મિલન અને વિરહ એક નદીના બે કિનારા

સમજી શકયો છું એટલે ઓજસ મિલન પછી
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે.
- ઓજસ પાલનપુરી
પ્રેમીઓ માટે વિરહ અને મિલન એટલે પ્રેમરૂપી નદીના બે કિનારા. જેમ પ્રવાહ મધ્યે તરતું લાકડું કયારેક આ કિનારે તો કયારેય પેલા કિનારે અફળાય, તેમ પ્રેમમાં પણ મિલન અને વિરહ સહજ વાત છે. હા, મિલનની મજા કંઇક ઔર જ હોય છે. મનગમતી વ્યકિત સાથેની મુલાકાત નક્કી થતા જ સતત તેના વિચાર મનનો કબ્જો લઇ લે છે. કઇ રીતે તૈયાર થવું ? શી વાત કરવી ? અને કયારે મળશું ? એવા વિચાર આવતા રહે છે. કોઇ કામમાં મન લાગતું નથી. ઘડીયાળના કાંટા પણ ધીમા ચાલતા હોય તેવું લાગે છે ?
તો વિરહની વેદના પણ કપરી હોય છે. પ્રિય પાત્રની સદેહે હાજરી ન હોવા છતાં, મનમાં સતત તેનું રટણ ચાલ્યા કરે છે. જો કે મિલન વખતે બંને એવી મોજમાં હોય છે કે જે કહેવાનું હોય તે ભુલાઇ જાય છે ને આડીતેડી વાતોમાં સમય પસાર થઇ જાય છે ! જ્યારે વિરહના સમયમાં અતીતનો ઓરડો ખોલી ઉભય પક્ષની વાતો કે પરસ્પરતા વ્યવહાર વર્તનને યાદ કરી તેના લેખાજોખા થઇ શકે છે અને વિરહ સમયે એકબીજાની સાચી કિંમત સમજાતી હોય સ્વાભાવિક તેને પ્રેમનો સાર ગણાવી શકાય.
કયારેક મિલનની મોજ-મજા
કયારેક વિરહની લાખ વ્યથા,
લા,ે બે જ શબ્દમાં જીવનનું
પુસ્તક આખું વંચાઇ ગયું
- દિલહર સંઘવી
પરસ્પર પ્રેમનો એકરાર થઇ ગયા બાદ સતત એકબીજાનું સાનિધ્ય ઝંખતા રહેતા પ્રેમીઓ, અકારણ એકબીજાને મળવા બેચેન હોય છે. તે માટે કોઇ ને કોઇ બહાના શોધતા રહેતા હોય છે. કોલેજ કેમ્પસમાં તો સાથે જ હોય છતા કોઇ બહાનું બતાવી કોલેજ બહાર પણ મળતા રહે છે.
જ્યારે બે પૈકી એક પાત્રને બહારગામ જવાનું થાય કે કોઇ કારણોસર બે પાંચ દિવસ મળી ન શકાય, ત્યારે એ વિરહનો સમય પસાર કરવો વસમો બની જાય છે.
આમ જોઇએ તો પ્રિયા સાથે મિલનની મજા અને જ્યારે વિરહની નોબત સર્જાય ત્યારે મન ઉપર સ્વાર થઇ જતી વેદનાની વ્યથા ! આ બે શબ્દ વચ્ચે જાણે જીવનની કિતાબ વંચાઇ જતી હોય તેમ કહેવામાં જરાપણ અતિશયોકિત નહી ગણાય.
એકાંતમાં રહેવાનું
ન કારણ કોઇ પૂછો,
છે એમ તો કંઇ કેટલી
પ્રેમાળ સભા યાદ
- મરીઝ
માણસ સામાજીક પ્રાણી છે તેને સમાજમાં રહેવું ગમે છે અને તે વગર તેનો વિકાસ પણ નથી પરંતુ સૌની સાથે રહેવા છતાં કોઇને એકાંત પસંદ હોય અથવા તો કંઇક એવું બન્યું હોય કે તેને એકાંત ઓઢવું પડયું હોય !
આમ તો એકલા રહેવું કોને ગમે ? પરંતુ જ્યારે પોતાના માનેલા હૃદયને આઘાત પહોંચાડે. પરીસ્થિતિ એવી હોય કે જાણવા છતાં કંઇ બોલી શકાય નહી !
આવા સમયે માણસ ચૂપ રહેવાનું વધુ પસંદ કરતો હોય છે. કયારેક કોઇ એકાંતમાં રહેનાર માણસને જોઇ ઘણાં પ્રશ્ર્નો થાય કે આ કેમ કોઇની સાથે ભળતો નહિ હોય ? પરંતુ હકીકત એ પણ હોય કે તે સંજોગો પાસે લાચાર હોય. કયારેક સભા ગજવનાર માણસ પણ એકાંત ઓઢી ફરવા લાગે તેવું બની શકે છે. આસ્વાદ  બાલેન્દુશેખર જાની