જાતિય દૂરાચાર: કાયદો તો ધરાર-ધણી થઇ બેઠેલાની ‘રખેલ’ જેવો છે!

જથી 8-10 વર્ષ પહેલા રાજકોટમાં ‘બેટી બચાવ, બેટી પઢાઓ’ના ઉભરા સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સૌને સારું દેખાવું હતું. એમાં એક જમાત ડોકટરોની પણ હતી. તેઓએ સ્ત્રીભૃણ હત્યાનાં વિરોધમાં એક સોવેનિયર બહાર પાડયું હતું જેમાં તજજ્ઞ તબીબો, માનવાધિકારના ચળવળકારો અને અગ્રણી લેખકો, નિવાસી તંત્રી કે તંત્રીઓનાં લેખો પ્રકાશિત કરાયા હતા. એક લેખ મારા ખાતે પણ આવ્યો હતો. આજે આ બાબત યાદ કરવાનું કારણ છે. જે-તે વખતે સ્ત્રી ભૃણ હત્યાની વાત હતી. આજે સ્ત્રીઓ (રાધર, બાળકીઓ) પર બળાત્કાર કરી હત્યા કરી નાખવાની વાત છે. મુદ્દા સમાન છે અને ઉકેલ પણ હાથવગા હોવા છતાં ચારેકોર દેકારા-દેખાડા જુદા થઇ રહ્યાં છે. સ્ત્રી ભ્રુણ હત્યા ‘સોવેનિયર’થી અટકે કે ડોકટરો ખુદ એ પાપથી દુર રહે તો અટકે ? સ્ત્રીના ગર્ભાશયમાં બાળક(છોકરો) છે કે બાળકી (છોકરી) એ ડોકટર સિવાય રાધર સોનોગ્રાફી સહિતની લેબોરેટરીવાળા સિવાય કોને ખબર પડે ? જો આટલા લોકો જ આ પાપ નહીં કરવાનું પ્રણ લે તો સ્ત્રીભૃણ હત્યાનો મુદ્દો જ નાબૂદ થઇ જાય. આપણે બધ્ધા જ જાણીએ છીએ કે તમામ તબીબો આ બાબતે પાક સાફ નથી. એવી જ રીતે હાલની નાની બાળકીઓ પરની બળાત્કારની સમૂચા દેશને શર્મશાર કરતી ઘટનાઓની ચૌ-મેર વિરોધ થઇ રહ્યો છે. પોતાનાં શાસનકાળ દરમિયાન નિર્ભયા કાંડ (જેના દોષીઓને હજી સુધી સજા થઇ નથી) જેવા જધન્ય અપરાધ વેળા ખામોશ રહેલા રાહુલ ગાંધી આણી મંડળી એકાએક મધરાત્રે દિલ્હીમાં કેન્ડલ માર્ચ કાઢે છે. શનિવારે અમદાવાદમાં મુસ્લિમ સમાજે જબરી રેલી કાઢી. તેઓ કાશ્મીરના કઠૂઆની બાળા પર થયેલા કહેવાતા રેપ વીથ મર્ડરની ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. આવી જ ઘટના આપણાં ગુજરાતનાં સુરતમાં પણ બની હોવાની વિગતો જાહેર થઇ છે. કોઇ અજાણી બાળકી ઇજાના 86 નિશાન સાથે મૃત હાલતમાં મળી. પોલીસ કમિશ્નર સતિષ શર્માને એ ખબર નથી કે બાળકી કયાંની અને કોણ છે પણ બળાત્કારીઓ પશ્ર્ચિમ બંગાળ કે ઓરિસ્સાનાં છે તેવું કહી દીધું. કયા આધારે ઇ રામ જાણે. ત્રીજી ઘટના ઉ.પ્રદેશના ઉન્નાવ જિલ્લાની છે જેમાં આરોપ ભાજપનાં ધારાસભ્ય પર છે. આમ સુરત (ગુજરાત), ઉન્નાવ (ઉ.પ્રદેશ) અને કઠુઆ (જમ્મુ-કાશ્મીર)ની ત્રણ ઘટનાએ અત્યારે દેશભરમાં ઊહાપોહ મચાવ્યો છે. ઉન્નાવ (ઉ.