કૃષ્ણના દર્શને મથુરા-વૃંદાવનની મુલાકાતે આવી હોલીવૂડ એકટ્રેસ

મેરી એવજેરોપૂલોસે મથુરાના સાંદિપની આશ્રમમાં બાળકો સાથે સમય પસાર કર્યો
મુંબઇ તા.17
હોલિવૂડ એક્ટ્રેસ મેરી એવજેરોપૂલોસ હાલમાં રજાઓ લઈને વ્રજધામની ગલીઓમાં ફરી રહી છે. અહીંયા તે માત્ર ટૂરિસ્ટ બનીને મથુરા-વૃંદાવન ફરવા માટે નથી આવી. તે એક ખાસ હેતુ સાથે ભારતમાં આવી છે. એક તો તે ભગવાન કૃષ્ણની નિકટ જવા ઈચ્છે છે અને બીજું તેને સોશિયલ વર્ક કરવા માટે સૌથી સારી જગ્યા લાગે છે.
મેરીના ઈન્ટસ્ટાગ્રામ પર આ યાત્રાની ઘણી તસવીરો જોઈ શકાય છે. તેણે ગાય સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે, તો જરૂરિયાતમંદ બાળકો સાથે પણ નજર આવી રહી છે. અહીંયા તે મથુરાના સંદીપની મુનિના આશ્રમ પણ ગઈ હતી. અહીંયા બાળકો સાથે તેણે ઘણો સમય પસાર કર્યો. આટલું જ નહીં મેરીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે મથુરાની એક મહિલા સાથે વાતો કરતી જોવા મળે છે. આ મહિલા આગળ કેમ ન ભણી શકી અને કેમ જલ્દી તેના લગ્ન કરી દેવાયા, આ વિશે ટ્રાન્સલેશન દ્વારા મેરીને મહિલા સાથે વાતચીત કરતા જોવી ખાસ વાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરીએ અહીંયા ફૂડ ફોર લાઈફ ઓર્ગેનાઈઝેશનની સ્કૂલના એક બાળકને દત્તક લીધું છે. તે બાળકના અભ્યાસ માટેનો સમગ્ર ખર્ચ ઉઠાવશે. કરિયરની વાત કરીએ તો મેરીએ વર્ષ 2019માં આઇ લવ યુ બેથ કુપર નામની ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ મુજબ મેરી બાળપણથી જ ભગવાન કૃષ્ણ વિશે જાણવા ઈચ્છતી હતી. આ કારણે જ તે મથુરા આવી છે.