તોગડિયા પ્રકરણની કર્ણાટકમાં માઠી અસર?

 શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિક ભાજપને નડી શકે
નવી દિલ્હી તા.17
કર્ણાટકની શ્રી રામ સેના અને તેના પ્રમુખ પ્રમોદ મુથાલિક પ્રવીણ તોગડીયાના ખાસમ ખાસ મનાય છે અને દક્ષિણ ભારતમાં ભગવી લહેર માટે જે કંઈ પણ કામ થયું છે તેમાં પ્રમોદ મુથાલિકનો મોટો સિંહફાળો રહ્યો છે. ખાસ કરીને ધર્માંતરણની સામે શ્રી રામ સેનાએ મોટાપાયા પર આંદોલન ચલાવ્યા છે અને કર્ણાટકમાં ભાજપને મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આજકાલ પ્રમોદ મુથાલિક હાંસીયામાં ધકેલાઈ ગયા છે પરંતુ પ્રવીણ તોગડીયાની વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખરાબ વિદાય બાદ મુથાલિક ફરી ડોકાતા થઈ ગયા છે.
12મી મેએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપ માટે પ્રવીણ તોગડીયાને વિહિપમાંથી પાણીચું આપવાનો પડઘો સીધી રીતે કર્ણાટકની ચૂંટણી પર પડી શકે એમ છે. વિહિપમાં સંઘ નિષ્ઠા ધરાવતા કોકજે અને આલોક કુમારને વિહિપની કમાન સોંપવામાં આવી છે ત્યારે કર્ણાટક ભાજપ માટે ખરાખરીનો જંગ બની રહેવાનો છે. ગુજરાતની જેમ ભાજપે કર્ણાટકમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે અને કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે કોંગ્રેસ મૂક્ત ભારતનો નારો આપ્યો છે ત્યારે કર્ણાટકની ચૂંટણી તોગડીયા પ્રકરણ બાદ ભાજપ માટે લોકસભાની ચૂંટણીની સેમી ફાઈનલ બની રહેવાની છે.
પ્રમોદ મુથાલિકે શિવસેનાથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં બજરંગ દળ અને હિન્દુ રાષ્ટ્રીય સેના સાથે જોડાયા હતા. તેઓ આજદિન સુધી અપરિણીત રહ્યા છે અને પાછલા 20 વર્ષથી સતતને સતત કર્ણાટકમાં હિન્દુત્વ માટે કામ કરી રહ્યા છે. પ્રમોદ મુથાલિકે ભાજપને ભારતીય જીસસ પાર્ટી કહીને અનેક વખત ટીકા કરી છે. 2009થી મુથાલિક ભાજપ વિરુધ્ધ કામ કરી રહ્યા છે આ ફેકટર ભાજપને આ વખતે પણ વગાડી શકે એમ છે.
પ્રવીણ તોગડીયાને વિહિપમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ એવું મનાય છે તેમના સમર્થકો દેશવ્યાપી રીતે ભાજપ સામે નવેસરથી સરજાહેર કેમ્પેઈન શરૂ કરી શકે છે. 2014માં મુથાલિકને ભાજપમાં સામેલ કરવાનો ધખારો કરવામા આવ્યો પરંતુ મોટાપાયા પર ભાજપમાં આંતરિક બળવો ફાટી નીકળતા મુથાલિકને કલાકોની અંદર જ ભાજપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આમ મુથાલિક મામલે ભાજપની વખતો વખત કસોટી થતી રહી છે. હવે તોગડીયા પ્રકરણ બાદ કર્ણાટકની ચૂંટણી પર વાયા મુથાલિક ભાજપને મોટા નુકશાનની ભીંતિ રહેલી છે.