ગુજરાત સરકાર લાવશે પેપ નિદાન પોલીસી-રૂપાણી

લોક સહયોગથી કેન્સરને ‘કેન્સલ’ કરવા સરકાર પ્રતિબધ્ધ
રાજકોટમાં કેન્સર જાગૃતિ કેમ્પ તથા નિદાન કેમ્પ ખુલ્લો મુકતા મુખ્યમંત્રી રાજકોટ, તા.16
રાજકોટ ખાતે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત એચ.સી.જી. કેન્સર હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, લોક સહયોગ અને રાજય સરકારનાં સંયુકત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબધ્ધ છે. આ તકે મુખ્યમંત્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજીક જાગૃતિ થકી તિલાંજલી આપવા આહવાન કર્યુ હતું. કેન્સર મુકત ગુજરાતનાં અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે,મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતા ગર્ભાશયનાં કેન્સરનાં વહેલા નિદાન માટે વિદેશમાં અમલમાં મુકાયેલ પેપ નિદાન ચિકિત્સા અમલમાં મુકવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે કેન્સર નિષ્ણાંતો સાથે પરામર્શ કરી રાજય સરકાર પેપ નિદાનની પોલીસી લાવશે.
રાજય સરકાર સમાજનાં નબળા વર્ગનાં લોકો અને તેમા પણ છેવાડાનાં વંચિતોને પણ આરોગ્ય સુખાકારી પ્રાપ્ત થાય તે માટે સરકાર કટીબધ્ધ છે અને તે માટે જ રાજયમાં આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારવામાં આવી રહયો છે અને આરોગ્ય વિષયક અનેકવિધ સેવાકિય યોજનાઓ રાજય સરકારે અમલમાં મુકી છે તેમજ રાજયમાં વધુમાં વધુ સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ બનાવવા તરફ રાજય સરકાર આગળ વધી રહી છે તેમ આ તકે મુખ્યમંત્રી વધુમાં જણાવ્યુ હતુ
સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં સીનીયર સીટીઝનો માટે મા અમૃતમ યોજનાનાં લાભ માટે આવક મર્યાદા રૂા. 6 લાખ કરી રૂા. 3 લાખની સારવાર આપવા જોગવાઇ કરી છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમારોહમાં જણાવ્યુ હતુ .
શ્રી પુજીત રૂપાણી સંસ્થાની રૂપરેખા આપતા કહયુ કે, 1995થી ટ્રસ્ટે માનવ સેવાની પ્રવૃતિ હાથ ધરી છે અને આજે તેનો વ્યાપ રાજકોટથી આગળવધીને સૌરાષ્ટ્ર સુધી વ્યાપ વધ્યો છે તેને આવકારી હવે સંસ્થા ખાતે નિયમિત ધોરણે નિદાન અને રાહતદરે આપરેશનનાં સેવા કાર્યો થશે
સમારોહનાં પ્રમુખસ્થાનેથી ઉદબોધન કરતા ઇંઈૠ કેન્સર સેન્ટર અમદાવાદનાં કેન્સર સર્જન ડો. કૌસ્તુભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કેન્સરને જાણે એ જીતે અને તેનાં ઉપર વિજય મેળવી શકાય છે. ડરે એ મરે છે. વહેલું કેન્સરનું નિદાન કરવામાં આવે તો દર્દીઓ બચી શકે છે. કેન્સર વ્યસન, વ્યકિતની જીવનશૈલી, ભોજનની અનિયમિતતા અને વાતાવરણનાં પ્રદુષણથી પણ થઇ શકે છે જે માટે આપણે જાગૃત થવું જરુરી છે આ તકે ડો. પટેલએ પ્રઝન્ટેશન થકી કેન્સર રોગ અંગેની માહિતી પુરી પાડી હતી. કેન્સર અવેરનેસ અને નિદાન કેમ્પમાં ઉપસ્થિત લોકોને નિષ્ણાંત ડોકટરો ધ્વારા ખુબજ ઉપયોગ આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મો, ગળુ, જડબા, બ્રેસ્ટ તથા ગર્ભાશયનાં તમામ પ્રકારનાં કેન્સર નિદાન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.કૌશિક પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો. દુષ્યંત માંડલીક, ડો. પરીનભાઇ પટેલ, ડો. ભરતભાઇ પ્રજાપતિ, ડો. રશ્મિનબેન શાહ વગેરે ખુબજ સક્રિય રીતે સેવા પુરી પાડી હતી આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુ.ફાયનાન્સ બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ,પુર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, અમદાવાદ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, અગ્રણી સર્વ કમલેશભાઇ મીરાણી, માંધાતાસિંહ જાડેજા, મેહુલભાઇ રૂપાણી,રાજુભાઇ ધ્રૃવ, ડો. અમીતભાઇ હાપાણી, જીતુભાઇ કોઠારી, નેહલભાઇ શુકલ વગેરે ઉપસ્થિત રહયા હતાં.