આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બેની હત્યા

ચૂંટણીના વેરઝેર અને જુના મનદુ:ખના કારણે લોથ ઢળ્યાની ચર્ચા મોડી રાત્રે ત્રણ શખ્સોએ છરી-પાઇપના ઘા ઝીંકી ખેલી ખૂનની હોળી; અનીચ્છનીય પ્રત્યાઘાત ટાળવા સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પોરબંદર,તા.16
પોરબંદર નજીકના આદિત્યાણામાં ગત રાત્રે બે શખ્સોની ઘાતકી હત્યા થઇ છે. રાણાવાવ-આદિત્યાણા નગરપાલિકાના સુધરાઇસભ્ય સહિત બે ની ચુંટણી અને જુના મનદુ:ખના કારણે હત્યા થઇ હોવાની શકયતા છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ આદિત્યાણા નગરપાલિકા ભાજપના કાઉન્સીલર હાજા ઉર્ફે ટાડા વિરમ ખુંટી અને કાના ભુકા કડછા નામના આધેડને છરીઓના ઘા અને લોખંડના પાઇપો મારી હત્યા કરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હત્યા કરનારાઓમાં ત્રણ શખ્સો હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળે છે. રાણાવાવ પી.એસ.આઇ. પટેલ આ ઘટનાની વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવ ચુંટણથીના વેરઝેર અને જુની અદાવતના કારણે બનેલ હોવાનું માનવામાં આવે છે.
ઘટનાની જાણ થતા ભાજપના આગેવાનો પણ પોરબંદરની હોસ્પિટલે દોડી ગયા હતા અને કાર્યકરોના પણ ટોળા ઉમટ્યા છે. બીજી તરફ આદિત્યાણામાં પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા છે. હત્યારાઓ કોણ છે તે અંગે કોઇ વિગતો બહાર આવી નથી પરંતુ રાજકીય વેરઝેરને કારણે હત્યા થયાનું અને હત્યારા પણ રાજકીય માણસોજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કહેવાય છે કે, ગત ધારાસભાની ચૂંટણીવખતથી આ વિસ્તારમાં રાજકીય વેરઝેર વધ્યા હતા. ભાજપ - કોંગ્રેસ અને એન.સી.પી. વચ્ચે ખેલાયેલા ત્રિપાંખીયા જંગમાં એન.સી.પી. નો વિજય થયો હતો પરંતુ કાર્યકરો વચ્ચે રાજકીય વેરઝેર બંધાયા હતા.
આ અગાઉ પણ આદિત્યાણામાં ચૂંટણીના વેરઝેરમાં કોંગ્રેસના કાર્યકર એવા મુસ્લીમ પિતા-પુત્રની સરા જાહેર હત્યા થઇ હતી. આ વિસ્તારમાં રાજકીય હત્યાઓનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. એક રબારીના હાથ-પગ ભાંગી નાખ્યા?
આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બે લોકોની હત્યા ઉપરાંત અન્ય એક રબારી યુવકનાં પણ હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાનું અને તેને પણ ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે. મોડીરાત્રે એકાદ વાગ્યે આ ઘટના બની હતી.