વગદારો સાથે સંબંધો વિકસાવવા કરાવાતું હતું ગેરકાયદે સિંહદર્શન

સિંહદર્શન વીડિયો ક્લિપ પ્રકરણના આરોપીની કેફિયત શંકાસ્પદ રોજમદારોને પાણીચું આપવા વનતંત્ર દ્વારા બનાવાતું લિસ્ટ
વસૂકી ગયેલા ઢોર ખરીદી અભયારણ્ય બોર્ડર પાસે મારણ તરીકે મુકાતા હતા
જુનાગઢ, તા. 16
જુનાગઢના સિંહ દર્શનની વાયરેલ થયેલી વીડીયો કલીપના પ્રકરણમાં વન વિભાગ સતર્ક બન્યો છે. વન વિસ્તારમાં સખત અનેક કડક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, તો શંકાસ્પદ જણાતા રોજમદાર કર્મચારીઓને પાણીચું આપવા માટે અંદરખાને લીસ્ટ બનતુ હોવાનું સંભળાય છે ત્યારે આરએફઓ પુત્ર સોહેલ ગરાળા પાસેથી વન વિભાગે મેળવેલી હકીકતો મુજબ વગદારો સાથે સંબંધો વિકસાવવા અને મોજ મજા માટે જ સિંહ દર્શન થતુ હોવાનું બહાર આવ્યું છે.
ગેરકાયદેસર સિંહ દર્શન અંગે વન વિભાગે અત્યાર સુધીમાં બે શખ્સોની ધરપકડ કરી હતી જેમાં મુખ્ય આરોપી સોહેલ બશીર ગરાળાની વન વિભાગે બે જુદા જુદા ગુનામાં ધરપકડ કરી હતી અને હાલમાં તે જામીન મુકત થયેલ છે પરંતુ બે દિવસના રીમાન્ડ દરમ્યાન સોહેલે આપેલ કેફીયત મુજબ આ પ્રવૃતિને મોજ મજા માટે કરતો હતો અને જે બીજા નામો ખુલ્યા છે તેઓ વગદાર માણસો સાથે સંબંધો વિકસાવવા અને પોતાના કામો કરાવવા માટે આવતા જેના માટે તે સિંહ દર્શનની સવલતો કરી આપતો હતો.
બીજી બાજુ ગેરકાયદેસર સિંહ દર્શન અભ્યારણમાં નહીં પણ તેની બોર્ડર પર થતુ હોવાનો વન વિભાગે દાવો કર્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન માટે આવા તત્વો અભ્યારણ્યની બોર્ડરના નહીં પરંતુ અભ્યારણ્યની બોર્ડર પર આવતા વિસ્તારો પસંદ કરી આ લોકો ગ્રામ્ય પંથકમાં બળદ માલઢોર વેચવા આવતા વ્યકિતઓ પાસેથી વસુલી ગયેલા પશુ-ખરીદી તેને બોર્ડરની નજીક જયાં સિંહ ગ્રુપ પસાર થતા હોય તેની માહિતી મેળવી તે જગ્યાઓ પશુઓને બાંધી આવી હરકતો કરતા હોય છે.
હાલમાં વાયરલ થયેલ ગેરકાયદેસર સિંહ દર્શનની વીડીયો કલીપ પ્રકરણમાં વન વિભાગે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને બંન્ને શખ્સો જામીન પર છુટી જવા પામેલ છે. આજે એક શખ્સ વન વિભાગ સમક્ષ સરન્ડર થાય તેવી શકયા છે અને જે શખ્સોના નામ ખુલ્યા છે તે શખ્સો નાસતા ફરતા હોય વન વિભાગે તેની શોધખોળ જારી રાખેલ છે.