મરેલા ઉંદરવાળા ચોખાનો કલેકટરના ટેબલ ઉપર ઢગલો !

નવયુગપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં મરેલા ઉંદરવાળા ચોખાનું વિતરણ થતું હોવાની ફરીયાદ કરવા ગયેલ કોંગ્રેસના કાર્યકરોએ
કલેકટર અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે ઉગ્ર બોલાચાલી: આ રજૂઆત કરવાની રીત નથી કહી કલેકટરત ચેમ્બર બહાર કાઢયા: યોગ્ય કાર્યવાહી નહી થાય તો "ઘણું બધું કરવા કોંગ્રેસની ચિમકી રાજકોટ તા.16
ઘાંચીવાડના નવયુગપરામાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા મરેલા ઉંદરવાળા ચોખાનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરીયાદ સાથે કલેકટર કચેરીએ ધસી આવેલ કોંગ્રેસના નગરસેવકોએ કલેકટરના ટેબલ ઉપર મરેલા ઉંદરવાળા ચોખાનો ઢગલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવથી કલેકટર અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને કલેકટરે રજૂઆત કરવા આવેલ કોંગ્રેસ કાર્યકરોને ચેમ્બર બહાર કાઢી મુકયા હતા.
નવયુગપરા શેરી નં.6/7 ના ખુણા ઉપર આવેલ ખોડા હાજાભાઇ સાગઠીયા નામના સસ્તા અનાજના પરવાનેદાર મરેલા ઉંદર-ગરોળી-વંદાવાળુ અનાજ વિતરણ કરવામાં આવતું હોવાની ફરીયાદ ગ્રાહકો દ્વારા આજે કોંગ્રેસના નગરસેવક કેયુર મસરાણીને કરવામાં આવી હતી.
આ અંગે નગરસેવક કેયુર મસરાણી, કોંગ્રેસના આગેવાન જસવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા સહિતના કોંગ્રેસના કાર્યકરોનું ટોળુ બપોરે કલેકટર કચેરી ખાતે કલેકટરને રૂબરૂ રજૂઆત કરવા ધસી ગયું હતું.
કલેકટરની ચેમ્બરમાં પ્રવેશતા કોંગ્રેસના આગેવાનોએ મરેલા ઉંદર-ગરોળીવાળા ચોખાની થેલી કલેકટરના ટેબલ ઉપર ફેકતા કલેકટર ડો.રાહુલ ગુપ્તા લાલઘુમ થઇ ગયા હતા.
કોંગ્રેસ કાર્યકરોની રજૂઆત કરવાના આવા વર્તનથી કલેકટર સ્તબ્ધ થઇ ગયા હતા. જસવંતસિંહ ભટ્ટી અને કલેકટર ડો.રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી
થઇ હતી.
ગરીબ લોકોને આપવામાં આવતા અનાજમાં યુવાન અને મરેલા ઉંદર નીકળતા હોય આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવતા ઉશ્કેરાયેલા કલેકટર સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસના કાર્યકરોને સંભળાવી દીધું હતું કે આવુ કંઇ હોય જ નહી.
કલેકટરે કોંગી કાર્યકરોને જણાવ્યું હતું કે આ તમે ઉભુ કરેલ નાટક છે. તમે
લોકો કયાંકથી ચોખા લઇ આવ્યા છે. આવી ખોટી રજૂઆત કરવાનું બંધ
કરો. કલેકટરના આવા જવાબથી
કોંગી કાર્યકરો પણ આક્રોશમાં આવી ગયા હતા.
આ મુદ્દે જશવંતસિંહ ભટ્ટી અને કલેકટર ડો.રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જશવંતસિંહે કહ્યું હતું કે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘણું બધુ કરવામાં આવશે. જો કે રજૂઆત મુદ્દે કોંગ્રેસના નગરસેવકોએ કલેકટરની માફી માંગી હતી પરંતુ કલેકટરે કોંગી કાર્યકરોને ચેમ્બરની બહાર જતા રહેવા કહ્યું હતું.
કલેકટરે રજૂઆત દરમિયાન કહ્યું હતું કે રજૂઆત કરવાથી પધ્ધતિ હોય છે. કોંગ્રસના કાર્યકરો દાદાગીરી કરે તે ચલાવી ન લેવાય આથી કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું હતું કે રજૂઆતમાં કોઇ દાદાગીરી નથી. કલેકટર દ્વારા તપાસ કરવામાં નહીં આવે તો અધિકારીઓના મ્હો પણ કાળા કરવામાં આવશે. બાદમાં પોલીસે કાર્યકરોને કલેકટરની ચેમ્બર બહાર કાઢતા મામલો થાળે પડયો હતો અને કોંગી કાર્યકરોએ જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી. નિગમના સ્ટાફ પર ગુસ્સો કરવાને બદલે રાહુલ ગુપ્તા ધ્યાન દોરનાર પર બગડયા પુરવઠા નિગમના ગોદામો ખાતેથી રાશન વિક્રેતાઓને અને મધ્યાન્હ ભોજન માટે અનાજનો જે જથ્થો ફાળવવામાં આવે છે તેની અસલિયત ચકાસવા ઓફીસરો તો ગોદામે જવાની તસ્દી લેતા નથી ને ઉલ્ટુ કલેકટર રાહુલ ગુપ્તાના ધ્યાન પર મુકતા કોંગ્રેસીઓ પર જ ગુપ્તા બગડી બેઠા હતા. અલબત રજૂઆતની રીતમાં કદાચ અતિરેક કે વિવેક ચુક થઇ હોઇ શકે પરંતુ કોંગ્રેસનો રોષ અસ્થાને નહોતો અને વિરોધ પ્રજાના હિતાર્થે હતો. ગુપ્તાએ નિગમના સ્ટાફને ખખડાવવો જોઇતો હતો પરંતુ તેમણે એમ ન કર્યુ એની ટીકા થઇ રહી છે. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા