ભાભીમાઁનું કર્તવ્ય

"વાહ.. આવો શીરો તો મેં આજ સુધી નથી ખાધો.. કોણે બનાવ્યો છે?? "અમમ.. મમ્મી મેં બનાવ્યો છે.. હમણાં જ ભાભીએ શીખવાડ્યો છે.. સરસ છે ને..! "અરે વાહ.. મારી દીકરી મોટી થઇ ગઈ.. તું આવું બધું ક્યારથી બનાવવા લાગી.... મને તો એમ કે તને હજુ સુધી મેગી જ બનાવતા આવડે છે.. હું કોલેજ જાઉ ત્યારે તું ઘરે રહીને આવું બધું શીખે છે દીકરા?? ને ખેવના શરમાઈને પોરસાતી પોરસાતી તેના ભાભી સામે જરા મલકાઈને ઓરડામાં જતી રહી..
અનસૂયાબહેન ગુજરાત વિદ્યાપીઠમાં સંસ્કૃત વિષયના આચાર્યા હતા. સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યિક મહાનુભાવોમાં તેમની ગણના થાય.. તેમના પતિ અનિકેતભાઈ એક વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા.. સંતાનમાં એક દીકરો અને એક દીકરી.. સત્યાવીશ વર્ષનો ખિલન એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો.. બે વર્ષ પેલા જ તેના લગ્ન સમાજની સુશીલ, સંસ્કારી, ગુણવાન અને રૂપવાન એવી ખંજના સાથે થયેલા. અન્સુયાબહેનની દીકરી ખેવના તેનું એમએ પૂરું કરી હવે ઘરે ભાભી સાથે રહીને ઘરકામ શીખતી હતી.. અનસૂયાબહેન બહુ પ્રવૃત હતા. સવારે નવ વાગ્યે કોલેજ જવા નીકળી જાય તો સાંજે સાત વાગ્યે આવે. એ પછી પણ કોઈ ને કોઈ સાથે તેમની મીટીંગ ગોઠવાયેલી જ હોય.. આખું ઘર ખંજનાના આવ્યા બાદ તેના પર જ નિર્ભર હતું.. અને અનસુયાબહેનને તો એ વાતનો અત્યંત ગર્વ પણ ખરો.. સમાજમાં અને તેમના કોલેજના ક્લીગ્સને તેઓ હમેશા કહેતા..
"મારી વહુ તો એકે હજાર જેવી છે.. મારું બધું તેણે સંભાળી લીધું છે.. કોઈ વાતની મને ચિંતા નથી હવે તો.. ત્યાં સુધી કે મારી દીકરી ખેવના પણ મેં તેને સોપી દીધી.. દીકરો તો વહુઘેલો થઇ જ ગયો છે.. ને હું તો આ બધું જોઇને એવી હરખાવ કે વાત ના પૂછો..!!
અનસુયાબહેનને ખંજના બહુ વહાલી.. અને ખેવના ને ખંજના તો જાણે જનમજનમની બહેનો હોય તેમ સાથે ને સાથે રહે..
"મમ્મી.. આજે સવારે ખેવનાબહેને શીરો બનાવ્યો હતો ને એમ અત્યારે એમણે ખમણ બનાવ્યા છે.. ચાખોને.. એ જરા આટલામાં ગયા છે.. હમણાં આવતા જ હશે..!!
એ રાત્રે ખંજનાએ ડાઈનીંગ ટેબલ પર બેઠેલા તેના સાસુમાને કહ્યું.
"અરે હા.. એ તો હું ચાખું જ છું. પણ હું એમ કહેતી હતી કે કાલે ખેવનાને જોવા માટે છોકરો આવવાનો છે.. તો એ તો તમને યાદ છે ને?? ખેવનાને બધું સમજાવી દેજો અને તૈયાર પણ કરજો.. હવે દીકરી પચીસની થશે..
અનસુયાબહેને પોતાની વહુને જવાબ આપતા કહ્યુ..
એ રાતે ઓરડામાં ખંજના અને ખીલન ખેવના વિશે જ વાતો કરી રહ્યા હતા..
"ખિલન, જો આ લગ્ન નક્કી થઇ જશે ને તો મને ખેવનાની બહુ જ યાદ આવશે.. મારે હંમેશાથી એક નાની બહેન જોઈતી હતી.. જે મને ખેવનામાં મળી છે.. હું મારી નાની બહેનને બધું શીખવાડું, તેને પપ્પા-મમ્મીની વઢ્થી છાવરું અને છોકરાઓ વિશે વાતો પણ કરું એવું મને જોઈતું હતું.. મને જ્યારે હવે મારી બહેન મળી છે ત્યારે એ આ રીતે મને છોડીને ચાલી જશે શું??? કાશ.. ખેવના લગ્ન કરીને પણ આપણી સાથે રહી શકતી હોત.. ને ખિલન આ સાંભળી હસવા લાગ્યો.. ખંજના પર પ્રેમ ઉભરાઈ આવતા જ તેને ચુંબન કરીને વળગી પડ્યો..!!
"અરે ભાભી.. હું સારી તો લાગુ છું ને?? બીજા દિવસે સવારે ખેવના તૈયાર થતા થતા ખંજનાને પૂછી રહી હતી..
"એકદમ મસ્ત.. સાચે જ તમને કોઈની નજર નાં લાગે.. બહુ જ સુંદર લાગી રહ્યા છો.. "અરે ભાભી.. તમે જો આટલી પરફેકટલી સાડી ના પહેરાવી હોત તો હું આટલી સુંદર નાં લાગતી હોત.. થેંક્યું સો મચ ભાભી.. "અરે અરે બસ બસ હવે ચાલો મારા વહાલા નણંદજી..
ખેવના ખરેખર તેણે પહેરેલી આસમાની સાડીમાં સુંદર લાગતી હતી.. હાથમાં નાસ્તો લઇ જ્યારે તે આત્મન પાસે આવી ત્યારે તે પણ તેને જોઇને મોહી પડ્યો..
"તો.. રાધિકાબહેન.. હવે આપણે છોકરાઓને એકલા વાત કરવા દઈએ.. અનસુયાબહેને આત્મનના મમ્મીને સંબોધીને કહ્યું..
"હા બિલકુલ..!! "જાવ તમે બંને જરા બગીચામાં આંટો મારીને આવોને..!! અન્સુયાબહેને બંનેને બગીચામાં મોકલીને કહ્યું.
ખંજના સતત ઉચાટમાં હતી.. અત્યાર સુધીમાં ખેવનાએ દસ છોકરાઓ જોયા હતા.. બધા સાથે કંઇક ને કંઇક વાંધો પડતા વાત અટકી જતી.. આ છોકરો તેને પોતાની નણંદ માટે યોગ્ય લાગ્યો હતો ને તેથી જ તે ઈચ્છતી હતી કે તે બંનેના લગ્ન નક્કી થાય.. આત્મન એક સારી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેની મોટી બહેન સાસરે હતી અને ઘરમાં તે અને તેના માં-બાપ ત્રણ જ જણા હતા.. રાધિકાબહેન સત્સંગમાં જ મળેલા ખંજનાને.. અને તેમણે જ સામેથી ખેવના વિશે પૃચ્છા કરેલી.. આશુતોષભાઈ, આત્મનના પિતાજી એક શાળાના આચાર્ય હતા. બધી રીતે યોગ્ય ઘર ને વર હતા.. ને તેથી જ ખંજના આ સંબંધ વિશે સકારાત્મક હતી..!!
"અરે લો.. આવી ગયા બંને..!! ખિલને બગીચામાંથી હોલ તરફ આવતા ખેવના અને આત્મનને જોઇને કહ્યું.
બીજી બે-ત્રણ મુલાકાતો બાદ બધું એકબીજાનાં પરિવારને વ્યવસ્થિત લાગતા ત્રણ જ મહિના પછીની લગ્નની તારીખ પણ આવી ગઈ..
"ખરેખર ખેવનાબહેન.. તમે બહુ જ સુંદર લાગો છો.. તમને આજે આ રીતે ખુશ જોઇને મારા હ્રદયને પણ શાતા મળી.. બસ હવે તમારો સંસાર સુખેથી ચાલે એટલી જ ઈચ્છા છે મારી..!!
મંડપમાં આત્મન ખેવનાની રાહ જોઈ રહ્યો હતો.. ગોરબાપા વરરાજા સાથે સઘળી વિધિ કરી રહ્યા હતા ત્યારે ઓરડામાં એકલા પડેલા ખેવના અને ખંજના વાતોમાં પરોવાયેલા હતા.. ગોરબાપા "ક્ધયા પધરાવો સાવધાન કહે તેની રાહ જોઈ રહ્યા હતા. તે બંને વચ્ચે ગજબનું હેત હતું.. એકબીજા પ્રત્યે અપાર સ્નેહ હતો.
વિદાયવેળાએ અનસુયાબહેનની આંખમાં હતા એનાથી પણ વધારે આંસુ ખંજનાની આંખમાં હતા...
તે રાત્રે ઓરડામાં ખિલનને સંબોધીને ખંજના રડતા રડતા બોલેલી,
"સાચે ખિલન.. મને એમની યાદ આવશે.. મારી બહેન..
ને રડતી ખંજનાને વળગીને ખિલન તેને આશ્ર્વાસન આપી રહ્યો.
દિવસો વીતતા રહ્યા.. એક મહિનો પસાર થઇ ગયો હતો..
"મમ્મી.. હું શું કહું છું કે આપણે ખેવનાબહેનને એક વખત તેડાવી લઈએ?? લગ્ન કરીને ગયા એ પછી અડધો દિવસ માટે જ આવ્યા હતા પગફેરો કરવા.. હવે બે દિવસ માટે તેડાવી લઈએ તો એમને ગમશે.. આટલું જલ્દી વાતાવારણ બદલાઈ ગયું છે એ પચાવતા એમને સમય લાગશે..!! એક દિવસ સવારે ડાઈનીંગ ટેબલ પર બેઠેલા અનસુયાબહેનને સંબોધીને ખંજનાએ કહેલું.
પોતાની વહુની વાતમાં હકાર ભણતા અનસુયાબહેને રાધીકાબહેનને ફોન કર્યો અને ખેવનાને બે દિવસ માટે મોકલવા કહ્યું.. એ દિવસે રાત્રે જ આત્મન ખેવનાને તેના પિયરે મુકવા આવ્યો. ને આવીને રોકાયા વગર તરત જ જતો રહ્યો...
"શું વાત છે ખેવના?? કેમ તારું મોઢું ઉતરેલું છે?? અને આ આત્મનકુમાર પણ બેઠા નહિ ને એમ જ જતા રહ્યા.. બધું બરાબર તો છે ને??
ને ખેવના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..
"નાં કઈ બરાબર નથી મમ્મી.. ભાભી.. આત્મન મને રોજ વઢે છે?? તમારા બધા જેવો પ્રેમ મને કોઈ નથી કરતું ત્યાં.. એ લોકોને એમ છે કે મને કઈ નથી આવડતું..!! જમવાનું બનાવતા નહિ, બટન ટાંકતા નહિ કે ઘર સાફ રાખતા નહિ.. મને કઈ નથી આવડતું એવું કહેવું છે એ લોકોનું..!! હું અહી જાગતી હતી એ ટાઈમે ત્યાં જાગું એમાં શું વાંધો આવે?? અને મને જમવાનું બનાવતા નથી આવડતું એમાં હું શું કરું? અનસૂયાબહેન આ સાંભળી સહેજ અચંબિત થઇ ગયા.. શીરો બનાવતી ખેવના કે પછી પોતે આવે ત્યારે ઘર ચોખ્ખું ચણાક કરીને બેઠેલી ખેવના તેમને યાદ આવી ગઈ.. તેઓ હજુ પણ કુતુહુલમાં ખોવાયેલા હતા.. ખંજનાએ ખેવનાને સધિયારો આપતા કહ્યું, "થઇ જશે બધું સરખું ખેવનાબહેન.. તમે ચિંતા નાં કરો..! તમે જાવ તમારા ઓરડામાં.. એક મહીને આવ્યા છો તો તમારા ઓરડાની યાદોને વાગોળો.. અને આરામ કરો.. હું હમણાં આવું છું..!!
