તોગડિયાને વર્ષો પછી ડહાપણની દાઢ કેમ ફૂટી? । તંત્રી લેખ

આખરે વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી ડો. પ્રવિણ તોગડિયાનું બોર્ડ પતી ગયું. આમ તો નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં છવાઈ ગયા ને વડા પ્રધાન બન્યા ત્યારથી જ તોગડિયાના વસમા દાડા શરૂ થઈ ગયેલા પણ વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો તેમની પાસે હતો તેમાં તેમનું નામ ચાલ્યા કરતું. શનિવારે તેમનો એ ગરાસ પણ લૂંટાઈ ગયો ને જસ્ટિસ કોકજે વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિમાયા તેમાં તોગડિયા સાવ રસ્તા પર આવી ગયા. જસ્ટિસ કોકજેને રોકવા તોગડિયાએ પોતાના માણસ રાઘવ રેડ્ડીને મેદાનમાં ઉતારેલા પણ રેડ્ડી ભૂંડી રીતે હારી ગયા ને એ સાથે જ તોગડિયાનું બોર્ડ સાવ પતી ગયું. કોકજેએ તાબડતોબ પોતાની નવી ટીમ જાહેર કરી નાખી ને તેમાં તોગડિયા કે તેમના ભાયાતોમાંથી કોઈ નથી.
તોગડિયા માટે આ ઘા બહુ મોટો છે ને એ સર્વસ્વ ગુમાવી ચૂક્યા છે. હાર્યો જુગારી બમણું રમે એ હિસાબે પછડાયેલા તોગડિયા પૂરી તાકાતથી મેદાનમાં કૂદ્યા છે ને તેમણે નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ એલાન-એ-જંગ કરી દીધો છે. મોદી સામે એ છેલ્લા છ-આઠ મહિનાથી બોલતા તો હતા જ પણ એ વખતે થોડા માપમાં હતા. હવે તેમણે બધી શરમ બાજુ પર મૂકી છે ને જે જીભે ચડ્યું એ ભરડવા માંડ્યું છે. નરેન્દ્ર મોદીએ હિંદુવાદીઓનો ઉપયોગ સત્તા મેળવવા માટે કર્યો ત્યાંથી માંડીને રામમંદિર મામલે એ લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે ત્યાં લગીના આક્ષેપો તેમણે કર્યા છે. ગુજરાતનાં 2002નાં રમખાણો વખતે હિંદુવાદી કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયેલા તેવા આક્ષેપો તેમણે કર્યા છે. તોગડિયાએ ઢગલો આક્ષેપ કર્યા છે ને એ બધા આક્ષેપની વાત કરવી શક્ય નથી. સાથે સાથે તેમણે એવાં રોદણાં પણ રડ્યાં છે કે, પોતે રામમંદિર માટે કાયદો બનાવવાની વાત કરી તેમાં પોતાનો ઘડોલાડવો કરી દેવાયો. તોગડિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્તાહર્તા મોહન ભાગવતને પણ લપેટમાં લીધા છે. તોગડિયાનો દાવો છે કે, ભાગવતે તેમને બોલાવીને હૂલ આપેલી કે કાં રામમંદિર માટે સંસદમાં કાયદો લાવવાની વાત છોડી દો કાં વિશ્ર્વ હિન્દુ પરિષદ છોડી દો. તોગડિયાએ તો એવો દાવો પણ કર્યો છે કે પોતાની પાસે આ વાતના પુરાવા પણ છે. તેમણે તેનું રેકોર્ડિંગ પણ કરેલું છે ને સમય આવ્યે પોતે આ પુરાવા પણ જાહેર કરશે. તોગડિયાએ રામમંદિરના નિર્માણથી માંડીને સમાન સિવિલ કોડ સહિતના મુદ્દે 17 એપ્રિલથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરવાનું એલાન પણ કરી દીધું.
