આર્જેન્ટીના પોલીસનો દાવો, 540 કિલો ગાંજો ખાઈ ગયા ઉંદર

બ્યુનોસ એરિસ, તા.16
જો તમને એવું લાગે છે કે ઉંદરથી માત્ર ભારતના લોકોને જ પરેશાની થાય છે તો આવું બિલકુલ પણ નથી. વિદેશમાં પણ ઉંદરોનો આતંક છે. તાજેતરમાં જ દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટીનામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ઉંદરોએ પોલીસના નાકમાં દમ કરી મૂક્યો છે.
એક રિપોર્ટ્સ અનુસાર આર્જેન્ટીનાની એક અદાલતમાં નશીલી દવાઓ મામલે એક સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે પોલીસ દ્વારા પકડાયેલા અને ગોડાઉનમાં રાખેલી નશીલી દવા (મારિજુઆના)નો એક મોટો જથ્થો ઉંદરો ઝાપટી ગયાં હતાં. આ જથ્થો 1190 પાઉન્ડ એટલે કે 540 કિલો જેટલો હતો. પોલીસના આ નિવેદનને સાંભળીને જજને પણ આશ્ચર્ય થયું હતું.
એવું કહેવામાં આવે છે કે થોડા વર્ષ પહેલા આશરે 13,200 કિલો મારિજુઆનાનો જથ્થો પકડવામાં આવ્યો હતો. તાજેતરમાં જ જ્યારે નવા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળીને તપાસ કરી તો જાણ થઈ કે મારીજુઆનાનો મોટો જથ્થો ગાયબ થઈ ચૂક્યો છે.
જ્યારે કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ તો પોલીસે મારીજુઆના ગાયબ થવાનો દોષનો ટોપલો ઉંદરો પર ઢોળ્યો હતો. જોકે, જજને આ વાત ગળે ઉતરી નહોતી જેથી આટલી મોટી કિંમતનું ડ્રગ ગાયબ થયાનાં મામલે તપાસના આદેશ અપાયાં છે. તપાસ કરતાં ફોરેન્સિક એક્સપર્ટ્સનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં ઉંદરો ડ્રગ્સ ખાઈ જાય તે સામાન્ય બાબત નથી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘પહેલી વાત તો એ કે પોતાના ભોજન માટે ઉંદરો મારીજુઆના ખાઈ જાય તેવી ભૂલ ન કરી શકે. જો આવું ખરેખર થયું હોય તો મોટા પ્રમાણમાં લાશો પણ મળવી જોઈએ.’ જોકે, પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ શંકા છે.