રાજકોટ ડેરીના ચેરમેનના નામનું બોગસ લખાણ કરનાર શખ્સો સામે અંતે ફરિયાદ

મંડળી બની 2015માં અને સ્ટેમ્પપેપરનું લખાણ ઉભુ કર્યુ 2014નું અમરનગર દૂધ મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ચકચાર
રાજકોટ તા,17
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ રાજકોટ (રાજકોટ ડેરી)ના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ મંડળી પાસેથી હપ્તા માટે સ્ટેમ્પ પેર ઉપર લખાણ કરી દિધા અમુક તત્વો દ્વારા થઇ રહેલા આક્ષેપો અંગે અંતે અમરાપર દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ રૂરલ એસ.પી. સમક્ષ લેખિત ફરીયાદ નોંધાવી છે અને આવુ બોગસ લખાણ જાહેર કરી મંડળીને તથા ખેડુતોની સહકારી સંસ્થા રાજકોટ ડેરીને બદનામ કરનાર તત્વોને ઉઘાડા પાડી ફોજદારી રાહે પગલા ભરવા માંગણી કરી છે.
રાજકોટ ડેરીના ચેરમેન જેતપુર તાલુકાના અમરાપર ગામની દૂધ મંડળી સાથે સ્ટેમ્પ પેપર ઉપર માસિક હપ્તા માટે લખાણ કર્યાના બોગસ લખાણો ફેરવી સહકારી પ્રવૃતિ તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે, અમરાપર મંડળીના મંત્રી હેંમતસિંહ ગંભીરસિંહ ચાવડાએ જણાવેલ છે કે અમારી મંડળી સાથે ગોવિંદભાઇ રાણપરીયાએ હપ્તા માટે લખાણ કર્યાના સ્ટેમ્પ પેપરમાં તા.18/10/2014 દર્શાવેલ છે હકીકતે અમારી મંડળ અસ્તીત્વમાં જ તા.11/5/2015થી આવેલ છે આ રીતે 2014ના વર્ષનું લખાણ સંપૂર્ણ બોગસ અને બદઈરાદા વાળું છે.
તેમણે જણાવેલ છે કે અમરાપર દૂધ મંડળીને બદનામ કરવાના ઇરાદાથી રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાનું કોઇએ બોગસ અને બનાવટી આક્ષેપો વાળુ લખાણ સ્ટેમ્પ પેપર ઉપર કરેલ છે અમારી મંડળી તા.11/5/2015થી અસ્તીત્વમાં આવી હોવા છતા જયારે મંડળી અસ્તીત્વમાં હતી નહી તેવી તા.18/10/2014નું બનાવટી લખાણ ઉભુ કરવામાં આવ્યું છે.
અમરાપર મંડળી તા.11/5/2015 થી શરુ થયા બાદ આ મંડળીનું દૂર હાલમાં રાજકોટ ડેરીમાં જાય છે અને નિયત દુધનો જથ્થો વધારવા માટે આ મંડળીએ કયારેય ડેરીના ચેરમેન સમક્ષ વાતચીત કરેલ નથી કે દૂધના ફેટ સંબંધે કયારેય ચર્ચા કરી નથી આમ છતા ચેરમેન સાથે માસીક હપ્તાનું બોગસ સ્ટેમ્પ પેપર વાળુ લખાણ ઉભુ કરી અમરાપર મંડળીને બદનામ કરવાનું કાવત્રુ રચવામાં આવ્યું છે.
અંતમાં મંડળીના મંત્રીએ હેમંતસિંહ ચાવઠાએ આવુ ગુનાહિત કાવત્રુ રચી સહકારી ક્ષેત્રને તોડવાના પ્રયાસો કરનાર તત્વો સામે ફોજદારી ગુન્હો દાખલ કરી તાત્કાલીક ધરપકડ કરવા અને સ્ટેમ્પ પેપર ઉપર જે બોગસ લખાણ બનાવેલ છે તે કબ્જે કરવાની માંગણી રૂરલ એસ.પી. સમક્ષ કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમુક લેભાગુ તત્વોએ રાજકોટ ડેરીના ચેરમેનને માસીક હપ્તા માટે રૂા.50 સ્ટેમ્પપેપર ઉપર લખાણ કર્યાનું જાહેર કર્યુ હતું પરંતુ જે તે સમયે મંડળી અસ્તીત્વમાં જ હતી નહીં તે સમયનું લખાણ હોવાથી પ્રથમ દ્રષ્ટીએ જ આ એક ષડયંત્ર હોવાનું જણાતુ હતુ અંતે અમરાપર દૂધ મંડળીએ આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ તપાસ દરમ્યાન અનેક લોકોને રેલો આવે તેવા નિર્દેશો મળે છે.
સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગ ભાંગી પડ્યો હતો. ત્યારે રાજકોટ ડેરી અડીખમ હતી, છેલ્લા કેટલાક સમયથી નકલી દુધનો કાળો કારોબાર કરતા તત્વો સામે રાજકોટ ડેરીના ચેરમેને ઝુંબેશ શરુ કરતા તેની સામે રોજ નવા નવા બોગસ આક્ષેપો થઇ રહ્યા છે અને રાજકોટ ડેરીની પ્રતિષ્ઠા ખરડાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે.