ઓપ્પો-વિવોના ગેરકાયદે હોર્ડિંગ્સ કૌભાંડમાં કંપનીઓ ઘૂંટણીએ

‘ગુજરાત મિરર’ની ઝુંબેશથી કોર્પોરેશનને પડી તોડપાડની ફરજ; સ્ટાફ-નેતાઓ-કંપનીઓની મિલિભગતનો ધ એન્ડ! દોઢ સો ફૂટ રિંગરોડ પરથી 70 મંજૂરી વિનાના મફતિયા હોર્ડિંગ દૂર કરવા એસ્ટેટ બ્રાન્ચની ટીમો દોડાવાઈ કંપનીઓ-મોબાઈલ વિક્રેતાઓએ દોઢ વર્ષનું ભાડું અને દંડ ચૂકવવા સંમતિ સાથે સમય આપવા આજીજી કરતા અંતે સોમવાર સુધીનું આખરીનામું, અન્યથા મંગળવારે ડિમોલિશન પાક્કું કોર્પો.ને એટલે કે પ્રજાને કરોડોનો ચૂનો ચોપડવાની સાજીશ ‘ગુજરાત મિરર’ દ્વારા ચલાવાયેલી ઝુંબેશને લીધે નાકામ રાજકોટ: અંતે, મફતિયા પબ્લિસિટી માટેની ઓપ્પો-વિવોની કારી નિષ્ફળ રહી છે ; રાજકોટના પોશ એરિયામાં વિના મંજૂરીએ અને ભાડું ચૂકવ્યા વગર ખડકી દેવાયેલા ઓપ્પો - વિવોના એડ. બેનર-હોર્ડિંગ્સ વિશે ‘ગુજરાત મિરર’ દ્વારા પર્દાફાશ બાદ પરિણામલક્ષી ઝૂંબેશ ચલાવવામાં આવતા મહાપાલિકાએ આખરે સક્રિય બનવું પડ્યું છે. આવા હોર્ડિંગ્સથી મફત પબ્લિસિટી કરીને મહાપાલિકાની તિજોરીને, મતલબ કે પ્રજાની તિજોરીને કરોડોનું નુકસાન કરતા રહેવાની મિલિભગતવાળા ષડયંત્રનો હવે ધ એન્ડ આવવા પર છે. આજે ડિમોલિશન માટે ટીમ દોડાવાતા કંપનીઓ - મોબાઈલ વિક્રેતાઓ ઘૂંટણીએ પડી ગયા હતા અને સમય માગ્યો હતો. આવતા મંગળવાર સુધી જે હોર્ડિંગ્સ નહીં હટાવાયા હોય તે તોડી જ પાડવા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ટાગોર માર્ગ, દોઢસો ફૂટ રિંગ રોડ, કુવાડવા રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં કોર્પોરેશનની સત્તાવાર મંજૂરી વિના લગાવી દેવાયેલા સંખ્યાબંધ હોર્ડિંગ્સનું ભાડું કોર્પો.ને નહીં ચૂકવીને કરોડોની ગેરરીતિ કરાતી હતી. દોઢ વર્ષથી અમુક નેતાઓ અને સ્ટાફ સાથેની મિલિભગતથી આ બધું ચાલતું હતું. ‘ગુજરાત મિરર’માં એ વિશે શ્રેણીબધ્ધ અહેવાલ પ્રસિધ્ધ થતાં ફાઇલ કમિશ્ર્નર સુધી પહોંચી હતી તથા વિજિલન્સ તપાસ શરૂ કરાઇ હતી. તાજેતરમાં કોંગ્રેસે આરટીઆઇ હેઠળ માગેલી વિગતોમાં પણ કૌભાંડને પુષ્ટિ મળી હતી, કોર્પોરેશને આપેલા જવાબમાં જ ગેરકાયદે હોર્ડિંગ્સની કબૂલાત પણ આવી હતી. ગઈકાલે દોઢ સો ફૂટ રિંગરોડ પરના આવા 70 હોર્ડિંગ્સ હટાવવા 24 કલાકની નોટિસ એસ્ટેટ વિભાગે આપી હતી અને મોબાઈલની દુકાનો, હોટલો પરના આવા હોર્ડિંગ્સ તોડી પાડવા આજે સવારે 9 વાગ્યે જ કાંફલો દોડી ગયો હતો. બાલાજી હોલથી ગોંડલ ચોકડી સુધી 150 ફૂટ રિંગરોડ પર બન્ને તરફના ગેરકાયદે હોર્ડિંગ્સનો હવે કડૂસલો કરી જ દેવાશે તેમ જણાતા કંપનીઓ-શોરૂમ વાળાઓએ ઘૂંટીએ પડીને કમિશનરને ફોન કરી કહ્યું હતું કે 15 દિવસનો સમય આપો, અમે જાતે હોર્ડિંગ્સ હટાવી લઈશું. 7 દિવસનું આખરીનામું આપીને તાકિદ કરી છે કે ત્યાં સુધીમાં જે હોર્ડિંગ્સ નહીં હટાવાયા હોય તે આગામી મંગળવારે તોડી જ પડાશે. ‘ભાડું અને દંડ પણ ભરી દઈશું, હોર્ડિંગ્સ તોડી ન પાડતા, પ્લીઝ...!’
ઓપ્પો-વિવો હોર્ડિંગ્સ કૌભાંડમાં દોઢ વર્ષ સુધી તગડું ભાડું ગુપચાવનાર કંપનીઓ વિક્રેતાઓએ આજે ભાડુ અને દંડ પણ ભરી દેવાની તૈયારી સામેથી દાખવીને વિનવણી કરી હતી કે કોર્પોરેશન હોર્ડિંગ્સ તોડી પાડે તો, નુકસાન થશે, જેથી તેઓ પોતે જ હોર્ડિંગ્સ ઉતારી લેવા તૈયાર છે. આમ, ‘ગુજરાત મિરર’ની પ્રજાલક્ષી ઝુંબેશ સફળ રહી છે અને પ્રશાસને જાગવું પડ્યું છે.