અમેરિકા પરિણામ ભોગવવા તૈયાર રહે: રશિયાનો ધ્રુજારો

મોસ્કો,તા.16
અમેરિકી નેતૃત્વ હેઠળ મિત્રદેશોએ શનિવારે સીરિયા પર કરેલા હવાઈ હુમલાની નવી તસવીરો સામે આવી છે. તસવીરો કહે છે કે ત્રણ મથકો તબાહ થયાં હતાં, સીરિયાના પ્રમુખ અસદે કરેલા રાસાયણિક હુમલામાં 75 લોકો માર્યાં ગયાં પછી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ, બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે અને ફ્રાન્સપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને તેના જવાબમાં રાસાયણિક હુમલો કર્યો હતો.
સીરિયામાં હવાઈ હુમલાને પગલે ભારે નુકસાન થયું હતું. સીરિયાના રાસાયણિક શસ્ત્રકાર્યક્રમને તેથી કરીને ફટકો પડયો હતો. મિસાઇલહુમલાએ દમાસ્કસના પરાવિસ્તારમાં આવેલાં વિજ્ઞાનસંશોધન સેન્ટર, બાઝરાહ રિસર્ચ સેન્ટર અને અન્ય બે મથકોને ઉડાવી દીધાં હતાં.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયા સામે લશ્કરી પગલાં લેતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પરિણામો ભોગવવા ચેતવણી આપી દીધી છે. ગઈ કાલે થયેલા હવાઈ હુમલા સીરિયા પરનું આક્રમણ હોવાનું કહેતાં રશિયાએ જણાવ્યું હતું કે આ હુમલાને પગલે સીરિયામાં માનવીય મુશ્કેલીઓ વધશે અને આંતરરાષ્ટ્રીય સંબંધ શૃંખલામાં પણ વિધ્વંસક અસરો
સર્જાશે. પરંતુ ટ્રમ્પે તો ચીમકી આપી છે કે સીરિયાશાસન ફરી રાસાયણિક શસ્ત્રનો ઉપયોગ કરશે તો ફરી હવાઈ
હુમલા કરવામાં આવશે.
હાઉસ ઓફ કોમનમાં મતદાન વિના જ સીરિયા સામે પગલાં લેવા બદલ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની આલોચના થઈ રહી છે ત્યારે બ્રિટિશ વિદેશપ્રધાન બોરિસ જોન્સને બ્રિટનના નિર્ણયની તરફદારી કરતાં જણાવ્યું હતું કે જંગલિયાત સામે પગલાં લેવાં અનિવાર્ય બની રહ્યાં હતાં. હવાઈ હુમલા તપાસ વિના જ થયા: રશિયા
રશિયાના પ્રમુખ પુતિન મિત્ર દેશોના હવાઈ હુમલાની ટીકા કરતાં કહી રહ્યા છે કે રાસાયણિક શસ્ત્ર પર નજર રાખી રહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા સીરિયામાં તેનાં રાસાયણિક શસ્ત્રો અંગેની તપાસ થાય તે પહેલાં જ સીરિયા પર હવાઈ હુમલા થઈ રહ્યા છે. રશિયાના લશ્કરી નિષ્ણાતને હુમલાના પુરાવા મળતા નથી. સીરિયા પર થયેલા હવાઈ હુમલાને વખોડી કાઢવા સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા સમિતિમાં મૂકવામાં આવેલી રશિયાની દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી. માત્ર ચીન અને બોલિવિયાને બાદ કરતાં રશિયાની દરખાસ્તને સમર્થન પ્રાપ્ત નહોતું થયું. અમેરિકી રાજદૂત નિકી હેલીએ જણાવ્યું હતું કે સીરિયા ફરી રાસાયણિક હુમલા કરશે તો ફરી મિસાઇલ હુમલા થશે.