માતા-પિતાના મૃત્યુના 4 વર્ષ બાદ બાળકનો જન્મ થયો

પેઇચિંગ, તા.14
ચીનમાં માતા-પિતાના મૃત્યુના 4 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો. સરોગેટ માતા દ્વારા બાળકને જન્મ આપવામા આવ્યો. રોડ અકસ્માતમાં બાળકના પેરેન્ટ્સનું મોત થયું હતું. વર્ષ 2013માં થયેલા આ અકસ્માત પહેલાં આ દંપતીનો પ્રજનન સંબંધી ઇલાજ ચાલી રહ્યો હતો.
દંપતીના મોત બાદ તેમના ફર્ટિલાઇજ્ડ એમ્બ્રાયોને મેળવવા માટે બાળકના દાદા-દાદીએ લાંબી કાનૂની લડાઇ લડી હતી. નનજિંગના પ્રૂવી શહેરના એક હોસ્પિટલમાં એમ્બ્રાયોને રાખવામાં આવ્યાં હતાં. 9મી ડિસેમ્બરે લાઓસસની સરોગેટ માતાએ બાળકને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચીનમાં સરોગસી પર પ્રતિબંધિત છે અને આ ટેક્નિકથી બાળકોની ઇચ્છા રાખનારને વિદેશમાં વિકલ્પો શોધવા પડે છે. જેથી ભ્રૂણને ચીનની બહાર લઇ જવામા આવ્યું હતું. આના માટે બાળકના દાદા-દાદીએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સરોગેસી એક્સપર્ટ અને બાળકના દાદા-દાદીની મદદ કરનાર લિયૂ બાઉજને કહ્યું કે, પહેલાં અમે વિચાર્યું હતું કે વિમાન દ્વારા એમ્બ્રોયને મોકલવામા આવે પરંતુ એમ્બ્રાયો લઇ જવા માટે કોઇપણ વિમાન કંપની તૈયાર ન થતાં બંને પરિવારે એમ્બ્રાયોને રોડ મારફતે લઇ જવાનો નિર્ણય લીધો.
બાળકને ચીનમાં પરત કઇ રીતે લાવવું તે પડકાર તો સામે ઉભો જ હતો. કેમ કે બાળકને સરોગસી મારફતે જન્મ આપ્યો હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને એ સાબિત કરવાની જરૂર પડતી હોય છે કે બાળકના માતા-પિતામાંથી કોઇ એક ચીની નાગરિક છે. સરોગેટ માતાને ટૂરિસ્ટ વીજા પર ચીન લાવવામાં આવી અને તેમણે ગુઆંઝો હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. જ્યાં 15 દિવસ માટે બાળકને રાખવામાં આવ્યું, ત્યાં સુધીમાં બાળકના દાદા-દાદી, નાના-નાનીના ડીએનએ ટેસ્ટ માટે પણ લોહીના નમૂના આપવામાં આવ્યા.