ભેંસાણના છોડવડીમાં 24 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

જૂનાગઢમાં ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ જૂનાગઢ,તા.16
જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાનાં છોડવડી ગામે લેઉવા પટેલ સમાજનાં 24 નવદંપતીઓએ સમુહલગ્નનાં રૂડા અવસરે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ અવસરને વધાવવા અને નવદંપતિને આશીર્વચન પાઠવવા રાજ્યનાં આરોગ્ય રાજ્યમંત્રી કીશોરભાઇ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી કાનાણીએ જણાવ્યુ હતુ કે આજે દેખા-દેખીથી ઉજવાતા લગ્નોત્સવ ખોટાખર્ચનું માધ્યમ બની રહ્યા છે ત્યારે ગ્રામિણ કૃષિ અર્થતંત્ર સાથે સંકળાયેલ પરિવારોનાં સંતાનો પુરતા ઉમંગ અને ઉત્સાહભર્યા માહોલમાં સૈા સમાજશ્રેષ્ઠીઓનાં સંગાથે લગ્નોત્સવ માણે અને નવદંપતીને દાંપત્યજીવનની મંજીલે પથપ્રયાણ કરવા આશિર્વાદ પાઠવે એ થી રૂડુ શું હોય શકે?
આ તકે મહિલા સુરક્ષા સમિતીનાં રાજ્ય એકમનાં ઉપાધ્યક્ષા જયોતિબેન વાછાણી, પુર્વ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી જશુમતિબેન કોરાટ, પુર્વ ધારાસભ્ય પ્રફુલભાઇ પાનસેરીયા, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ-જૂનાગઢનાં ચેરમેન જે.કે.ઠેશીયા, અગ્રણી કીરીટભાઇ રાખોલીયા, અમરેલીનાં અગ્રણી મનુભાઇ કાકડીયા, બાબુભાઇ ગુજરાતીએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રી કીશોરભાઇ કાનાણી અને મહાનુભાવોનાં હસ્તે તેજસ્વી છાત્રોને પુરસ્કાર અને ઈનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. છોડવડી સમુહ લગ્ન આયોજક સમીતની ગાંડુભાઇ કથીરીયા, બાબુભાઇ કથીરીયા, રતિલાલ પાનસુરીયા, સહિત ટીમનાં હસ્તે આમંત્રીતોને પુષ્પ અને સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરાયુ હતુ.
ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ
જૂનાગઢ જિલ્લામાં તા. 14 એપ્રિલથી તા.5મી મે સુધી સામાજીક સંવાદિતા તથા અંતરિયાળ વિસ્તારના ગરીબ લાભાર્થીઓ સુધી કેન્દ્ર સરકાર તથા રાજ્યસરકારની યોજનાઓની જાણકારી તથા તેના લાભો અંતરિયાળ વિસ્તારના લોકોને મળે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ થયો છે.
તા.14 એપ્રિલને સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવણી અને બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમીતે સામાજીક ન્યાય અધિકારીતા દિવસ તરીકેની ઉજવણી અંતર્ગત જિલ્લાભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આવો જ એક કાર્યક્રમ જૂનાગઢ શહેરની આદર્શ નિવાસી શાળા ખાતે સામાજીક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમને દીપપ્રાગટ્યથી પ્રારંભ કરાવતા ઈન્ફોર્મેટીક ઓફીસર અતુલભાઇ ખુંટીએ જણાવ્યુ હતુ કે બાબા સાહેબનાં ચિંધેલ રાહ પર ચાલીને રાજ્ય અને રાષ્ટ્રનાં વિકાસમાં ફાળો આપીએ એ જ સાચી સ્મરણાંજલી છે.