કોમનવેલ્થ સંપન્ન: ભારતનું યાદગાર પ્રદર્શન

અત્યાર સુધીનો ત્રીજા ક્રમનો શ્રેષ્ઠ દેખાવ: 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે ભારત ત્રીજા સ્થાને ગોલ્ડકોસ્ટ તા.16
ગઇકાલે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલા આ વૈશ્ર્વિક રમતોત્સવમાં ભારતે કોમનવેલ્થના ઈતિહાસનું ત્રીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. માત્ર એટલું જ નહીં યુવા રમતવીરોએ અવનવા રેકોર્ડ પણ સજર્યા. દેશના ઉગતા નવા ખેલાડીઓને પ્રેરણા આપી શકે તેવું શાનદાર રમત પ્રદર્શન કરનાર
ભારતીય એથ્લેટો પર દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે તો વળી બીજી તરફ ‘નો નીડલ પોલિસી’ના ભંગ બદલ ભારતના બે એથ્લેટોને કોમનવેલ્થમાંથી હાંકી કાઢવામાં આવ્યા એ ઘટનાએ દેશ માટે નીચા જોણું પણ કર્યુ હતું.
21મી કોમલવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમે આજે ગોલ્ડ મેડલ જીતીને પૂરી કરેલી સોનેરી સફરમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે કુલ 66 મેડળ મેળવ્યા છે. જો કે, 2010માં દિલ્હી તેમજ 2002માં માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મેળવેલા ગોલ્ડ સહિતના મેડલ કરતા આ વખતે ઓછા મેડળ મળ્યા હોવા છતાં 1934થી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી ભારતીય ટીમે કુલ 500 મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે ભારતે આ ગેમ્સમાં કુલ 15 રમતોમાં ભાગ લઇ 9 ગેમ્સમાં 66 મેડલ મેળવી ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડ પછી ત્રીજુ સ્થાન મેળવ્યું છે.
21મી કોમનવેલ્થ ગેમ્સના આજે 11માં દિવસે ભારતે સાઈના નેહવાલના ગોલ્ડ સાથે સમાપન કર્યુ હતું. આ ગેમ્સમાં ભારતની પુરી થયેલી ગોલ્ડન સફરમાં 26 ગોલ્ડ તેમજ 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે કુલ 66 મેડલ મેળવ્યા છે. આ સાથે 1934 થી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી ભારતીય ટીમે કુલ 500 મેડલ પોતાના નામે કરી દીધા છે. આ ગેમ્સમાં ભારતે 2002માં માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 30 ગોલ્ડ, 22 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે મેળવેલા કુલ 69 મેડલ કરતા 3 મેડલ પાછા મેળવ્યા હતા. જયારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌથી વધારે 101 મેડલ ઘરઆંગણે 2010માં દિલ્હીમાં મેળવાયા હતા. જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36દ બ્રોન્ઝ મેડળ મેળવ્યા હતા. આમ છેલ્લી બન્ને કોમનવેલ્થ ગેમ્સ કરતા આ વખતે ગોલ્ડ અને સિલ્વર મેડલ ઓછા મળ્યા છે. જયારે 2014ની ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીતેલા 64 મેડલ કરતા આ વખતે 2 મેડલ વધારે મળ્યા છે. આજે આ ગેમ્સના છેલ્લા દિવસે ભારતની સાઈના નેહવાલે બેડમિન્ટનમાં ગોલ્ડ જીતી ભારતને 26મો ગોલ્ડ અપાવ્યો હતી તેની સામે હારી જનાર ભારતીની જ પી.વી. સિંધુને સિલ્વર મેડલ મળ્યો હતો. આ ગેમ્સમાં ભારતે સૌથી વધારે શુટીંગમાં 7 ગોલ્ડ સાથે કુલ 16 મેડલ જીત્યા છે જયારે વેઈટ લિફ્ટિંગમાં 5 ગોલ્ડ સાથે કુલ 9 મેડલ જીત્યા છે રેસલીંગમાં પણ 5 ગોલ્ડ સાથે કુલ 12 મેડળ મેળવ્યા છે. આ ગેમ્સમાં ભારતની પુરૂષ અને મહિલા હોકી ટીમને મેડલ વગર જ પરત ફરવું પડતા ભારે નિરાશા સાંપડી છે. કોમનવેલ્થ ગેમ્સમાંથી ચૂંટેલું... 1. પેરા એથ્લીટ સચિન ચૌધરીએ કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનાર પ્રથમ પેરા પાવરલિફ્ટર બન્યો.
2. મનિકા બત્રાએ ટેબલ-ટેનિસમાં ચાર મેડલ જીતી ભારતીય રેકોર્ડ બનાવ્યો.
3. સાઇનાએ બેડમિન્ટનમાં બે ગોલ્ડ જીત્યા, બે ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની.
4. 15 વર્ષના અનીશ ભાનવાલાએ સૌથી નાની વયે શૂટિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ એથ્લીટ બન્યો
5. મોહંમદ અનસે 0.20 સેક્ધડથી મેડલ ચૂક્યો પરંતુ તેણે નેશનલ રેકોર્ડ બનાવી મિલ્ખાસિંહને પાછળ છોડયા.
6. ભારતના બે એથ્લીટ રાકેશ બાબુ, ઇરફાન નો નીડલ પોલિસીમાં દોષિત સાબિત થતાં પ્રતિબંધ લગાવાયો
7. મેહુલી ઘોષે 10 મીટર એર રાઇફલમાં મેચ પૂર્ણ થયા પહેલાં ગન નીચે મૂકી હતી જેને કારણે ગોલ્ડ જીતવાનું ચૂકી હતી.
8. કોમનવેલ્થમાં ન્યૂઝીલેન્ડની ટ્રાન્સજેન્ડર વેઇટલિફ્ટરે પણ ભાગ લીધો હતો. તે ગોલ્ડ જીતી શકે તેમ હતી પરંતુ ઈજાને કારણે ખસી ગઈ હતી.
9. ભારતના 66 મેડલ પૈકી હરિયાણાના એથ્લીટ્સે સૌથી વધુ 22 મેડલ જીત્યા હતા.
10. ગુજરાતના સુરતના હરમિત દેસાઈએ ટેબલ ટેનિસમાં 2 મેડલ મેળવ્યા જેમાં 1 ગોલ્ડ ટીમ ઈવેન્ટમાં અને 1 બ્રોન્ઝ ડબ્લસ ગેમનો સમાવેશ થાય છે.