જામનગરમાં અજ્ઞાત યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં મૃત્યુ : પોલીસ દ્વારા હત્યાની આશંકા

મોડીરાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ જામનગર તા:16
જામનગરમાં હરીયા કોલેજ રોડ પર એક હોટલ પાસેથી ગઇકાલે એક અજ્ઞાત યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેને સારવાર માટે જી. જી. હોસ્પીટલમાં દાખલ કરાયો હતો જયાં મોડી રાત્રે તેણે દમ તોડી દીધો હતો. અજ્ઞાત યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાના કારણે તેની હત્યા નિપજાવાય હોય તેવી આશંકા વ્યકત કરી પોલીસ દ્વારા તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાયું છે.
આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં હરીયા કોલેજ રોડ પર એક હોટલ પાસેથી ગઇકાલે મોડી રાત્રે એક અજ્ઞાત યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સીટી-સી ડીવીઝનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં પહોંચાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં પોતાનું નામ માતંગ બોલ્યો હતો. ત્યાર પછી બેશુધ્ધ બની ગયેલો હતો. જેનું સારવાર દરમ્યાન મોડી રાત્રે મૃત્યુ નિપજયું હતું.
પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી. તેની ઉંમરે અંદાજે 40 થી 45 વર્ષની છે. જયારે માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઇ હોવાના કારણે તેનું મૃત્યુ નિપજયું હોવાથી પોલીસે તેની હત્યા થઇ છે કે કેમ? તેવી આશંકા વ્યકત કરી તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને મૃતકના વિસરા લેવાયા છે. સીટી-સી ડીવીઝનના પી.એસ.આઈ. ગામીત અને તેમની ટીમ ઉંડાણ પૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.
લુંટારાઓ સામે ખુનની કોશીષનો ગુન્હો
જામનગરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં.7માં રહેતા શારદાબેન જયંતીભાઇ કનખરા નામના ભાનુશાળી બુજુર્ગ મહીલાના ઘરમાં લૂંટના ઈરાદે ઘુસી લાખો રૂપિયાની રોકડ અને સોનાના ઘરેણાઓ સહીતની માલમતાની લૂંટ ચલાવવા અંગેના ગુન્હામાં પોલીસે જામનગરના અહેઝાઝ ઉર્ફે એજલો, રજાકભાઇ વાઘેર અને યુસુફ આમદ ઉર્ફે છાપરી નામના સલાયાના વાઘેર શખ્સની એલ.સી.બી.ની ટીમે ધરપકડ કરી લઇ રૂા.27,00,000/-ની માલમતા કબજે કરી હતી.
જે બન્ને લુટારુ શખ્સોને પાંચ દિવસની રીમાન્ડની મૉગણી સાથે અદાલતમાં રજુ કરાયા છે જયારે ભાનુશાળી ઈજાગ્રસ્ત પ્રૌઢાને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઇ હોવાથી તેણીની હત્યાનો પ્રયાસ કર્યા હોવાનું અનુમાન કરી પોલીસે બન્ને લુટારું શખ્સો સામે કલમ 307 હેઠળ ખુનની કોશીષનો ઉમેરો કર્યો છે બન્ને લુટારું શખ્સોને અન્ય રોકડ રકમ કઢાવવા તેમજવિશેષ પુછપર માટે રીમાન્ડની કાર્યવાહી આરંભાય છે સમગ્ર પ્રકારની વધુ તપાસ એલ.સી.બી.ની ટીમ ચલાવી રહીછે.