જૂનાગઢની આદર્શ નિવાસી શાળામાં સામાજીક ન્યાય દિવસની ઉજવણી

ડો.આંબેડકર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો : મહાનુભાવો દ્વારા પ્રતિમાને ફુલહાર
જૂનાગઢ તા.16
જૂનાગઢ જીલ્લામાં તા.14 એપ્રિલથી તા.પ મે સુધી સામાજીક સંવાદિતા તથા અંતરીયાળ વિસ્તારનાં ગરીબ લાભાર્થીઓ સુધી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી તથા તેના લાભો અંતરીયાળ વિસ્તારના લોકોને મળે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ થયો છે. તા.14 એપ્રિલને સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવણી અને બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સામાજીક ન્યાય અધિકારીના દિવસ તરીકેની ઉજવણી અંતર્ગત જીલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આવો જ કાર્યક્રમ જૂનાગઢ શહેરની આદર્શ નિવાસી શાળા ખાતે સામાજીક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને દીપ પ્રાગટયથી પ્રારંભ કરાવતા ઇન્ફોમેટીક ઓફીસર અતુલભાઇ ખુંટીએ જણાવ્યું હતું કે બાબા સાહેબના ચીંધેલ રાહ પર ચાલીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપીએ એ જ સાચી સ્મરણાંજલી છે. આ તકે આદર્શ નિવાસી શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો બાબાસાહેબનાં જીવનકવન પર વકતૃત્વ ભીમ ભજન રજુ કરાયા હતા. નાયબ નિયામક અનુ.જાતિ સી.એન.મિશ્રા, આર.ડી.પરમાર અને મહાનુભાવોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.એન.મિશ્રાએ અને આભારદર્શન વી.જી.કૈલા અને જે.કે.ભારાઇએ કર્યુ હતું.