કોમેડિયનની ટ્રેજિક હાલત: કપિલ શર્મા હાલ માનસિક તણાવમાં

અત્યારે તેની સ્થિતિ એવી છે કે રોજ 23 ગોળીઓ ખાવી પડે છે
મુંબઈ તા.16
કોમેડિયન કપિલ શર્મા હાલમાં માનસિક પ્રોબ્લેમ સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં તેણે એક જાણીતી વેબસાઇટના એડિટરને ગાળો આપી હતી. ત્યાર બાદ તે મીડિયાના નિશાન પર આવી ગયો છે. કપિલ લાંબા સમયથી માનસિક રીતે બીમાર છે. તેની માનસિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પોતાના કમબેક શોનું શૂટિંગ પણ કેન્સલ કરી દીધું. કપિલનાં આવાં વલણથી તેના કો-સ્ટાર પણ તેનાથી દૂર થઇ રહ્યા છે.
કપિલના નજીકના લોકો પણ તેની હેલ્થને લઇને પરેશાન છે. કપિલના એક નજીકના મિત્રએ જણાવ્યું કે હું તેની સાથે ઘણા લાંબા સમયથી કામ કરું છું, પરંતુ મેં તેની આવી હાલત કયારેય જોઇ નથી. અત્યારે તેની પરિસ્થિતિ એવી છે કે તેણે રોજ જુદા જુદા પ્રકારની ર3 ગોળીઓ ખાવી પડેે છે.કપિલ દિવસભરનો વધુમાં વધુ સમય સૂવા અને આરામ કરવામાં વીતાવે છે. કદાચ આ કપિલ માટે સૌથી સ્ટ્રેસફૂલ સમય છે. કપિલનું કહેવું છે કે તે પોતાના કમિટમેન્ટથી થાકી ગયો છે અને હવે તે થોડો આરામ કરવા ઇચ્છે છે. કપિલે એમ પણ જણાવ્યું કે તે જે પણ કામ કરે છે તે લાંબા સમય સુધી એન્જોય કરી શકતો નથી.
છેલ્લાં એક વર્ષથી તેની જિંદગીમાં બધું યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. સાથે સાથે તેની વિરુદ્ધ મીડિયામાં છપાઇ રહેલા નેગેટિવ સમાચારોથી પણ તે પરેશાન છે.
ઉલ્લેખનીય છે કે સોની ચેનલે આખરે કપિલ શર્માનો શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની ગેરહાજરીમાં એક નવો કોમેડી શો લાવવાની તૈૈયારીઓ થઇ રહી છે. આ શો કોમેડી સર્કસ પણ હોઇ શકે છે. આ માટે ચેનલે અર્ચના પૂરણસિંહ, કૃષ્ણ અભિષેક અને ભારતીસિંહનો એપ્રોચ કર્યો છે. શોનું શૂટિંગ આગામી અઠવાડિયે શરૂ થશે.