સિંગરનો ફેન બેંક લૂંટીને બંગલા પર પહોંચી ગયો !

કનેક્ટિકટ, તા.14
સામાન્ય રીતે લોકો પોતાના ફેવરિટ પોપ સ્ટારના બધા કોન્સર્ટમાં શામેલ થાય છે અથવા પછી તેમની તસવીરોથી મોબાઈલ ફોન ભરી નાખે છે. તેનાથી વધારે કહીએ તો શરીર સ્ટારનું ટેટૂ બનાવડાવે છે. પરંતુ અમેરિકામાં એક ફેન તો સૌથી આગળ નીકળી ગયો. આ વ્યક્તિએ પોતાના ફેવરિટ પોપસ્ટાર માટે બેંક લૂંટી લીધી.
આટલું જ નહીં આ વ્યક્તિએ લૂંટેલા રૂપિયા પોતાના ફેવરિટ પોપસ્ટારના ઘર પર ફેંક્યા, જેથી તેને ઈમ્પ્રેસ કરી શકે. જીહાં, સમગ્ર મામલો જાણીતા પોપસ્ટાર ટેલર સ્વિફ્ટ સાથે જોડાયેલો છે. હકીકતમાં અમેરિકાના કનેક્ટિકટમાં રહેતા એક ફેન બ્રૂસ રાઉલે આ ઘટનાને અંજામ આપ્યો. હાલમાં પોલીસે રાઉલની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. એનસોનિયા પોલીસ વિભાગે બ્રૂસ રાઉલની ધરપકડ કરી. હકીકતમાં 26 વર્ષીય રાઉલે એક દિવસ પહેલા જ થયેલી એક બેંક લૂંટમાં વોન્ટેડ હતો. પોલીસકર્મચારીઓએ રાઉલની ઓળખ કરી લીધી અને પીછો કરીને ધરપકડ કરી. કસ્ટડીમાં લીધા બાદ પોલીસે રાઉલને પૂછપરછ કરી.
આ પૂછપરછમાં રાઉલે ખુલાસો કર્યો કે તે પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટને ખૂબ પસંદ કરે છે અને તેને ઈમ્પ્રેસ કરવા માટે બેંકમાં ચોરી કરી. રાઉલે જણાવ્યું કે બેંક લૂંટ્યા બાદ તે ટેલર સ્વિફ્ટના બંગલા પર પહોંચી ગયો અને લૂંટેલા પૈસામાંથી અમુક રકમ સ્વિફ્ટના ઘર પર ફેંકી, જેથી પોપ સ્ટારને ઈમ્પ્રેસ કરી શકે. આરોપી રાઉલ લગભગ 2 કલાક સુધી ડ્રાઈવ કર્યા બાદ ટેલર સ્વિફ્ટના ઘરે પહોંચ્યો અને પછી ઘરમાં પૈસા ફેંક્યા. ઘટના સમયે આરોપીએ પોપ સ્ટારને પણ મળવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્વિફ્ટ તે સમયે ઘરમાં ઉપસ્થિત નહોતી.
આરોપી રાઉલે બેંકમાંથી લગભગ 1 લાખ ડોલરના બોન્ડની ચોરી કરી હતી. હાલમાં પોલીસે આરોપી પર ચોરીના અન્ય ચાર્જ લગાવ્યા છે. તો આ સમગ્ર મામલે હજુસુધી ટેલર સ્વિફ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હોલિવૂડમાં ઘણીવાર ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે હદો પાર કરતા દેખાયા છે. પોપ સ્ટાર માઈલી સાઈરસ પણ એક ફેનનો શિકાર બની ચૂકી છે. તેના ફેને દાવો કર્યો હતો કે માઈલી સાયરસ તેની પત્ની છે અને તેણે માઈલીના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. જોકે બાદમાં પોલીસે તેને પકડી લીધો. અદાલતે આરોપીને 18 મહિનાની જેલની સજા સંભળાવી હતી.