સિંહોરમાં પાણીચોરી રોકવા ગયેલી ટીમ પર પથ્થરમારો

  • સિંહોરમાં પાણીચોરી રોકવા ગયેલી ટીમ પર પથ્થરમારો

નર્મદાની લાઇનમાં ભંગાણ કરી પાણીચોરીનું કારસ્તાન પકડાયું  ગાંધીનગર અને સ્થાનિક અધિકારીઓ પર હુમલો; પોલીસે દોડી જઈ મામલો શાંત પાડી કરી કાયદેસરની કાર્યવાહી
ભાવનગર, તા. 14
એક બાજુ પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે ભાવનગર પંથકમાં નર્મદાની લાઈનમાંથી પાણી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે પાણી ચોરી ઝડપાતા પોલીસ કાફલો સાથે તંત્ર દોડી ગયુ હતું લોકોના ટોળાએ પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બન્યુ હતું તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નર્મદાની લાઈન મારફત ભાવનગર જિલ્લાનાં સિહોર અને સિહોર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ આ નર્મદાની લાઈનમાં ભંગાણ કરી કેટલાક તત્વો પાણીની ચોરી કરતા હોવાનું પાણી પુરવઠા નિયમ ગાંધીનગાનાં ધ્યાનમાં આવ્યુ હતું.
આથી ગાંધીનગરનાં અધિકારીઓ, નર્મદા નિગમના અધિકારીઓ કાર્યપાલક ઈજનેર સિહોર તાલુકા મામલતદાર ભાવનગર શહેર જિલ્લામાં પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલા સાથે સિહોર તાલુકાનાં મગલાણા ગામે ત્રાટકી બરવાળા તાવડા ગામ તરફથી આવતી નર્મદાની લાઈનમાં ભંગાણ કરી તળાવ ભરાતા હોવાનું ખુલ્યુ હતું. પાણી ચોરીથી ચોકી ઉઠેલા અધિકારીઓએ પાણી ખેચવા માટેનું ડીઝલ એન્જીન તેમજ ઈલેકટ્રીક મોટર સહિત પાઈપો સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. દરમ્યાન દરોડાની કામગીરીથી લોકોનું ટોળુ દોડી આવ્યુ હતુ અને અધિકારીઓ ઉપર પથ્થરમારો શરૂ કરતા વાતાવરણ તંગ બન્યુ હતું જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉનાળામાં પાણીની તીવ્ર તંગી દેખાઈ રહી છે ત્યારે નર્મદાની મેઈન લાઈનમાંથી પાણી ચોરીનું કૌભાંડ ભાવનગર પંથકમાંથી ઝડપાયું છે.
(તસવીર: વિપુલ હિરાણી)