ને ખેવના રડતા રડતા ઉપર જતી રહી.. ખંજના અને અનસૂયાબહેન ત્યાં હાજર હતા.. અન્સુયાબહેને પ્રશ્નાર્થસૂચક નજરે ખંજના સામે જોયું..
"મમ્મી.. મને માફ કરો.. આ બધો મારો જ વાંક છે.. મેં જ ખેવનાબહેનને છૂટ આપી હતી.. મારી બનાવેલી દરેક વસ્તુ તેમણે બનાવી છે એવું કહીને હું તેમના વખાણ કરાવતી હતી..
મમ્મી.. મને હંમેશાથી એક બહેનની ઈચ્છા હતી.. ખેવનાબહેનમાં મને મારી બહેન મળી.. અને એમણે લાડ કરવામાં ને કરવામાં હું ભૂલી ગઈ કે મારે એક ભાભીની ફરજ પણ નિભાવવાની છે.. ધીમે ધીમે તેઓ મારા પર નિર્ભર થતા ગયા..અને હું તે સમયે આ જોઇને બહુ ખુશ થતી.. મને લાગતું કે તેમને મારી જરૂર છે.. તેઓ મને પ્રેમ કરે છે.. પરંતુ આ બધું તેમના માટે આ રીતે નુકશાનકારક બનશે તેવો મને અંદાજ નહોતો..!! અનસૂયાબહેન કઈ જવાબ આપ્યા વગર એમ જ બેસી રહ્યા.. "મમ્મી પ્લીઝ.. તમે ચિંતા નહિ કરો.. હું ખેવનાબહેનને પાછા સાસરે મોકલીશ અને એમની ભૂલ પણ સમજાવીશ.. મારી ભૂલ પણ સ્વીકારીશ.. બસ મને એક તક આપો..!! "સારું વહુ.. તમારા પર વિશ્ર્વાસ કરીને આ ઘર અને મારા બાળકોની જવાબદારી સોપી હતી.. તમે એ નિભાવી પણ બખુભી.. સહેજ ચૂક રહી ગઈ તેને સુધારવાનો હું તમને મોકો આપું છું.. જો તમે કઈ નહિ કરી શકો તો મારે રાધિકાબહેન સાથે વાત કરીને હાથ જોડીને એમની માફી માંગવી પડશે..!
અનસુયાબહેનની વાત સાંભળતા તરત જ ખંજના બોલી, "ના ના મમ્મી.. એવું કશુય નહિ થાય.. હું બધું સંભાળી લઈશ.. તમને નિરાશ નહી કરું..!!
ને એ પછી ખંજનાએ કંઇક નક્કી કર્યું અને ખેવના પાસે ચાલી ગઈ..
તે રાત્રે તે ખેવનાની બાજુમાં જ સુતી.. હિબકા ભરતી ખેવનાને સાંત્વના આપીને તેને સધિયારો આપ્યો અને તેની ભાભીમાં બની રહી...!!
બીજા દિવસે સવાર પડતા જ ખંજનાએ આત્મનને ફોન કર્યો.. ખેવના તો હજુ સુતી જ હતી..
"હેલો.. "આત્મનકુમાર.. ખંજના વાત કરું છું..
"ભાભી જુઓ.. તમે જો તમારી નણંદની તરફદારી કરવા ફોન કર્યો હોય તો મારે તમારી વાત નથી સાંભળવી.. પ્લીઝ... એવું નથી કે હું એને પ્રેમ નથી કરતો કે મને એની કદર નથી.. મારા માં-બાપ પણ તેને દીકરીની જેમ જ રાખે છે.. પણ તે તો એક દીકરી નિભાવે એટલી ફરજ પણ નથી નિભાવી શકતી.. વહુની ફરજ નિભાવવાની વાત તો દુર રહી.. અરે ના ના.. મેં કઈ તરફદારી કરવા ફોન નથી કર્યો.. બસ એટલું કહેવું હતું કે આજે સાંજે આવીને ખેવનાબહેનને લઇ જજો.. અને હા એ પહેલા મારે તમને એકલાને મળવું છે..!!! ને આટલું કહી આત્મનને ખિલનની ઓફિસે બોલાવી ખંજનાએ ફોન મૂકી દીધો. સાંજે અચાનક જ ખેવના એના ઓરડામાંથી દોડતી આવી.. મમ્મી.. ભાભી.. આત્મનનો ફોન આવ્યો હતો.. એ મને લેવા માટે આવે છે... અને ફોનમાં બહુ જ ખુશ હતા... કહેતા હતા કે મારા વગર એમને જરાય ના ગોઠયું...!! આજે જ હમણાં જ લઇ જશે..
