ટ્રેકટરની ટ્રોલીમાં અપાઈ અંતિમ વિદાય

કચ્છના શિકરા ગામે એક સાથે નવની અર્થિ ઉઠતા ગમગીની છવાઈ મુંબઈમાંથી પણ મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો અંતિમયાત્રામાં જોડાયા
ભુજ તા.17
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિકરા પાસે ટ્રેકટર-ટ્રોલીમાં મામેરું લઈને ઉમંગભેર જતા પરિવારના ટ્રેકટર સાથે લકઝરી બસ અથડાઈ પડતાં એકજ પરિવારના દસ સભ્યોના રવિવારે મોત નિપજ્યા બાદ કચ્છ તેમજ મુંબઈમાં પણ સન્નાટો છવાયો છે અને મુંબઈથી સંખ્યાબંધ લોકો આજે કચ્છના શિકરા ખાતે પહોંચ્યા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની અંતિમયાત્રા ગામમાંથી કાઢવામાં આવી હતી. તમામ મૃતદેહોને ટ્રેકટર-ટ્રોલીમાંજ મુકાયા હતા. કરુણ દ્રશ્યો જોઈને સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ અને રાપરમાં પટેલ સમાજમાં સમુહલગ્ન યોજાયાં છે, પરંતુ હવે સાદગી સાથે લગ્નની ઉજવણી કરાશે તેવુ સમાજે નક્કી કર્યુ છે. મૃત્યુ પામેલા 10 પૈકી 9 લોકોની અંતિમવિધી સમાજના સ્મશાન ગૃહમાં કરાઇ હતી. તથા ભચાઉના જ શિકરા ગામની એક મહિલાની અંતિમક્રિયા વિજપાસર ગામે કરાશે 9 લોકોની એક સાથે વિદાયની વેળાએ સૌ કોઇની આંખ ભીની હતી અને ગામમાં ઉત્સવના ઉન્માદ વચ્ચે લોકો ભારે હૈયે તમામને અંતિમ વિદાય આપી હતી. આવતીકાલે ભચાઉ અને રાપરમાં પટેલ સમાજના સમુહલગ્ન છે. પરંતુ હવે સમાજના 9 લોકોના અને એકજ પરિવારના લોકોના મોત થતા આખુ ગામ અને પટેલ સમાજ સાદગી પુર્વક લગ્નવિધિ આવતીકાલે સંપન્ન કરશે આગેવાનોએ અકસ્માત માટે નિમીત રસ્તાનુ કામ હવે ઝડપી પુર્ણ થયા તેવી પણ માંગ કરી હતી તો સમાજને મોટી ખોટ પડી હોવાનુ પણ આગેવાન સરપંચ દિનેશભાઇ પટેલ અને રાજાભાઇ પટેલે જણાવ્યુ હતુ.
તો મુંબઇથી પણ અનેક સમાજના લોકો લગ્નમાં ભાગ લેવા માટે આવ્યા હતા પરંતુ રસ્તામાંજ તેમને દુખદ સમાચાર મળતા તેમનો પ્રસંગનો ઉન્માદ દુખમાં ફેરવાયો હતો. આજે સમૂહ લગ્નની તૈયારીઓ છોડી સમાજના કાર્યકરો મૃતકોની અંતિમવિધિની વ્યવસ્થામાં જોડાયા હતા.