે તેમને અંદાજ આવી ગયો હતો કે તેમની કાળી સફારી કાર તેમને પકડાવી શકે છે. સીઆઈડી પાસે તેમની આ કારનો નંબર પણ આવી ગયો હતો. જેના કારણે તેમણે પોતાની કાર ગીરના જંગલ વિસ્તારમાં બીનવારસી છોડી દીધી હોવાની આશંકા છે.
જયાં સુધી બિટકોઈનની ફરીયાદ નોંધાઈ નહોતી તે પહેલા અમરેલીના કેટલાક પોલીસ કોન્સ્ટેબલ સીઆઈસી સામે હજાર થઇ ખરેખર શું બન્યું હતું તેની જાણકારીના સાક્ષી થવા માગતા હતા, પરંતુ ડીએસપી જગદીશ પટેલે સીઆઈડી સાથે બધુ ગોઠવાઈ ગયું છે અને ગુનો દાખલ થશે નહીં તેવી હૈયાધારણા આપી હતી.