સલાયા અને જામનગરના બે રીઢા ગુનેગારોની ધરપકડ

જામનગરમાં ભાનુશાળી વૃધ્ધાના મકાનમાં થયેલી લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો
બન્ને લુંટારા ભાગી છુટે તે પહેલા જ ચોક્કસ બાતમીના આધારે દબોચી લેવાયા રોકડ, દાગીના સહિત 27.77 લાખનો મુદામાલ કબજે ; જેલમાં જ લૂંટનો પ્લાન ઘડેલો જામનગર તા,16
જામનગરમાં ભાનુશાળી વૃધ્ધાના મકાનમાં થયેલી લાખોની લૂંટનો ભેદઉકેલી પોલીસે સલાયા અને જામનગરના બે શખ્સોની ધરપકડ કરી લૂંટમાં ગયેલું સોનુ અને રોકડ રૂા.27,77,000/ની માલમતા કબ્જે કરી લીધી છે.
આ લૂંટના બનાવની વિગતો એવી છે કે, જામનગરના પ્રખ્યાત ભાનુશાળી અગ્રણી વેપારી જેન્તીભાઇ કનખરા ઉર્ફે દસ નંબરી કે જેઓ ત્રણ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા અને તેમના પુત્રનું પણ બે વર્ષ પહેલા અવસાન થયું હતું. જયારે તેઓના વૃધ્ધ પત્ની શારદાબેન જેન્તીભાઇ કનખરા (ઉ.વ.67) જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં સાત નંબરની શેરીના ખુણા પાસે રિધ્ધિસિધ્ધિ નામના બંગલામાં એકલા રહેતા હતા જે બંગલામાં આજથી ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બે બુકાનીધારી શખ્સો ત્રાટકયા હતા. મોઢા પર રૂમાલ બાંધેલા બન્ને લુંટારુ શખ્સોએ પાછળની દિવાલ કુદી બંગલામાં પ્રવેશ કરી ભાનુશાળી વૃધ્ધાને માર માર્યો હતો અને મોઢે ઢુચો દઇ સાડી વડે બાંધી નાખ્યા હતા. ત્યાર પછી તેમના જ રૂમમાં રહેલી તિજોરી ખોલી અંદરથી આશરે 50 તોલા જેટલું સોનુ અને રોકડ રકમ સહિતની લાખો રૂપિયાની માલમતા ઉઠાવી ગયાની ફરીયાદ થઇ હતી.
દરમીયાન જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાએ ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતો અને અગાઉ ઘરફોડ ચોરી-લુંટમાં પકડાયેલા એજાજ ઉર્ફે એજલો રજાકભાઇ વાઘેર નામનો શખ્સ અને સલાયાનો યુસુફ ઉર્ફે છાપરી આમદભાઇ સુમારા નામનો શખ્સ ના લુંટની ઘટનાને અંજામ આપીને લૂંટનો માલસામાન વેંચવા માટે અમદાવાદ તરફથી ભાગી છુટવાની પેરવી કરી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમી એલસીબીના વશરામભાઇ આહીર તેમજ બસીરભાઇ મલેકને મળી હતી જેના આધારે તપાસનો દોર જામનગરના એસ.ટી.ડેપો નજીક બન્ને આરોપીઓ લુંટનો મુદામાલ લઇને ભાગી છુટવાની પેરવી કરે તે પહેલા બન્ને લુટારુ શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જેઓ પાસેથી 66 હજારની રોકડ રકમ અને 115 તોલા સોનાના ઘરેણાઓ વગેરે સહિત રૂા. 27,77,000/-ની માલમતા કબ્જે કરી લીધી હતી જે બન્નેની ધરપકડ કરી લઇ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરીછે તેઓ પાસેથી લૂંટમાં ગયેલી અન્ય રોકડ રકમ કઢાવવામાં માટે પણ કાર્યવાહી હાથ ધરીછે. લૂંટનો પ્લાન જામનગરની જેલમાં ઘડાયો હતો
જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં ભાનુશાળી વૃધ્ધાના બંગલામાં થયેલી લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન આજથી દોઢેક વર્ષ પહેલા જામનગરની જેલમાં ઘડાયો હતો. આ લૂંટની ઘટનામાં પકડાયેલા બે લૂંટારૂ શખ્સો ઉપરાંત જામનગરના માજી રાજવીના જામબંગલાની ચોરીમાં પકડાયેલા બે દેવીપુજક ભાઇઓ વગેરે આજથી દોઢ બે વર્ષ પહેલા જમનગરની જેલમાં હતા ત્યારે તમામ આરોપીઓ વચ્ચે ચર્ચા થઇ હતી કે દિ. પ્લોટ વિસ્તારમાં રિધ્ધિસિધ્ધિ નામનો બંગલો આવેલો છે. જેમાં એક વૃધ્ધા એકલા રહે છે અને તેમના ઘરમાં લાખો રૂા.નું સોનુ અને રોકડ પડેલા છે. જેલમાંથી બહાર નીકળ્યા પછી આ બંગલામાં હાથ મારવાનો પ્લાન ઘડયો હતો.
દરમ્યાન જામ બંગલા ચોરી પ્રકરણમાં આરોપી હાલ જેલમાં છે પરંતુ સલાયાનો કુખ્યાત શખ્સ કે જે અન્ય ચોરીના ગુન્હામાં જેલમાં હતો તે થોડા સમય પહેલા જામનગરની જેલમાંથી છુટી ગયો હતો. તેણે જામનગરના લૂંટારૂ શખ્સ સાથે મળીને બનાવના બે દિવસ પહેલા દિ.પ્લોટ વિસ્તારમાં આવીને રેકી કરી હતી અને જેલમાં જે બંગલાની ચોરીનો પ્લાન ઘડાયો હતો તે બંગલાની બહાર એક પાણીપુરીવાળો ઉભો રહે છે ત્યાં ઉભા રહીને પાણીપુરી ખાધી હતી અને સમગ્ર બંગલાનું બારીકાઇથી નિરીક્ષક કર્યુ હતું. ત્રણેક દિવસ રેકી કરી હતી. તસવીર:સુનિલ ચુડાસમા