સતત 3 પરાજય બાદ આજે મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર બેંગ્લોર સામે

બંને ટીમો વચ્ચેના આગલા પાંચ મેચમાં મુંબઈનો હાથ ઉપર રહ્યો છે: ચાર મેચ જીત્યા છે
મુંબઈ તા.17
ઇન્ડિયન પ્રીમિયર લીગ-11માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટકરાશે ત્યારે તેનું લક્ષ્યાંક ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવવાનું રહેશે. મુંબઇ ઇન્ડિયન્સની શરૃઆત નબળી રહી છે અને તેનો પ્રારંભની ત્રણેય મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે અત્યારસુધીની સફર ચઢાવ ઉતાર ભરી રહી છે. જેમાં તેનો એકમાં વિજય-બેમાં પરાજય થયો છે. આ મુકાબલા માટે બેંગલોરની ટીમમાં આઉટ ઓફ ફોર્મ બ્રેન્ડન મેક્કુલમને સ્થાને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ગ્રાન્ડહોમને સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ મુંબઇની ટીમમાંથી બેટ્સમેનોનો દેખાવ સારો રહ્યો છે પરંતુ બોલરો અપેક્ષા અનુસાર ઝળકી શક્યા નથી. મુંબઇ આઇપીએલની ત્રણેય મેચમાં 20મી ઓવરમાં જ હાર્યું છે. અગાઉ 2014 અને 2015માં પણ મુંબઇનો સિઝનની પ્રથમ ત્રણ મેચમાં પરાજય થયો હતો. રસપ્રદ રીતે તે વખતે મુંબઇની ટીમ પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આ અગાઉ 3 આઈપીએલમાં બન્ને ટીમો વચ્ચે રમાઈ ગયેલા છેલ્લા પાંચ મેચમાં મુંબઈનો દેખાવ શાનદાર રહ્યો હતો. સને : 2015માં બેંગ્લોર ટીમે વિજય મેળવ્યા બાદથી એક પણ વિજય તેને મળ્યો નથી. જ્યારે વર્તમાન આઈપીએલમાં સતત 3 પરાજય બાદ હવે મુંબઈ આજે પ્રથમ વિજય સાથે ખાતું ખોલાવવા ઉત્સુક છે. સને : 2016
અને 2017માં બેંગ્લોરને
ચારેય મેચમાં ધૂળ ચરાવનાર મુંબઈ આજે કેવું પ્રદર્શન કરશે તે જોવું રસપ્રદ બનશે.