ફિફા વર્લ્ડકપ: ઇંગ્લેન્ડ પર ‘હની ટ્રેપ’નો ભય!

ઇંગ્લેન્ડ સાથે બારમો ચંદ્રમા ધરાવતું યજમાન રશિયા ખૂબસૂરત યુવતીઓની લાલચની ટેકનિક દ્વારા ખેલાડીઓને ફસાવે તેવો ભય
લંડન તા.17
જુના માસમાં રશિયાની ધરતી પર યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ વિવિધ કારણોસર ચર્ચા અને વિવાદનો વિષય બની રહ્યો છે. જેમાં એક એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓને ખૂબસૂરત યુવતીઓને સાથની લાલચ આપી ફસાવવામાં આવે તેવી દહેશત છે.
રશિયા ખાતે 14 જૂનથી શરૂ થયેલા ફૂટબોલના મહાકુંભ વર્લ્ડકપને આડે હવે બે મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. મેચ અગાઉ ટીમની માહિતી મેળવવા તેમજ રણનીતિ જાણવા માટે ઇંગ્લેન્ડના ફૂટબોલર્સને હની ટ્રેપમાં ફસાવવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડના સિક્યુરીટી એક્સપર્ટે તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે તૈયાર કરેલા અહેવાલમાં આ પ્રકારની આશંકા રજૂ કરવામાં આવી છે. રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેના સંબંધમાં 36નો આંકડો છે. ઇંગ્લેન્ડના સિક્યુરીટી એક્સપર્ટના મતે ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં નબળો દેખાવ કરે તેના માટે રશિયા પૂરા પ્રયાસ કરશે. જેના ભાગરૃપે રશિયા ખૂબ જ સુંદર યુવતીઓનો પણ ઉપયોગ કરી શકે છે. આ ગ્લેમરસ યુવતીઓ ઇંગ્લેન્ડના પ્લેયર્સને પહેલા લલચાવશે અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી શકે છે.ઇંગ્લેન્ડના સિક્યુરિટી એક્સપર્ટ પ્રો. ગ્લીસે જણાવ્યું છે કે, પઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શકે તેની કોઇ જ સંભાવના નથી. પરંતુ રશિયા ઇંગ્લેન્ડનો દેખાવ કેમ વધુ કથળે તેની સતત ફિરાકમાં રહેશે. જેના ભાગરૃપે ઇંગ્લેન્ડને ફૂડ પોઇઝનિંગ કે હનીટ્રેપની જાળમાં પણ ફસાવી શકે છે. ઇંગ્લેન્ડના પ્લેયર્સ વર્લ્ડકપ દરમિયાન પબમાં જાય ત્યાં પણ તેમને મારપીટ કરવા માટે ઉશ્કેરવામાં આવી શકે છે. આ માત્ર મારું અનુમાન છે.ફૂટબોલ ખુબ જ સુંદર રમત છે. પરંતુ 1936માં બર્લિન ઓલિમ્પિક્સ બાદ યજમાન રાષ્ટ્ર હંમેશાં પોતાનો ફાયદો કેવી રીતે થાય તેના માટે પ્રયાસો કરે છે. હની ટ્રેપ રશિયાની ખૂબ જ જૂની ટેક્નિક છે. જેના કારણે બ્રિટિશ પ્લેયર્સે જ નહીં ઓફિશિયલ્સે પણ રશિયન યુવતીઓ સાથે અંતર રાખવું જોઇએ. અગાઉ ઇસ્તોનિયા ખાતે તૈનાત બ્રિટનના સૈનિકો પાસેથી માહિતી કઢાવવા પણ રશિયાએ હની ટ્રેપનો ઉપયોગ કર્યો હતો.