પ્ર.) અને કઠુઆ (કાશ્મીર)માં શાસક પક્ષ ક્ધફયુઝનમાં છે. એટલે વિપક્ષોનો આરોપ છે કે આરોપીઓને જાણી જોઇને છાવરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં મહિલા આયોગના એક અગ્રણી મહિલાએ ભુખ હડતાલ શરૂ કરી. માગણી કરી રહ્યા છે કે આરોપીને ફાંસી આપો. આપણે ત્યાં લોકતંત્ર છે પણ તેનો અર્થ હવે બદલતો જાય છે. લોકતંત્રની ખરી વ્યાખ્યા એટલે કાયદાનું રાજ. ઘટના કોઇપણ હોય, આરોપી ગમ્મે તે હોય, કાયદો તમામ માટે સરખો અને કાયદો કોઇની શેહશરમ કે બહેકાવામાં ન આવે પરંતુ હવે લોકતંત્રનો બીજો અર્થ પણ વધુ અસરકર્તા થતો જાય છે. લોકો કહે તેવું કરવા તંત્રને મજબૂર કરવું તે ! પ્રેકિટકલ ભાષામાં તેને પિપલ ટ્રાયલ કે મીડિયા ટ્રાયલ પણ કહેવામાં આવે છે. બળાત્કાર જેવી ઘટનામાં કોઇ રાજકીય ઠુંઠું સંડોવાય ત્યારે જ અમુક લોકોને માનવાધિકાર અને અપરાધ વિરોધી જૂવાળ ફાટી નીકળે તે કેવું કહેવાય ? એક સર્વે મુજબ દેશમાં દર 14 મિનિટે બળાત્કારની એક ઘટના બને છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલ મુજબ દેશમાં દર 1 કલાકે બળાત્કારની 4 ઘટના બને છે. છેલ્લા 4 વર્ષમાં 33 ટકા જેવો વધારો થયો છે. આ તમામ ઘટના ભયંકર હોય છે. દેશમાં રોજ લગભગ 107 મહિલા તેનો શિકાર બને છે. રાજકીય પક્ષો અને મહિલા આયોગો આવી તમામ ઘટના બાબતે ચિંતા કેમ વ્યકત નથી કરતા ? જાતિય દુરાચારની ઘટનાનાં ઝડપી નિકાલ માટે દેશમાં ર7પ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. આમ છતાં નિવેડા આવતા નથી. દેશભરની ઉચ્ચ અદાલતો (હાઇકોર્ટો)માં 31,386 જેટલા કેસો આજેય પેન્ડીંગ પડયા છે. 33ર થી વધુ તો સુપ્રીમ કોર્ટમાં છે. દેશની નીચલી અદાલતોમાં આ સંખ્યા 9પ000 થી વધુ છે. ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ એકટ (ર013) કહે છે કે બળાત્કાર જેવી ઘટનાની સુનાવણી ઝડપથી અને અમુક નિશ્ર્ચિત સમય મર્યાદામાં જ પુરી થવી જોઇએ પણ આવું થતું નથી. ખરો સડો આ પણ છે અને બીજો સડો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન દ્વારા પીરસાતી ગંદકીનું હાથવગું બનવું તે છે. હવેનું શિક્ષણ "સરસ્વતી-મંદિરોમાં ઓછું ને કહેવાતી હાઇ-ફાઇ (મોર્ડન) સ્કુલોમાં વધુ અપાય છે. નૈતિકતાનો છાંટો ન રહે તેવી સામગ્રી તમામ માધ્યમો પીરસી રહ્યા છે. કુમળી વયનાં બાળકોથી માંડી તરૂણોની હાજરીમાં કોન્ડોમ્સની અત્યંત ઉત્તેજનાપૂર્ણ જાહેરાતો આપણે ટીવીના પડદે છડેધાડ જોવા મજબુર છીએ. બાકી હતું તે સ્માર્ટ ફોને પુરૂ કર્યુ. માવતર કેટલે સુધી ધ્યાન રાખે ? 10-1પ વર્ષની દીકરી કે દીકરો ગોદડું ઓઢી સ્માર્ટ ફોનમાં શું જુએ તેનું કેમ ધ્યાન રાખવું ? આજનો તામસી ખોરાક પણ આગમાં ઘી હોમવાનું કામ કરે. આખો સિનારિયો (માહોલ) પકટાઇ ગયો છે.
