પૂ.શિવકૃપાનંદસ્વામીના સાનિધ્યમાં 8 દિવસીય સમર્પણ ધ્યાનયોગ મહાશિબિરનું આયોજન

શ્રી સાંઇબાબા સમાધિ શતાબ્દિ વર્ષ નિમિત્તે શિરડી ખાતે તા.23 થી 30 એપ્રિલ દરમિયાન યોજાનાર આ શિબિરમાં દેશ-વિદેશના સાધકો જોડાશે
રક્ષક વર્ષ અનુસંધાને આ શિબિરનું લાઈવ ટેલીકાસ્ટ પોલીસ હેડકવાર્ટર ખાતે થશે
રાજકોટ તા.16
શ્રી સાંઇબાબા સમાધિ શતાબ્દી વર્ષના અનુસંધાને શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટ (શીરડી) દ્વારા તથા યોગપ્રભા ભારતી (સેવાસંસ્થા) ટ્રસ્ટ, મુંબઇના સૌજન્યથી સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં ‘સમર્પણ ધ્યાનયોગ મહાશિબિર’નું આયોજન ગુરુક્ષેત્ર શિરડી ખાતે કરવામાં આવ્યું છે. આ આઠ દિવસીય મહાશિબિર તારીખ 23 એપ્રીલથી 30 એપ્રિલ 2018 સાંજે 7 થી 9 દરમિયાન શેતી મહામંડળ ગ્રાઉન્ડ, શિરડી ખાતે આયોજીત થશે.‘સમર્પણ ધ્યાનયોગ’ હિમાલયની એક પ્રાચીન ધ્યાનપધ્ધતિ છે જે વર્તમાન સમય માટે ખુબ અનુકૂળ છે. આ સરળ ધ્યાન પધ્ધતિ સંપૂર્ણ નિ:શુલ્ક છે. જેનો લાભ દેશ, ભાષા, જાતિ, લીંગ, ધર્મના ભેદભાવ વગર સહુ કોઇ લઇ શકે છે. આ ધ્યાનપધ્ધતિના નિયમિત અભ્યાસથી શારીરિક, માનસિક, ભૌતિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તરે અનેક લાભ પ્રાપ્ત થઇ શકે છે. આજે સમર્પણ ધ્યાનપધ્ધતિ વિશ્ર્વના અનેક દેશોમાં સ્વીકૃત થઇ છે. ‘સમર્પણ ધ્યાનયોગ’ સંસ્કારના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પોતાની વર્ષોની સાધનાની ફલશ્રુતિરૂપે પ્રાપ્ત કરેલ ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન હૃદયસ્પર્શી રીતે ખુબ સરળ ભાષામાં આપે છે. અનુભૂતિ પર આધારિત આ ‘સમર્પણ ધ્યાનયોગ’ મહાશિબિરમાં સામેલ થઇ આપણે પોતાની સ્થિતિ અનુસાર અનુભૂતિના સંસ્કાર, આત્મજાગૃતિ અને આત્મ-અનુભૂતિ પ્રાપ્ત કરી શકીએ છીએ તથા ધ્યાન માટે એક અનુકૂળ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.
દેશ-વિદેશથી અનેક જિજ્ઞાસુ સાધકો મોટી સંખ્યામાં આ ‘સમર્પણ ધ્યાનયોગ મહાશિબિર’માં સામેલ થવા શિરડી આવવાના છે. આ પ્રસંગે આપ સર્વેને શિબિરનો લાભ લેવા સંસ્થા દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. આ મહાશિબિરનું જીવંત પ્રસારણwww.samarpanmeditation.orgવેબસાઈટ પર કરવામાં આવશે. શીરડી શિબિરનું લાઈવ ટેલિકાસ્ટ થશે
સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા પૂ.શિવકૃપાનંદસ્વામીજીએ આ વર્ષ રક્ષક વર્ષ ઘોષિત કર્યુ છે જે અનુસંધાને દરેક જગ્યાએ પોલીસ, આર્મી તક્ષા ડિફેન્સને લગતા જે વિભાગો છે તેમના માટે ખાસ શિબિરોનું આયોજન વર્ષ દરમિયાન કરવામાં આવે છે. જે અનુસાર રાજકોટમાં પોલીસ હેડકવાર્ટર્સ, એસઆરપી કેમ્પ, ઘંટેશ્ર્વર ખાતે પણ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. શીરડીમાં યોજાનાર શિબિરનું લાઈવ ટેલિકાસ્ટ પોલીસ હેડ કવાર્ટર ખાતે તા.23 થી 30 એપ્રિલ સાંજે 7 થી 9 દરમિયાન કરવામાં આવશે.