તોગડિયાના સમર્થનમાં સૌરાષ્ટ્રથી હજારો કાર્યકરો અમદાવાદ જશે

વિ.હિ.પ. સુપ્રિમોની ફારગતિ મુદ્દે અમૂક જિલ્લા પાંખમાં ઉભા ફાડિયા જેવી સ્થિતિ; રાજકોટના હોદેદારો ‘ઉપરથી માર્ગદર્શન’ મળે તેની રાહમાં રાજકોટ પૂર્વના અધ્યક્ષ જેન્તીભાઈ પટેલનું રાજીનામું; રાજકોટ વિહિપના 5 આગેવાનની આજે અનૌપચારિક બેઠક જુનાગઢ, ગીર-સોમનાથ જિલ્લામાંથી પણ રાજીનામાં પડયાનો દાવો; ‘કાલે અનશન વખતે વિસ્તૃત જાહેરાત’ સંગઠન મંત્રી હિન્દુ એજન્ડા પર અડગ તોગડિયાના સમર્થનમાં હજારો હિન્દુ-કાર્યકરો કાર્યરત રહેશે એવો હુંકાર ભાવનગર-સુરેન્દ્રનગર જિલ્લામાંથી કાલે 2000 કાર્યકરો અમદાવાદ ભણી; ભાજપ નેતાઓ સત્તા પર આવીને ફરી ગયાનો આક્રોશ રાજકોટ, તા. 16
વિશ્ર્વ હિન્દુ પરીષદના આંતર રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કાર્યરત ડો.પ્રવિણ તોગડીયાની હકાલપટ્ટીના ઘટના ક્રમથી સૌરાષ્ટ્ર વિહિપમાં ઘેરો રોષ પ્રવર્તે છે. કાલથી ઉપવાસ પર બેસનારા તોગડીયાના સમર્થનમાં સૌરાષ્ટ્રથી હજારો કાર્યકરો અમદાવાદ જવાના છે.
સૌરાષ્ટ્ર વિહિપ મંત્રી બકુલભાઈ ખાખી (લીંબડી)એ જણાવ્યું કે કાલે-મંગળવારે સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાંથી 2000 કાર્યકરો અમદાવાદ જવાના છે. સંગઠન મંત્રી (સૌરાષ્ટ્ર) જીતુભાઈ મહેતાએ કહ્યું કે ‘રોજ 15-20 હજાર કાર્યકરો અમદાવાદ પહોંચશે તેમાં સૌરાષ્ટ્રથી પણ હજારો કાર્યકરો હશે. કેટલા રાજીનામાં અને આગળ હવે પછી શું, એ તમામ જાહેરાત કાલે થઈ શકે છે.’
રાજકોટના અગ્રણી હરેશભાઈ ચૌહાણે આજે બપોરે વિહિપના પાંચ અગ્રણી વચ્ચે અનૌપચારીક બેઠક થવાની હોવાનું કહીને ઉમેર્યુ હતું કે કાલે અમદાવાદ જવા કેટલી બસ બાંધવી એ સહિતના મુદ્દે તેમાં ચર્ચા વિચારણા થશે. દરમિયાન રાજકોટ વિહિપના મંત્રી નિતીશભાઈ કથીરીયાએ રાજકોટ પૂર્વના અધ્યક્ષ જેન્તીભાઈ પટેલનું અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યાનું સ્વીકારીને ઉમેર્યુ કે ‘ઉપર કક્ષાએ સંગઠનમાંથી માર્ગદર્શન આવે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.’
અમુક જિલ્લામાં ઘણાએ સમાધાનકારી વલણ રાખતા આંતરીક ઉભા ફાડીયા જેવી છાપ ઉપસી છે. બીજી તરફ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી અનુક્રમે 5000 અને 80 રાજીનામાં પડયાનો દાવો થઈ રહ્યો છે, વિહિપ સાથે સંકળાયેલા કાર્યકરો-આગેવાનોનું કહેવું છે કે ભાજપ નેતાઓ સતા પર આવ્યા બાદ રામ મંદિર સહિતના મુદ્દે ફરી ગયા તેની સામે રોષ છે અને તોગડિયાના સમર્થનમાં હિન્દુ કાર્યકરો, હિન્દુ એજન્ડા પર કાયમ કાર્યરત રહેશે, બેનર ભલે કોઈ પણ હોય. જુનાગઢથી 5 હજાર રાજીનામાં પડ્યા
જુનાગઢ તા. 16
જૂનાગઢ જિલ્લા અને શહેર ના પ્રમુખ મહામંત્રી સહીત 30 થી 35 જેટલા હોદેદારો અને 5 હજારથી વધુ કાર્યકરોએ વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણ તોગડીયાના સમર્થનમાં પદ પર થી રાજીનામા ધરી દીધા હતાં. અને આવતીકાલે તોગડિયાના ઉપવાસમા જુનાગઢના હોદેદારો મોટી સંખ્યામાં જોડાશે તેમ જાણવા મળેલ છે. તોગડિયા જૂથની માગણીઓ 1. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાહે કાયદાથી, યા જરૂર પડયે કાયદાકીય પ્રક્રિયાથી પર હટીને પણ.
2. અયોધ્યાથી 84 ગાવ આસપાસ બીજી કોઈ મસ્જીદ નહીં.
3. બાબરી મસ્જીદ ભારતમાં કયાય નહીં.
4. ગૌરક્ષાનો કાનૂન બને અને સંસદમાં પસાર થાય; ભૌકતોને ગુંડા કહેવા સામે જબ્બર વિરોધ.
5. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનું પુન: સ્થાપન
6. 40 લાખ રોહિંગ્યાની ઘર વાપસી
7. બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવાય.