વર્તમાન આઈપીએલના સૌથી મોટા સ્કોર સાથે રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવ્યું

4 વિકેટે 217 રન : સંજુ સેમ્સને 45 દડામાં 10 છગ્ગા સાથે અણનમ 95 રન ઝુડી કાઢ્યા
કોહલી સેનાની પણ આક્રમક રમત પરંતુ 19 રનનું છેટું રહી ગયું
બેંગ્લુરુ તા,16
મેન ઓફ ધ મેચ સંજુ સેમસનના વિસ્ફોટક 45 બોલમાં અણનમ 92 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને 19 રને પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા. જે આઈપીએલની આ સિઝનમાં સૌથી મોટો સ્કોર હતો. 218 રનના ટાર્ગેટ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમ 20 ઓવરના અંતે છ વિકેટે 198 રન બનાવી શકી હતી.
કપ્તાન વિરાટ કોહલીની અર્ધસદી બાદ અન્ય ખેલાડીઓ લાંબી ઈનિંગ રમી શકયા નહોતા. આમ છતાં ટીમ 200 રનની નજીક પહોંચી ગઇ હતી. પરંતુ વિજયી લક્ષ્યાંક વેંચ એક છેંટો રહી ગયો હતો. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી આરસીબીની ટીમે પ્રથમ ઓવરમાં જ મેક્કુલમની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી અને ડીકોકે ટીમને સ્થિરતા આપતાં 77 રન જોડયા હતા. ડી કોક 26 રન બનાવી આઉટ થયા બાદ કોહલી પણ અર્ધી સદી નોંધાવ્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 57 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સ પર ટીમને જીત અપાવવાની જવાબદારી આવી હતી પરંતુ તે પણ 20 રન બનાવી આઉટ થયો હતો. નેગી ત્રણ રન બનાવી આઉટ થતાં આરસીબીએ 126 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
આ સમયે મનદીપે અણનમ 47 રન અને વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા પરંતુ લક્ષ્યાંક મોટો હોવાથી ટીમનો 19 રને પરાજય થયો હતો.
આ પૂર્વે રાજસ્થાન રોયલ્સ ટીમે અફલાતૂન બેટીંગનો નજારો પ્રસ્તુત કરી દર્શકોને ઝુમતા કરી દીધા હતા. સંજુ સેમસને 45 દડામાં બે ચોગ્ગા અને 10 છગ્ગા સાથે અણનમ 92 રન, કપ્તાન એજિન્ક્યા રહાણેએ 20 દડામાં 36, ઉપરાંત બેન સ્ટોક્સે 27 અને જોસ બટલરે 23 રન ફટકારી રાજસ્થાનનો સ્કોર 20 ઓવરને અંતે 4 વિકેટે 217 રને પહોંચાડી દીધો હતો.