જામનગરમાં ઓપરેશન મિશન મુસ્કાન હેઠળ 2 બાળકોનું પરિવાર સાથે મિલન

જામનગર તા,16
જામનગરમાં ચારણનેશ વિસ્તારમાં રહેતા માણસુરભાઇ હરસુરભાઇ સોરીયા નામના યુવાન તેમજ જેસાભાઇ મેરામણભાઇ ચારણના બે બાળકો કાનો માણસુરભાઇ (ઉ.વ.4) અને મેહુલ જેસાભાઇ (ઉ.વ.4) બન્ને ગઇકાલે સવારે સાડાનવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકાએક ગુમ થયા હતા. જેથી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આસપાસના વિસ્તારમાં અનેક સ્થળે શોધખોળ કરવા છતાં પણ તેનો કોઇ પત્તો સાંપડયો ન હતો. જેથી પરિવારજનોએ તુરંત જ સીટી સી ડી.વી. પોલીસ મથકમાં સંપર્ક સાધ્યો હતો.
દરમિયાન બપોરના સમયે બન્ને બાળકો સમર્પણ સ્કૂલ પાસે એક ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ પાસેથી મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો અને ઓપરેશન મીશન મુસ્કાન હેઠળ પરિવારથી વિખુટા પડી ગયેલા બન્ને બાળકોનો તેમના વાલી સાથે મિલાપ કરાવી દેતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. તસવીર:સુનિલ ચુડાસમા