વાસનાનો ઝંઝાવાત સર્જાયો છે. તેની અડફેટેથી કોણ બચે ? સંસ્કાર, મર્યાદા, લજ્જા, ચારિત્ર્ય, સંયમ વગેરેનો સ્ટોક યા તો ખલ્લાસ થઇ ગયો યા તો આઉટ ઓફ ડેટ થઇ ગયો. ફાસ્ટ ફુડની જેમ દરેકને ઓન-ધ-સ્પોટ બધ્ધું જ પામી લેવું છે. બળાત્કારોની ઘટના વધવાના ખરા કારણો આ છે. એકલદોકલ કિસ્સામાં કોઇને ફાંસી આપવા માત્રથી આ સડો નાબૂદ થાય તેમ માનવું વધુ પડતું છે. તેનો અર્થ અપરાધીને જતા કરવા એવું કહેવાનો કદાપિ નથી પરંતુ જાતિય દૂરાચારના રોગને નાબૂદ કરવા દરેકે સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે. બળાત્કારની જધન્ય ઘટના પર રાજકિય ભાખરી શેકવા રેલા-રેલી કાઢનારાઓએ તરૂણો-યુવાનોને સંયમમાં રહેવાની શીખ આપતી ‘કૂચ’ પણ કાઢતી રહેવી જોઇએ. મનોવિકાર નાબૂદ કરે એ કોઇ કાયદાની તાકાત નથી. કાયદાની પરીભાષામાં અપરાધ એ ગણાય જે પૂર્વઆયોજિત, અમૂક ચોક્કસ પ્રકારની વ્યકિત કે ગેંગ દ્વારા કેવળ વૃતિગત કરવામાં આવે. આવા કિસ્સા અટકાવવામાં નિષ્ફળ જાય તો કાયદો-વ્યવસ્થા પડી ભાંગ્યા ગણાય પરંતુ ખાટી આંબલી જોઇને મોંમાંથી લાળ વછુટતી નાથવી એ કાયદાથી ઉપરની સંસ્કારની અને સ્વયં શિસ્તની વાત છે. લગભગ અઢીસો વર્ષ પૂર્વે ભગવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં લખ્યુું કે બાપ અને દીકરી કે મા અને પુત્ર એ પણ એકાંતમાં ન રહેવું. તેનો અર્થ કે એકાંત સ્વયં એક ભયંકર બૂરાઇ છે. આજનાં યૂગમાં એકાંતનું સ્થાન ‘ઉઘાડા-પન’એ લીધું છે. હવે કશું ઢાંક્યુઢૂબ્યું રહ્યું નથી. સંભોગ જે ક્યારેક સાધના જેવી અંગત બાબત હતી હવે જાહેર ચર્ચાનો વિષય છે. આ સંજોગોમાં ગમ્મે તેવો કાયદો ટૂકો પડવાનો. સંતાનોને સંયમમાં રહેતા શીખવવાનો સામૂહિક પ્રયાસ જ તેનો ખરો ઉકેલ છે. જે વાત સમજણથી ઉકેલાય તે ડરથી ઉકેલાવાની નથી. સરકારી તંત્ર પર નિષ્ફળતાનાં આક્ષેપ કરવાથી સમાજની બૂરાઇઓ નાબૂદ કરવામાં સફળ થવાશે નહીં. કેમકે જે કંઇ ભોગવવાનું છે તે આપણે છે. સરકાર તો આવે ને જાય. ઇજ્જત પાછી મળે ખરી? જૂની કાઠિયાવાડી લોકવાર્તાની ભાષામાં કહીએ તો રા’રાખીને વાત કરવામાં જ સાર છે. કાયદો, બાયદો કંઇ ‘હાહ’ ઘાલી દેવાનો નથી! ગુજરાતનાં સુરતથી લઇ ઉ.પ્ર.ના ઉન્નાવ અને કાશ્મીરના કઠુઆની બળાત્કારની ઘટનાઓએ દેશભરમાં ઉહાપોહ સર્જ્યો છે. જો કે ઉકેલ ‘ભીતર’ પડ્યો છે અને લોકો કાયદાના ભરોસે બેઠા છે! એક બળાત્કારીને ફાંસી આપવી એ બીજા બળાત્કારી પેદા નહીં થાય તેની ગેરંટી આપતી નથી. ઇન્ટરનેટનું "ઉઘાડુ આકાશ અને તામસી ખોરાકે દાટ વાળ્યો. અધ્યાત્મ અને સંસ્કારનાં તળ ખૂટયાં. કયાંથી મેળ પડે? કદી છે અશ્રુ આંખોમાં, કદી છે બળતરા દિલમાં, જીવન એકકોર જ્યોતિ છે તો બીજીકોર જવાલા છે,
મરણ શું છે? નિરાશાનો વિજય છે, શુન્ય આશા પર, જીવન શું છે ? અધૂરી વાસનાની એક ગાથા છે!