ઇંગ્લીશ પ્રીમિયર લીગ ટાઇટલ કબ્જે કરતી માન્ચેસ્ટર સિટી

ત્રણ વખત ફુટબોલ ટાઇટલ જીતવાના આર્સેનલના રેકોર્ડની બરોબરી હજુ તો પાંચ મેચ રમવાના બાકી છે ત્યાં જ 87 પોઇન્ટ મેળવી ટાઇટલ જીત્યુ : પાંચેય મેચ હારે તોય કશો ફેર નહીં પડે
લંડન તા.17
માન્ચેસ્ટર સિટીએ કટ્ટર પ્રતિસ્પર્ધી માન્ચેસ્ટર યુનાઇટેડના પરાજયની સાથે ઇંગ્લિશ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી લીધું છે. માન્ચેસ્ટર યુનાઇટેડને વેસ્ટ બ્રોમવિચે અપસેટ સર્જતાં 1-0થી પરાજય આપ્યો હતો. આ હાર સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી માન્ચેસ્ટર યુનાઇટેડ ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને માન્ચેસ્ટર સિટીએ 33 મેચમાં 87 પોઇન્ટ સાથે ટાઇટલ જીતી લીધું હતું. પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટીને હજુ પાંચ મેચ રમવાની બાકી છે પરંતુ માન્ચેસ્ટર સિટી પોતાના બાકીના પાંચેય મુકાબલા હારી જાય તો પણ ફેર નહીં પડે. માન્ચેસ્ટર યુનાઇટેડના 32 મેચમાં 71 પોઇન્ટ હતા અને ટાઇટલની રેસમાં ટકી રહેવા પોતાના બાકીના છએ છ મુકાબલા જીતવા જરૂરી હતા પરંતુ વેસ્ટ બ્રોમવિચે પરાજય આપતાં માન્ચેસ્ટર યુનાઇટેડના 33 મેચમાં 71 પોઇન્ટ છે. હવે તે બાકીના પાંચેય મુકાબલા જીતે તો પણ પ્રથમ નંબરે રહેલી માન્ચેસ્ટર સિટીને પાછળ છોડી શકે તેમ ન હોવાથી માન્ચેસ્ટર સિટીએ ટાઇટલ જીતી લીધું હતું.
આ લીગમાં લિવરપૂલ 34 મેચમાં 70 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. માન્ચેસ્ટર સિટીએ 33 મેચ પૈકી 28માં વિજય મેળવ્યો હતો. ત્રણ મેચ ડ્રો કરવામાં સફળતા મળી હતી જ્યારે બે મેચમાં હાર મળી હતી. આ બંને મેચમાં લિવરપૂલે પરાજય આપ્યો હતો. માન્ચેસ્ટર સિટી પાંચ પૈકી ત્રણ મેચ જીતી જાય તો તે પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ બની જશે. માન્ચેસ્ટર સિટીએ આ 33 મેચ દરમિયાન 93 ગોલ કર્યા છે અને તેઓ બાકી રહેલી પાંચમાં સાત ગોલ કરે તો પ્રીમિયર લીગની એક સિઝનમાં 100 ગોલ કરનાર ચોથી ટીમ બની જશે અને જો 11 ગોલ નોંધાવે તો તે પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ ગોલ કરનાર ટીમ બની જશે. માન્ચેસ્ટર સિટીએ પાંચ મુકાબલા બાકી રહેતાં ટાઇટલ જીતી લીધું હતુ અને તે પ્રીમિયર લીગમાં પાંચ મેચ બાકી રહેતાં ટાઇટલ જીતવાના માન્ચેસ્ટર યુનાઇટેડ અને એવર્ટનના રેકોર્ડની બરાબરી કરી હતી. માન્ચેસ્ટર યુનાઇટેડે 1907-08 અને 2000-01 તેમજ એવર્ટને 1984-85માં પાંચ મેચ બાકી રહેતાં ટાઇટલ જીત્યું હતું.
માન્ચેસ્ટર સિટી આ સાથે ત્રીજી વખત પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની આર્સેનલની બરાબરી કરી હતી. આર્સેનલે પણ ત્રણ વખત ટાઇટલ જીત્યું છે. પ્રીમિયર લીગમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ માન્ચેસ્ટર યુનાઇટેડના નામે છે. યુનાઇટેડે 13 વખત ટાઇટલ જીત્યું છે જ્યારે બીજા નંબરે ચેલ્સી છે જેણે પાંચ વખત ટાઇટલ જીત્યું છે.