તોગડિયાએ જે કંઈ કહ્યું એ વાતો સાચી છે કે નહીં તેની ચોવટમાં આપણે નથી પડતા પણ તોગડિયાને અત્યારે ડહાપણની દાઢ ફૂટી છે એ જોઈને ખરેખર હસવું આવે છે. તોગડિયા અત્યારે આ બધું ડહાપણ ડહોળે છે કેમ કે તેમને તગેડી મુકાયા છે. બાકી અત્યાર લગી એ કશું બોલતા નહોતા. છ મહિના પહેલાં મીડિયાએ મોંમાં આંગળાં નાખીને બોલાવ્યું ત્યારે તેમણે મમરો મૂકેલો કે, સરદાર પટેલે જે રીતે સંસદમાં કાયદો પસાર કરાવડાવીને સોમનાથ મંદિરનું નિર્માણ કરાવેલું એ રીતે મોદીએ પણ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવવું જોઈએ. એ સિવાય તોગડિયા મોંમાં મગ ઓરીને બેઠા હતા ને રામમંદિરનો ર પણ નહોતા બોલતા. સમાન સિવિલ કોડ તો તેમને યાદ જ નહોતો આવતો. તેના બદલે એ બીજી બધી પત્તરો ખાંડ્યા કરતા. મોદી છેલ્લાં ચાર વર્ષથી વડા પ્રધાન છે ને તોગડિયા ચાર વર્ષ લગી શું કરતા હતા? ચાર વર્ષ લગી તેમને કશું યાદ ના આવ્યું ને હવે અચાનક જ તેમની યાદદાસ્ત પાછી આવી ગઈ છે. અચાનક જ તેમને રામમંદિર ને સમાન સિવિલ કોડ ને બીજું બધું યાદ આવી ગયું છે. અચાનક જ તેમને યાદ આવી ગયું છે કે, ભાજપે રામમંદિર ને હિંદુત્વના નામે આખા દેશના હિંદુઓને દુ બનાવ્યા છે. તોગડિયાએ 2002નાં રમખાણોમાં સંડોવણીના નામે 300 હિંદુવાદીઓને જેલમાં સબડવા દેવાયા એવું પણ કહ્યું છે. આ તો વાતો 15 વર્ષ જૂની છે ને મોટો સવાલ એ છે કે 15 વર્ષ લગી તોગડિયા ક્યાં ઊંઘી ગયેલા? હિંદુવાદી કાર્યકરોને વગર વાંકે નરેન્દ્ર મોદીની સરકારે જેલમાં ગોંધી રાખેલા તો તોગડિયાએ એ વખતે કેમ અવાજ ના ઉઠાવ્યો? એ પોતાને હિંદુઓના હમદર્દ ગણાવે છે તો પછી નિર્દોષ હિંદુઓને તેમણે શા માટે જેલમા સબડવા દીધા? એ વખતે મોદી નવાસવા મુખ્યમંત્રી બનેલા અને તોગડિયાનું બહુ ઊપજતું હતું તો તોગડિયાએ એ બધા હિંદુઓને કેમ રામભરોસે કે મોદીભરોસે છોડી દીધા? તોગડિયાએ મોદી સામે આક્ષેપો કરવાના બદલે આ સવાલોના જવાબો આપવા જોઈએ. તોગડિયાએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે, મોહન ભાગવતે તેમને રામમંદિરનો મુદ્દો છોડી દેવા રીતસર દાટી આપેલી ને પોતાની પાસે તેનું વીડિયો રેકોર્ડિંગ છે. સવાલ એ છે કે તોગડિયા શા માટે આ રેકોર્ડિંગ જાહેર કરતા નથી? એ કયા મૂરતની રાહ જોઈ રહ્યા છે?
તોગડિયા હવે ઉપવાસનું નાટક કરવાના છે. એ ખરેખર ઉપવાસ કરે છે કે પછી અત્યાર લગી બનતું આવ્યું છે તેમ લોકોને ઊંધા પાટે ચડાવવા માટે નવી ગોળી ગળાવે છે તેની ખબર બે દાડામાં પડી જશે પણ તોગડિયાના હૈયે ખરેખર હિંદુઓનું હિત વસ્યું હોય તો તેમણે આ બધા ઉધામા મૂકીને હિંદુઓના હિતમાં કામ કરવું જોઈએ. હવે તેમને ખરેખર બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય તો તેમણે આ પાપનું પ્રાયશ્ર્ચિત કરવું જોઈએ ને હિંદુઓનું હિત કરીને પોતાનાં પાપ ધોવાં જોઈએ.
આ દેશમાં હિંદુઓ માટે કરવા જેવાં ઘણાં કામ છે. ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા પ્રશ્ર્નોમાં હિંદુઓ પિસાઈ રહ્યા છે ને આ પ્રશ્ર્નો ઉકેલવા માટે કશુંક કરવું જોઈએ. આ દેશમાં રામમંદિર નહીં બને તો લોકો કાચું ખાવાનું નથી પણ આ બધી તકલીફોના કારણે તેમની જિંદગી હરામ થઈ ગઈ છે એ સત્ય તોગડિયા સમજે તો સારું. હજુ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર.