દેશ માટે ચીન, પાક.ને પણ પાઠ ભણાવીશું: મુસ્લિમ સંગઠનો

બિહારની રાજધાની પટનામાં લાખ્ખો મુસ્લિમ બિરાદરોનું મહા સંમેલન
પટના,તા.16
બિહારની રાજધાની પટનાનાં ગાંધી મેદાનમાં ઈમારત શરિયા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં સંયુક્ત ઉપક્રમે દીન (ધર્મ) બચાવો, દેશ બચાવોનાં નારા સાથે લાખો મુસ્લિમો ઊમટી પડયા હતા. આ બંને સંગઠનોએ લોકોને ધર્મ બચાવવા રસ્તાઓ પર ઊતરી આવવાની હાકલ કરી હતી. જો કે આ બંને સંગઠનોએ તેમને કોઈ રાજકીય પક્ષનું પીઠબળ હોવાની શક્યતાને નકારી કાઢી હતી. મુસ્લિમ નેતાઓએ કેન્દ્ર સરકારને દેશમાંથી લઘુમતીઓ માટે ભયનો માહોલ દૂર કરવા અપીલ કરી હતી. રેલીને સંબોધતા અમીર એ શરિયત મૌલાના વલી રહેમાને કહ્યું હતું કે, આ સંમેલનનો હેતુ હિંદુ અને મુસ્લિમો વચ્ચે સૌહાર્દ અને ભાઈચારો સર્જવા અને આમાં અવરોધો નાખતા લોકો સામે સાવચેત કરવાનો છે. મુસ્લિમ નેતાઓએ સરકારનાં સબ કા સાથ સબ કા વિકાસનાં નારાને બોગસ અને બનાવટી ગણાવ્યો હતો. દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે અને તેમની ફરિયાદો બહેરા કાને અથડાય છે તેવા આક્ષેપો કરાયા હતા. મૌલાના મસૂદ રહેમાનીએ કહ્યું હતું કે, સરકાર સમજી લે કે સત્તા બદલાશે, જમાનો બદલાશે પણ શરિયત નહીં બદલાય. દેશમાં બ્લેક મની તો આવ્યું નહીં પણ વ્હાઈટ મની બહાર જાય છે. લોકોનાં ખાતામાં 15- 15 લાખ આવ્યા નહીં અને જે પૈસા હતા તે પણ પડાવી લીધા. સરકાર ટ્રિપલ તલાક અને હલાલાનો મુદ્દો ઉઠાવીને મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે દોરી રહી છે.
કાર્યક્રમમાં મૌલાના અબુ તાલીમ રહેમાનીએ કહ્યું હતું કે ડોકા લાથી માંડીને દેશની અન્ય સરહદો પર તહેનાત જવાનોની સરકાર જ્યારે કદર કરે અને ફક્ત એક વખત અમને કહે તો અમે અમારા સંતાનોને મદરેસાઓમાંથી બહાર કાઢીને કફન પહેરવા બોર્ડર પર મોકલીશું. ભારતનાં મુસ્લિમો ભૂખ્યા રહેશે પણ દેશનો સોદો ક્યારેય નહીં કરે. અમે દેશને બચાવીશું અને જરૂર પડે તો પાકિસ્તાન સામે પણ લડીશું. અમારી એક રિઝર્વ ફોર્સ ઘરમાં છે જે અમારી પત્નીઓ છે. જરૂર પડે તો તે પણ લડવા તૈયાર થઈ જશે. ઈમારત શરિયાનાં નઝીમ અનીસુર રહેમાન કાસમીએ કહ્યું હતું કે આ એક બિનરાજકીય કાર્યક્રમ છે. જેને રાજકારણ સાથે જોડવામાં આવે નહીં. રેલીમાં શાંતિ જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રિપલ તલાકના કાયદા પછી દેશભરમાં મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. હવે ઈમારત શરિયા અને મુસ્લિમ લો બોર્ડ દ્વારા લોકોને ધર્મ બચાવો દેશ બચાવોનાં ઉદેશ સાથે રસ્તાઓ પર આવવા હાકલ કરાઈ હતી. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, બંધારણ અને ઈસ્લામ ખતરેમેં હૈના મુદ્દા સાથે મુસ્લિમોને જાગ્રત કરવા આ રેલી યોજાઈ હતી. હાલની સરકારમાં મુસ્લિમોનાં પર્સનલ લો પર હુમલા
બોર્ડનાં મહાસચિવ મૌલાના વલી રહેમાને કહ્યું હતું કે, અમે ચાર વર્ષ સુધી રાહ જોઈ અને એવી આશા રાખી કે ભાજપ અને તેની સરકાર બંધારણ મુજબ દેશ ચલાવતા શીખશે. પણ હાલની સરકારમાં મુસ્લિમોનાં પર્સનલ લો પર હુમલા થઈ રહ્યા છે. અમારે મુસ્લિમો અને દેશવાસીઓને બતાવવું પડે છે કે દેશની સાથે સાથે ઈસ્લામ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.