રાજકોટના 80 ફૂટ રોડ પર મધરાત્રે એસ.ટી. બસ ઉપર પથ્થરમારો

દ્વારકા-ભાવનગર રૂટની બસ પર ચાર શખ્સોએ કાચની બોટલ છુટ્ટા ઘા કરતા મુસાફરોમાં ફફડાટ : હુમલાખોરોની શોધખોળ
રાજકોટ તા.17
રાજકોટ સહીત દેશભરમાં તાજેતરમાં જ એટ્રોસિટી એક્ટમાં ફેરફાર કરવાની વાત સામે અનુસૂચિત જાતિના સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે અનેક એસટી બસ ટોળાનો શિકાર બની હતી ત્યારે ગત રાત્રે 80 ફૂટ રોડ ઉપર દ્વારકા ભાવનગરની એસટી બસ ઉપર ચાર શખ્સોએ પથ્થર અને કાચની બોટલોના છુટ્ટા ઘા કરી કાચ ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે અચાનક જ હુમલો થતા મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા. ચારેયની શોધખોળ હાથ ધરી છે.
દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના આરંભડા ગામે રહેતા અને ગુજરાત એસટીમાં નોકરી કરતા સુલ્તાનભાઈ ઇશાકભાઈ બુખારી નામના સૈયદ યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગઈકાલે દ્વારકાથી ભાવનગર રૂટની એસટી બસ લઈને દ્વારકાથી નીકળ્યો હતો ગત રાત્રે રાજકોટ એસટી બસ સ્ટેન્ડે પહોંચ્યા બાદ ભાવનગર જવા રવાના થયા હતા દરમિયાન રારે દોઢેક વાગ્યે 80 ફૂટ રોડ ઉપર આંબેડકરનગરના ગેટ સામે પહોંચ્યા ત્યારે અચાનક જ 20 થી 22 વર્ષના ચાર યુવાનો ધસી આવ્યા હતા અને આગળના ભાગે પથ્થરના અને કાચની બોટલના ઘા કર્યા હતા ચારેય શખ્સોએ અચાનક હુમલો કરતા મુસાફરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો પથ્થરમારો થતા બસના આગળના કાચનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ઘટના અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે જી ચૌધરી સહિતના સ્ટાફે ચારેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.