અનસૂયાબહેનને આ સાંભળી થોડી નવાઈ લાગી પણ તેઓ ખુશ થયા.. તે દિવસે આત્મને ઓરડામાં તેની પત્નીને ખુબ પ્રેમ કર્યો... ખેવનાને આ બધું સ્વપ્ન સમું લાગતું હતું.. ઓહ... મમ્મી કેમ કચરા વાળે છે આત્મન??
બીજા દિવસે સવારે સીડી પરથી ઉતરતા ઉતરતા હોલમાં બેઠેલા આત્મનને ખેવનાએ પૂછ્યું..
કારણકે દુર્ગા પંદર દિવસ માટે રજા પર છે.. અને તને ખબર છે ને સ્વીટહાર્ટ કે મમીને કચરા પોતા કર્યા વગર દીવાબત્તી કરવા નથી ગમતા.. નવ વાગી ગયા હતા.. દીવા કરવાનો ટાઈમ થઇ ગયો હતો ને તું હજુ સુતી હતી એટલે મેં તને ડીસ્ટર્બ ના કરી..!
ખેવનાને આ વાત સાંભળી થોડું અજુગતું લાગ્યું.. તેની સામે તેના સીતેર વર્ષના સાસુ વાંકા વળી વળીને કચરા વાળી રહ્યા હતા અને તે તૈયાર થઈને ત્યાં એમને એમ ખોડાઈ રહેલી..
એ દિવસે જ નહિ પછી તો અવારનવાર કંઇક આવું બનતું રહ્યું..
એ દિવસે તેમના ઘરે મહેમાન આવેલા.. લગભગ સાત-આઠ જણાનું જમવાનું બનાવવાનું હતું.. તે બધું જ એકલા હાથે તેના સાસુએ બનાવેલું.. તે ઈચ્છે તો પણ મદદ કરી શકે તેમ નહોતી.. તેને કઈ આવડતું જ નહોતું..
એક દિવસ આત્મન સવારના જાગીને તેના મમ્મી-પપ્પાને લઈને મંદિરે ગયેલો.. તેને ઓફિસે મીટીંગ હોવા છતાય.. તે દિવસે અમાસ હતી એટલે સીધું આપવા જવાનું હતું.. ખેવના તો વહેલી જાગતી નહિ.. એટલે તે ઈચ્છે તો પણ એમ કહી શકે તેમ નહોતી કે તે બંનેને મંદિરે લઇ જશે..
બાર વાગ્યે જ્યારે તેઓ મંદિરેથી આવ્યા ત્યારે ખેવનાને આ ખબર પડી....
એક દિવસ તો હદ જ થઇ ગઈ.. તેના સાસુને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા.. તેના સસરા રસોડામાં જઈ તેમના માટે ઘરગથ્થું ઉપચાર લઇ આવ્યા.. તેને આવા સમયે શું કરવું જોઈએ તેની ખબર નાં પડતા ખિલનને ફોન કરીને તે પૂતળાની જેમ ત્યાં ઉભી રહી.. છેલ્લા પંદર દિવસથી થઇ રહેલી આ ઘટનાઓ જોઈ ખેવનાને અજીબ લાગી રહ્યું હતું.. તે રાત્રે તેણે આત્મનને કહ્યું,
આત્મન, હું બે દિવસ માટે ભાભીને અને મમ્મીને મળી આવું પ્લીઝ??
હાસ્તો ડાર્લિંગ.. હું જ તને મૂકી જઈશ ચલ ને... કાલે જ મુકવા આવીશ.. એમાં પૂછવાનું શું હોય??
