રૂા.2000ની નોટો ‘ગાયબ’ થવા લાગી: ‘બ્લેક’ બન્યા પિન્ક-મની?

રિઝર્વ બેન્કે ચલણમાં મૂકેલી કુલ નોટોનો 10 ટકા જથ્થો જ ચલણમાં!
મુંબઇ તા.17
કાળાનાણાંને ડામવા માટે નોટબંધી બાદ બજારમાં રજૂ કરવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટ પણ હવે કાળા નાણાં ફેરવાઈ રહી છે. બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં આવનારી રકમમાં 2 હજાર રૂપિયાની નોટોની સંખ્યામાં સતત થઈ રહેલો ઘટાડો તેનો પર્દાફાશ કરી રહી છે. માર્ચ 2018માં બેંકોની કરન્સી ચેસ્ટની બેલેન્સ શીટના રિપોર્ટ અનુસાર બેંકોમાં 2 હજાર રૂપિયાની નોટોની સંખ્યા કુલ રકમના સરેરાશ 10 ટકા જ રહી ગઈ છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર કુલ રજૂ કરન્સીમાં 2 હજાર રૂપિયાની નોટોનો ભાગ 50 ટકા કરતા વધુ છે. આરબીઆઈએ નોટબંધી બાદ સાત લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 2 હજાર રૂપિયાના નોટો રજૂ કરવામાં આવી. જુલાઈ સુધી બેકોની આવકમાં બે હજાર રૂપિયાની નોટોની સંખ્યા આશરે 35 ટકા રહેતી હતી. નવેમ્બર 2017માં આ ઘટીને 25 ટકા થઈ ગઈ. ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા, યૂનિયન બેંક ઑફ ઈન્ડિયા જેવી બેંકોની કરન્સી ચેસ્ટના આંકડામાં 2 હજાર રૂપિયાની નોટોની સંખ્યા 9થી 14 ટકા જ રહી ગઈ છે. એક બેંકના ક્ષેત્રીય અધિકારીનું કહેવું છે કે, આરબીઆઈ પાસેથી જુલાઈ 2017 પછી બે હજાર રૂપિયાની કરન્સી મળી નથી. બેંકમાં જમા રૂપે પરત આવી રહેલી રકમમાં 2 હજાર રૂપિયાની નોટો ઓછી છે.
એક મોટી બેંકની મુખ્ય કરન્સી ચેસ્ટ, જેનું નોટબંધી પહેલા સરેરાશ બેલેન્સ 300 કરોડ હતું, તે હવે આશરે 100 કરોડ રૂપિયા છે. બેંકોમાં જમા રોજિંદી કેશ સરેરાશ 14 કરોડથી ઘટીને 4 કરોડ થઈ ગઈ છે. આમાં 2 હજારની નોટોનું મૂલ્ય માંડ 50 લાખ રૂપિયા છે.
સરકારી ખાતાઓની અધિકતા વાળી એક બેંકમાં નોટબંધી પહેલા કરન્સી ચેસ્ટનું બેલેન્સ આશરે 900 કરોડ રૂપિયા હતું, જે હવે આશરે 250 કરોડ રૂપિયા છે. રોજની જમા કેશ 80 કરોડથી ઘટીને 40 કરોડ થઈ ગઈ છે. આમાં 2 હજાર રૂપિયાની નોટોનું મૂલ્ય 4 કરોડથી પણ ઓછું છે.