તોગડિયા તરફી પાટીદાર ધારાસભ્યો બગાવતની તૈયારીમાં?

ગુજરાત ભાજપે ‘ચોક્કસ’ ધારાસભ્યો પર ગોઠવી ચાંપતી નજર
આવનારા દિવસોમાં ગુજરાતમાં નવા-જૂનીના ભણકારા
અમદાવાદ તા,16
પ્રવીણ તોગડિયાને વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી પાણીચું આપી દેવામાં આવ્યા બાદ ગુજરાત ભાજપના માથે મોટું ટેન્શન આવી પડ્યું છે. પ્રદેશ ભાજપના નેતાઓએ પ્રવીણ તોગડિયાની નિકટના મનાતા ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના મહત્વના હોદ્દેદારોની યાદી બનાવી દીધી છે અને તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ભાજપ વર્તુળોના જણાવ્યા પ્રમાણે પ્રવીણ તોગડીયાના મોટી સંખ્યામાં વફાદારો ભાજપમા કાર્યરત રહેલા છે. જે પ્રકારે તોગડીયાની હકાલપટ્ટી કરવામાં આવી છે તેના પડઘા પડ્યા વગર રહેવાના નથી. તોગડીયા પણ આર પારની લડાઈ લડવાના મૂડમાં જણાઈ આવી રહ્યા છે. ભાજપ સામે સાટું વાળવા માટે તેઓ આકરા પાણીએ જશે તો ભાજપને ગુજરાતમાં મોટું નુકશાન થઈ શકે છે.
ભાજપ દ્વારા પણ સામે પક્ષે ડેમેજ ક્ધટ્રોલ કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પાટીદાર સમાજ પર તોગડીયાની ખાસ્સી એવી પકડ છે. આ ઉપરાંત હિન્દુ હિત રક્ષક સંગઠનો પર સીધી રીતે તોગડીયાનો ગુજરાતમાં પ્રભુત્વ રહેલું છે. નોંધનીય વાત એ છે કે ગુજરાત ભરમાં ગૌરક્ષા સમિતિઓ, બજરંગ દળ સહિતની પાંખોમાં પ્રવીણ તોગડીયાના સમર્થકોની સંખ્યા લાખોમાં થઈ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદના ઘટનાક્રમમાં તોગડીયા હવે પોતાની જંગ લડવા મેદાને પડ્યા છે ત્યારે ભાજપના કેટલાક નેતાઓ પણ તોગડીયા સાથે જઈ શકે છે અને ભાજપ છોડી શકે છે એવી રિપોર્ટ મળતા ભાજપની નેતાગીરીની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભામાં પણ તોગડીયા સમર્થક ધારાસભ્યોની સંખ્યા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ હાલની સ્થિતિમાં આ તમામ ધારાસભ્યોએ મોઢે તાળું મારી દીધું છે અને કશું પણ બોલાવા રાજી ન હોવાની જાણકારી મળી રહી છે.
મહત્વની વાત એ છે કે ભાજપ અને સરકારમાં ટોચના પદો પર ગુજરાતના ત્રણ દિગ્ગજ નેતાઓ બેઠાં છે તેવામાં પ્રવીણ તોગડીયાનો ત્રીજો ખૂણો ભાજપ માટે માથાનો દુખાવો બની રહેશે. હાલ ગુજરાત ભાજપમાં એવો કોઈ નેતા દેખાતો નથી જે પ્રવીણ તોગડીયા કે તેંમના સમર્થકો દ્વારા થનારા ભાજપના રાજકીય નુકશાનની ભરપાઈ કરી શકે. પ્રવીણ તોગડીયા સાથે આજે પણ કેટલાક ધારાસભ્યોએ ટેલિફોનિક સંપર્ક કર્યા હોવાની માહિતી લીક થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં નવા-જૂનીના ભણકારાનાં સંકેત મળી રહ્યા છે.