ખેવનાને જવાબ આપીને આત્મન સુઈ ગયો.. બીજા દિવસે જ્યારે ખેવના તેના પિયરે પહોંચી ત્યારે તેને હાશકારો થયો.. ખંજના અને અનસુયાબહેનને અચાનક આ રીતે ખેવનાને જોઈ આશ્ર્ચર્ય થયું.. પરંતુ આત્મનનો વ્યવસ્થિત વ્યવહાર જોઈ બધું બરાબર હશે તેમજ લાગ્યું..
ભાભી.. તમારી સાથે વાત કરવી છે.. જમીને આવજોને મારા રૂમમાં...!!
ખંજના આ જ ક્ષણની રાહ જોતી હોય તેમ ખેવનાની આ વાત સાંભળી ખુશ થઇ ગઈ.. ખંજના જ્યારે ખેવનાના ઓરડામાં પહોંચી ત્યારે તે સુતી હતી.. તેને જગાડવી કે નહિ તે અવઢવમાં પડેલી ખંજના કંઈ કહેવા જાય ત્યાં જ ખેવનાની આંખ ખુલી ગઈ અને તેની ભાભીને જોઇને તે ખુશ થઇ ગઈ..
અરે ભાભી.. સારું થયું તમે જલ્દી આવ્યા.. તમારી રાહ જોઇને હું થાકી ગઈ હતી.. બેસો મારે તમને કંઇક કહેવું છે..
ખંજના જાણે આ સાંભળી ખુશ થઇ ગઈ..
બોલો ને ખેવનાબહેન.. શું વાત છે?? બધું બરાબર છે ને?? તમારા સાસરામાં તમને કઈ દુ:ખ તો નથી ને? ખેવના આ વાતનો જવાબ આપતા બોલી,
દુ:ખ... શું વાત કરો છો ભાભી?? સુખ જ સુખ છે.. કંઇક વધારે પડતું જ સુખ.. કે જે જોઇને મને એ બધું શરમજનક લાગે છે..
તમને ખબર છે ભાભી મારા સાસુ કામ કરતા હોય ને હું એમનેમ બેઠી હોય.. કારણકે મને સુજે જ નહિ કે તેમને મદદ માટે કેમ પુછુ..
મને તો કઈ આવડતું જ નથી.. તમે જાણો જ છો ને???
તમને યાદ છે મારા લગ્ન પહેલાની વાત છે.. એક દિવસ તમે તમારો બનાવેલો શીરો મેં બનાવ્યો છે એમ કહીને બધાને ચખાડ્યો હતો.. એ પછી ઘણી વખત આવું થયું... તમે બનાવેલી વસ્તુઓ કે તમે કરેલા કામ માટે તમે મને જ ક્રેડીટ આપતા.. ને એમાં જ હું પણ આળસી ગઈ હતી... કઈ કરતી નહિ કે કઈ શીખતી નહિ.. આજે મને એ બધું યાદ કરીને દુખ થાય છે.. ભાભી મારા સાસુ-સસરા ને આત્મન કેટલા સારા છે કે મને કંઈ નથી કહેતા.. મને કંઈ નથી આવડતું તેની ફરિયાદ પણ નથી કરતા.. એ લોકો મને વઢતા નથી ને એ જોઈ મને હવે શરમ આવે છે...!! ખંજના આ સાંભળી સહેજ મલકાઈ.. અને તરત જ ખેવનાને જવાબ આપતા કહ્યું,
ખેવનાબહેન.. સાચું કહું ને તો આમાં મારો વાંક છે.. મેં જ તમને બહુ વધારે લાડ કર્યા.. કદાચ આ મારો જ સ્વાર્થ હતો... અને ભૂલ પણ ખરી..
