જામજોધપુરમાં નર્મદાની પાઈપલાઈનમાંથી પાણીચોરી અંગે સાત શખ્સો સામે ગુન્હો

કાર્યપાલક ઈજનેરે મહિલા, ખેડુતો સામે દાખલ કરાવી ફોજદારી
જામનગર તા,16
જામજોધપુર વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં બેફામ રીતે પાણીની ચોરી થાય છે તેવી સરકારી તંત્રને જાણકારી મળતા પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સાત જેટલા ખેડુતોએ પાણીની ચોરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જામજોધપુર પોલીસ મથકમાં એક મહિલા સહિત સાત આરોપીઓ સામે પાણી ચોરીની ફરીયાદ નોંધાવી છે.
જામજોધપુર ઉપરાંત ભરવાડ-કલ્યાણપુર-ઓખામંડળ-રાણાવાવ-કુતિયાણા અને પોરબંદર એમ કુલ સાત તાલુકાની અંદાજે 1416640ની વસ્તીને પાણી પુરવઠા દ્વારા નર્મદાની પાણીની પાઈપ લાઈનમાંથી પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે અને જામજોધપુરના બાઈપાસ રોડ પર સી.એચ.સી. સેન્ટરના પાછળના ભાગમાંથી આ પાઈપલાઈન પસાર થાય છે જે પાઈપ લાઈનમાંથી આસપાસની જમીન ધરાવતા ખેડુતો રસીકભાઇ મોહનભાઇ સીણોજીયા-રવજીભાઇ મોહનભાઇ- જમનભાઇ મોહનભાઇ-દામજીભાઇ ધનજીભાઇ ખાંટ, ધનજીભાઇ ભોવાનભાઇ ધરસંડિયા, શારદાબેન કાંતીલાલ અને રોહિત કાંતીલાલ નામના સાત જેટલા ખેડુતોએ પોતાની વાડીમાં નર્મદાની પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરી અંદાજે સાતેય ખેડુતોની 90 વિઘા જેટલી જમીનોમાં વાવેતર કરી નાખ્યું હતું અને મોટાભાગના પાક પણ ઉતારી લીધો હતો.
પાણી પુરવઠા વિભાગની ચેકીંગ અને તપાસણી દરમીયાન અંદાજે જામજોધપુરને બે માસ સુધી આપી શકાય તેટલો પાણીનો જથ્થો ચોરી કરી લીધો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પાણી ચોરીના આ બનાવ અંગે ભાણવડના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જયદેવ ગુણવંતરાય સીહોરાએ સાતેય ખેડુતો સામે જામજોધપુર પોલીસ મથકમાં ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ 3(ર) તથા ઈપીકો કલમ 379,427,114 અને 430 મુજબ ફરીયાદ નોંધાવી છે જામજોધપુર પોલીસ આ બનાવ અંગે તપાસ શરૂ કરીછે.