જેતપુરમાં પ્રેમીપંખીડાંનો સજોડે આપઘાત

પ્રેમની વેદી પર વધુ એક યુગલે જીવન ટૂંકાવ્યું કારખાનામાં સાથે કામ કરતા પ્રેમ પ્રાંગર્યો; સમાજ એક નહીં થવા દે તેવી દહેશતથી સગીરા અને યુવકે સજોડે ઝેરી દવા પી મોત માંગતા અરેરાટી
જેતપુર,તા.16
જેતપુરનાં નવાગઢમા સાડીના કારખાનામાં કામ કરતાં ડફેર યુવાન અને સગીરવયની રાવલદેવ સમાજની યુવતિ એક-મેકનાં પ્રેમમાં હતા પરંતુ સમાજ એક નહી થવા દે તેવી બીકે આજે બંન્ને પ્રેમી-પ્રેમીકાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામેલ છે.જેતપુરના નવાગઢમાં ઈદ મસ્જીદ પાસે રહેતા રમીજ જુમા લાકડ ડફેર ઉ.વ.રર અને ભાવના રાજુ વાવડીયા રાવલદેવ ઉ.વ.17 બંન્નેએ રમીજના ધેરે પહેલા ઝેરી દવા પીધી અને પછી દુપટાનો ફાંસો લગાવી બંન્નેએ આત્મહત્યા કરી લેતા પંથકમા ચકચાર મચી છે.
બનાવ અંગે માહીતી આપતા જેતપુર સીટી પીએસઆઈ ચાવડા જણાવે છે કે નવાગઢમા ઈદ મસ્જીદ પાસે રમીજ રહે છે અને તેના ઘરની થોડે દુર ભાવના પરીવાર સાથે રહે છે. આજે સવારે ભાવનાના મા બાપ ઉઠયા ત્યારે ભાવના પથારીમા ન હતી તેથી તેઓ તપાસ કરવા લાગ્યા કે ભાવના સવારના પહોરમાં કયાં ગઈ છે. ત્યારે રમજના ઘરે તેની માતાએ રમીજનાં રૂમનો દરવાજો ખોલતા ઘરની આડસ પર દુપટાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બંન્નેના મૃતદેહ લટકતા હતા. તુરત આજુબાજુવાળાઆને બોલાવી અને સીટી પોલીસને જાણ કરી બંન્નેની લાશ નીચે ઉતારી હતી. પડોશીઓ ભાવનાને ઓળખી જતા તુરત ભાવનાને ઘેર જાણ કરતાં ભાવનાના માતાપિતા દોડી આવ્યા હતા.
આ બંન્ને વચ્ચે લાંબા સમયથી પ્રેમ હતો પણ તેના કુટુંબીજનોને આ બાબતે કોઈજ જાણ ન હતી. રમીજ સાડીના કારખાનામાં કામ કરતો હતો. બંનેએ કયાં કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ જાણવા મળ્યુ નથી.
પોલીસ એવુ અનુમાન કરે છે કે બંન્નેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી તેમના લગ્ન થઈ શકે તેમ ન હોવાનું માનીને અત્મહત્યા કરી હશે. આ બનાવની તપાસ જેતપુર સીટી પીએસઆઈ ચાવડા કરે છે.