રાઇઝીંગ સ્ટાર-2માં આલિયાએ ફિલ્મ ‘રાઝી’નું ગીત શંકર મહાદેવન સાથે ગાયું

આલિયાએ અગાઉ ‘હમ્ટી શર્મા કી દુલ્હનિયા’માં પોતાના મધુર કંઠનો પરિચય આપ્યો છે
મુંબઇ તા.17
સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર 2માં આલિયા ભટ્ટ ઉપસ્થિત રહી હતી. આલિયા ભટ્ટ શોમાં પોતાની આગામી ફિલ્મ રાઝીનું પ્રમોશન કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેણે ફિલ્મનું એક ગીત પણ દર્શકો માટે ગાયુ હતું. શંકર મહાદેવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આલિયા સાથે ગાયેલું આ ગીત શેર કર્યું હતું. આલિયા શંકર સાથે ઘણા જ સુરીલા અવાજમાં ગીત ગાઇ રહી હતી. પ્રથમ વખત આલિયા કોઇ શોમાં ફિલ્મનાં પ્રમોશન માટે પહોંચી હતી. કોઇપણ શોમાં આલિયાએ પહેલીવાર ફિલ્મનું ગીત મૈં જહાં રહું, જહાં મૈં, યાદ રહે તુ ગીત ગાયું હતું. ફિલ્મ વિશે વાત કરતા આલિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે આ ફિલ્મમાં એક મુશ્કેલ પાત્ર ભજવ્યું છે.
ફિલ્મનાં એ સીન ઘણા અઘરા હતા જેમાં એક પત્ની થયા પછી એક જાસૂસ હોવાના ભાવ ચહેરા પર લાવવાનાં હતા. ફિલ્મમાં ઘણી જગ્યાએ ફિલ્મનાં નિર્દેશક મેઘના ગુલઝારે તેને ફેક એક્સપ્રેશન આપવાનું કહ્યું હતું. આ સ્ક્રિપ્ટની માંગ હતી. એક પત્ની હોવાની સાથે આવા એક્સપ્રેશન આપવા આલિયા માટે પડકારરૂપ હતા.
રાઇઝિંગ સ્ટાર-2ની વાત કરીએ તો આ શોને શંકર મહાદેવન, દિલજીત દોસાંઝ અને મોનાલી ઠાકુર જજ કરી રહ્યા છે.