હું સ્વીકારું છું કે જ્યાં સુધી એક સ્ત્રી સમગ્ર પરિવારની જવાબદારી ઉઠાવવા જેટલી સક્ષમ નાં હોય ત્યાં સુધી તે લગ્ન માટે તૈયાર કહેવાય જ નહિ.. એ પછી ભલે ને પચાસ વર્ષની સ્ત્રી હોય.. પણ જો તે તેના જીવનમાં આવનાર બદલાવથી અજાણ હોય, તેણે નિભાવવાની ફરજોથી અજાણ હોય તો તે ક્યારેય સારી પત્ની કે વહુ ના જ બની શકે.. અમે બધા આ વાત સમજી જ ના શક્યા અને તમને એ સમજાવી પણ નાં શક્યા.. ખાસ કરીને હું.. તમારામાં મને મારી બહેન મળી.. અને હું સ્વાર્થી થઇ ગઈ..
તમને એક મોટી ભાભી તરીકે સમજણ આપવાની બદલે કે તમને કશુક શીખવાડવાની બદલે તમારી ભૂલોને છાવરતી રહી.. ને ત્યાં જ હું ચુકી ગઈ.. એક સારી બહેન તો બની ગઈ.. પણ ભાભી કદાચ ના બની શકી...!!!
ખેવના આ સાંભળી રડી પડી.. ખંજનાની નજીક જઈ તેનો હાથ પકડીને તેને સંબોધીને કહ્યું,
આજે બની ગયા તમે બેસ્ટ ભાભી.. બસ હવે હું તમારા જેવી વહુ બની શકું ને તો મને વધારે ખુશી થશે...!!!
ને તે બંને એકબીજાને ભેટી પડ્યા..!!
પણ એમ નહિ ભાભી.. તમે હવે આત્મનને આ બધું સમજાવવામાં મારી મદદ કરશો?? ને ખંજના સહેજ હસી પડી..
ખેવનાબહેન.. આત્મનકુમાર બધું જ જાણે છે.. ને તેમની કામવાળીને રજા પણ તેમણે જાણીજોઇને જ આપી હતી.. મેં જ એમને આવું બધું કરવાનું કહેલું.. મને ખબર હતી મારી નણંદ કદાચ આળસુ હોઈ શકે પરંતુ લાગણીવિહીન તો ના જ હોય.. અમને ખાતરી હતી કે તમે જ્યારે આ બધું જોશો ત્યારે તમને ખરાબ લાગશે.. ખરેખર તમારા નસીબ સારા છે કે તમને આવું સાસરું મળ્યું.. એ લોકોએ તમને એક તક આપી..
હવે તમે બધું મારી પાસેથી શીખશો?? કે પછી તમારા સાસુ પાસેથી??
ખંજનાએ ખેવનાને કહ્યું કે તરત જ અનસૂયાબહેન દાખલ થયા..
કેમ એની માં પાસેથી નહિ શીખે શું??
સોરી દીકરા.. આમાં મારો પણ એટલો જ વાંક છે જેટલો તારો છે.. મારે તારા લગ્ન કરાવતા પહેલા તને લગ્ન કરવા માટે તૈયાર કરવી જોઈતી હતી..
ખંજના આ સાંભળતા જ તેના મમ્મીને ભેટી પડી.. એ સમયે જાણે એક નવી જ ખેવનાનો જન્મ થયો.. એ સાંજે આત્મન આવીને ખંજનાને લઇ ગયો..
હવે ખંજના તેના સાસુ પાસેથી રોજ કઈ ને કઈ શીખતી રહેતી.. જરૂર પડે તો ખંજનાને ફોન કરીને પૂછતી..
ખંજનાને ખુશી હતી કે આખરે તે એક બહેન, ભાભી અને માઁ નું કર્તવ્ય એકસાથે સુપેરે નિભાવી શકી...!!!! ખેવના ખરેખર
તેણે પહેરેલી આસમાની સાડીમાં સુંદર લાગતી હતી.. હાથમાં નાસ્તો લઇ જ્યારે તે આત્મન પાસે આવી ત્યારે તે પણ તેને જોઇને મોહી
પડ્યો.. એ દિવસે તેમના
ઘરે મહેમાન આવેલા.. લગભગ સાત-આઠ જણાનું જમવાનું બનાવવાનું હતું.. તે બધું જ એકલા હાથે તેના સાસુએ બનાવેલું.. તે ઈચ્છે તો પણ મદદ કરી શકે
તેમ નહોતી.. તેને કઈ આવડતું
જ નહોતું.. વાર્તા આયુષી સેલાણી